શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક (ડીજીપી) રશ્મિ રંજન સ્વૈને જણાવ્યું છે કે નિયંત્રણ રેખા (એલઓસી) પાર આવેલા લોન્ચિંગ પેડ ખાતે 60 થી 70 આતંકવાદી ભારતમાં ઘૂસણખોરી માટેની ફિરાકમાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆઇડીનો કાર્યભાર સંભાળી રહેલા સ્વૈને કહ્યું હતું કે સુરક્ષા સલાહકારોની બેઠકમાં એ હકીકત સામે આવી છે કે શત્રુએ હજીપણ ભારતીય સરહદની અંદર સામગ્રી મોકલવા સામે લગામ નથી લગાવી. સરહદી વિસ્તારોમાં ડ્રોન પ્રવૃત્તિ હજી પણ ચાલુ છે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે પાડોશીમાંથી ઘૂસણખોરી કરીને આવેલા આતંકવાદીઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિનો સામનો કરવામાં સફળતા જરૂરથી મળી છે, પરંતુ સાથે એમ પણ માને છે કે સરહદપારથી ખતરો હજી યથાવત છે.
સરહદ પારથી આવતા ડ્રોનનો પડકાર
સરહદ પારથી આવી રહેલા ડ્રોનને તોડી પાડવાને મુદ્દે ડીજીપીએ જણાવ્યું હતું કે ડ્રોન પ્રવૃત્તિ ખૂબ જ પડકારરૂપ સમસ્યા છે. કેમ કે ડ્રોનની મદદથી આતંકવાદીઓ સુધી હથિયાર, દારૂગોળો, રોકડ અને માદક પદાર્થોની દાણચોરી પણ સંભવ છે.