સુરતઃ લોકસભા 2024ની ચૂંટણીમાં સુરત એપિ સેન્ટર બની રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવા સાથે કોંગ્રેસના ઉમેદવાર સુરતથી ગાયબ થતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ કુંભાણીનો બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ કાર્યકરો કુંભાણીને કોંગ્રેસનો ગદ્દાર ગણી રહ્યા છે.
કોંગ્રેસના કેટલાક કાર્યકરો બેનર લઈને કુંભાણીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરે તાળાં લાગેલાં જોઈ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સુરત લોકસભાની બેઠક આખા ભારતમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસના કાર્યકરોમાં આ ઘટનાનો ભારે રોષ છે અને કુંભાણીએ સેટિંગ કરીને કોંગ્રેસને દગો આપ્યો હોવાનો આક્ષેપ કાર્યકરો કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને કોંગ્રેસના કાર્યકરો સ્ક્રીપ્ટેડ હોવાનું ગણી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ કુંભાણીની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. કુંભાણીના કારણે સુરતમાં નહીં, પણ ભારતમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે.
કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ
સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની બેદરકારીના કારણે કોંગ્રેસની નાલેશીભરી સ્થિતિ થઈ છે, કુંભાણીનું અને ડમીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારો પણ પાણીમાં બેસી જતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ શુક્રવારે કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, આમ એક રીતે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ થઈ છે.