રાજકોટઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના આકાશમાં સવારે વિમાનોના એન્જિનની ગર્જના જુદા પ્રકારની હતી. સામાન્ય રીતે આ એરપોર્ટ પર પેસેન્જર વિમાનોની ઘરઘરાટી સંભળાતી હોય છે, પરંતુ તે દિવસે સવારે ઇન્ડિયન એરફોર્સના ફાઇટર વિમાનો ગગનભેદી ગર્જના કરતા હતા. જોતજોતામાં 4 ફાઇટર વિમાનોએ એરપોર્ટના રન-વે પરથી ઉતરાણ કર્યું હતું. રાજકોટ એરપોર્ટ પર ફાઇટર વિમાનોના ઉતરાણથી જાત-જાતના તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
રાજકોટથી 100 કિ.મી.ના અંતરે આવેલા જામનગરમાં આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય વિંગ છે, ત્યારે જામનગરના આકાશમાં ફાઇટર વિમાનોનું ઉડ્ડયન નિયમિત બનતી ઘટના છે. જો કે રાજકોટના આકાશમાં ફાઇટર વિમાનો ક્યારેક જ જોવા મળે છે. એવામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે એક-બે નહીં ચાર જેગુઆર ફાઇટર ઉડ્ડયન કરવાની સાથે ઉતરાણ પણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફાઇટર વિમાનો યુદ્ધ કે અન્ય ઇમર્જન્સીના સમયમાં રાજકોટ એરપોર્ટ પર ઉડાન–ઉતરાણની પરિસ્થિતિ ચકાસવા આવ્યાં હોઈ શકે.