નડિયાદઃ અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહિસાગર નદીમાં નહાવા આવેલા 9 પૈકી 4 મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ એકનો જીવ બચાવી લીધો હતો, જ્યારે ત્રણ યુવકનાં મોત થયાં હતાં.
ખેડાના ગળતેશ્વર નજીકની મહિસાગર નદીકાંઠાને પિકનિક પોઇન્ટ ગણાય છે, ત્યારે રવિવારે અમદાવાદથી આવેલા 9 પૈકી કેટલાક મિત્રો નદીના નહાવા ઊતરતાં દુર્ઘટના સર્જાઈ હતી, જે પૈકી ત્રણનાં મોત થયાં હતાં. સેવાલિયા પીએસઆઇએ જણાવ્યું કે, ગરમી હોવાથી 9 લોકો અમદાવાદથી ગળતેશ્વર આવ્યા હતા, નદીમાં ઉતરેલો યુવાન ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં અન્ય 3 યુવાન પણ ડૂબ્યા હતા.