ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલાં સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 2 કોર્પોરેટર દ્વારા પણ રાજીનામું ધરી દેવાતાં ગાંધીનગર મનપા કોંગ્રેસમુક્ત બની છે. કોંગ્રેસના આ બંને કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે.
ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત 2 કોર્પોરેટર હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાપાલિકા કોંગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભાજપે રિપીટ કર્યા છે, ત્યારે તેમને 10 લાખ કરતાં વધુ લીડથી જીતાડવા માટે સંગઠન કાર્યકરો મતદારો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ બીજેપી મજબૂત બની રહી છે. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 44 બેઠક પૈકી 41 ભાજપ પાસે છે. અને કોંગ્રેસ પાસે 2 બેઠક જ હતી, પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી કેસરિયા કરી લીધા છે.
લોકસભામાં ભાજપ દેશમાં ગઠબંધન સાથે 400 પ્લસ બેઠકો જીતવા માગે છે. આ ટાર્ગેટને પાર પાડવા ભાજપ માટે ગુજરાત મહત્ત્વનું છે અને તેની 26 બેઠકો જીતે તો આસાનીથી ટાર્ગેટ પાર પડી શકે છે. એટલે લોકસભા ચૂંટણી પહેલાથી બીજેપીનું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ કામે લાગ્યું હતું.