જામનગરઃ ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. ભાજપના કાર્યાલય ઉદઘાટન, પ્રસંગ, રેલી અને સભાઓમાં ક્ષત્રિય યુવાનો ધસી આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામનગરના જામજોધપુરમાં તાજેતરમાં ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યા બાદ નવાગામ ઘેડ અને કાલાવડમાં પણ ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવાગામ ઘેડમાં તો ક્ષત્રિયાણીઓ રણચંડી બની હોય એવું જોવા મળ્યું હતું. આ દરમિયાન ક્ષત્રિયાણીઓ દ્વારા ભાજપનાં બેનર પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં, તેમજ ખુરશીઓ ઉછાળવામાં આવી હતી.
ક્ષત્રિય યુવાનો પોલીસે અટકાવ્યા
પૂનમબહેન માડમનો રોડ-શો તેમજ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ ભાજપ અને રૂપાલાના વિરોધમાં નારા લગાવી સભા તરફ આગળ વધી રહ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. જો કે ક્ષત્રિય યુવાનો સભાસ્થળે પહોંચે એ પહેલાં પોલીસે તેમને અટકાવ્યા હતા.