પોરબંદરઃ ગુજરાતમાં માત્ર ત્રણ દિવસમાં એટીએસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, પોલીસ અને કોસ્ટગાર્ડની મદદથી રૂ. 891 કરોડના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સતત ગુજરાતના દરિયાકાંઠાનો ડ્રગ્સની ડિલિવરી માટે ઉપયોગ કરવામાં આવે છે, જે મુજબ પોરબંદરના દરિયામાંથી રૂ. 830 કરોડ અને રાજસ્થાન અને ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરીઓમાંથી રૂ. 61 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.
ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોસ્ટગાર્ડની મદદથી પોરબંદર નજીકના સમુદ્રમાંથી રૂ. 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની પેડલર્સને ઝડપી લીધા હતા. કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં એન્ટિ નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાત ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સાથે સંકલન કરી હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન પોરબંદર નજીકના દરિયામાં કોસ્ટગાર્ડનાં જહાજો અને વિમાન દ્વારા ચાંપતી નજર રખાઈ હતી. દરમિયાનમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ, એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓને એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટની તલાશી લેતાં તેમાંથી રૂ. 600 કરોડની કિંમતનું 86 કિલો નાર્કોટિક્સ મળી આવ્યું હતું.
સતત બીજા દિવસે પણ એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં રૂ. 61 કરોડનું 173 કિલો હશીશ ઝડયાયું છે. જેમાં બોટમાંથી 2 અને પૂણે, દ્વારકા અને માંડવીમાંથી 3 મળી કુલ 5 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના 3 શખ્સો દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરવાના ફિરાકમાં છે, જેઓ ફિશિંગના બહાને પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો રિસીવ કરીપાછા ફરવાના છે. જેના આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા.
બીજી તરફ ગુજરાત એટીએસ અને એનસીબીએ જોઇન્ટ ઓપરેશનમાં આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કરી ગુજરાતના ગાંધીનગર-અમરેલીમાં ચાલતી અને રાજસ્થાનમાં શિરોહી અને જોધપુરના બે મળીને કુલ 4 ફેક્ટરીમાં રેડ કરી રૂ. 230 કરોડનો અંદાજે 22 કિલોથી વધુનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ઝડપી 2 મુખ્ય સૂત્રધાર સહિત 13 આરોપીની ધરપકડ કરી છે. જેમની પાસેથી રો મટિરિયલ અને એમડી ડ્રગ્સ બનાવવાનાં મશીનો જપ્ત કર્યાં હતાં.
એનસીબી દિલ્હી અને એટીએસની ડીવાયએસપી એસ.એલ. ચૌધરીની ટીમે પીપળજ ગામે રહેણાક મકાનમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી 476 ગ્રામ એમડી, 17 લિટર લિક્વિડ એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવવાની મશીનરી જપ્ત કરી હતી. બીજી ફેક્ટરી અમરેલીના કેરિયા બાયપાસ પાસે ભક્તિનગરમાં મારુતિ ઈન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નં-4માં ચાલતી હતી. તિરુપતિ કેમ-ટેકમાં રેડ કરીને 6 કિલો એમડી ડ્રગ્સ અને 4 લિટર લિક્વિડ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્રીજી ફેક્ટરી રાજસ્થાનના શિરોહી જિલ્લામાં લોટીવાલા બડા ગામમાં મત્રા નદી પાસે ચાલતી હતી, જ્યાંથી 15 કિલો એમડી અને 100 લિટર લિક્વિડ એમડી જપ્ત કર્યાં હતાં. ચોથી ફેક્ટરી રાજસ્થાનના જોધપુરના ઓશિયા ગામે ચાલતી હતી, જ્યાં ડ્રગ્સનાં સાધનો સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે.