ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની કોઈ જ અસર નહીં

Wednesday 05th June 2024 05:43 EDT
 
 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેને જોતાં ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી બેઠક પર ક્ષત્રિય આંદોલનની કોઈ જ અસર ન થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. જ્યાં ક્ષત્રિયોના સૌથી વધુ મત હતા, તે આણંદ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત જેના વિવાદિત નિવેદનના કારણે આખું ક્ષત્રિય આંદોલન ઊભું થયું હતું તે પરસોત્તમ રૂપાલા પણ રાજકોટ બેઠક પરથી જંગી લીડથી વિજેતા બન્યા છે.
રાજકોટ બેઠક પર 2019માં ભાજપને જે લીડ મળી હતી તેના કરતાં પણ વધુ લીડ આ વખતના પરિણામમાં મળી છે. બીજી તરફ જ્યાં ક્ષત્રિય મતદારો નિર્ણાયક હતા, તે જામનગર બેઠક પર ભાજપનાં પૂનમ માડમને ગઈ ચૂંટણીમાં મળેલી લીડ કરતાં આ વખતે વધુ મતની લીડ મળી છે. આ સ્થિતિમાં જેમણે ક્ષત્રિય આંદોલન ચલાવ્યું હતું તે સંકલન સમિતિના આગેવાનો અને પદ્મિનીબા વાળાએ રૂપાલાની જીતને સંકલન સમિતિના રાજકારણનું પરિણામ ગણાવી, તો સંકલન સમિતિના અન્ય આગેવાનોએ દાવો કર્યો કે ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર થઈ છે અને તેના કારણે જ ભાજપની લીડ ઘટી છે.
રૂપાલાની જીત રાજકારણનું પરિણામઃ પદ્મિનીબા
ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારાં પદ્મિનીબા વાળાએ કહ્યું કે, અમે જે રીતે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરી હતી, એ જ રીતે સંકલન સમિતિએ અમારા રસ્તા પર ચાલીને આંદોલનને આગળ વધાર્યું હોત તો અમારી જીત થઈ હોત. રૂપાલા આટલી લીડથી જીત્યા એ સંકલન સમિતિના રાજકારણનું પરિણામ છે.
ક્ષત્રિય આંદોલન ફેલ રહ્યું
ક્ષત્રિય આંદોલન ફેલ રહ્યું છે, આંદોલનના બદલે રાજકારણ આવી ગયું હતું. સંકલન સમિતિવાળા રાજકારણ રમી ગયા અને સમાજને ગેરમાર્ગે દોર્યો છે. આ પહેલા બધાએ બહુ મોટી-મોટી વાતો કરી હતી. જ્યારથી આંદોલનમાં કોંગ્રેસ-ભાજપનું રાજકારણ ભળ્યું, ત્યારથી જ હું સાઇડલાઇન થઈ ગઈ હતી, ત્યારથી જ મને આંદોલનમાં કોઇ રસ નહોતો. રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી જ આંદોલન પૂરું થઈ ગયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર ભાજપની હેટ્રિક

ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠક પર વિજયની હેટટ્રિક મળી નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 8 બેઠક પર ભાજપે વિજયની હેટટ્રિક ફટકારી છે. 8 બેઠક પર 91 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં 5 મહિલાનો પણ સમાવેશ થાય છે. 5 મહિલામાં 2 મહિલાનો જંગી લીડ સાથે વિજય થયો છે, જ્યારે સૌથી વધુ લીડ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને 4,84,260 મતની મળી છે. જ્યારે બીજા નંબરે લીડ ધરાવનાર ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણિયા છે. તેઓને 4,55,289 મતની લીડ મળી છે. જ્યારે સૌથી ઓછી લીડ જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને 1,35,494 મતથી મળી છે.
અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા માત્ર 10 પાસ છે, તેની સામે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર લંડનમાં ભણીને આવ્યાં છે, છતાં સુતરિયાએ જેની ઠુમ્મરને પછડાટ આપી ભવ્ય જીત મેળવી છે. રાજકોટ ભાજપના વોટ શેરમાં 4 ટકાનો વધારો થયો છે, 2024માં ભાજપનો વોટ શેર 67.3 ટકા રહ્યો છે, જે 2019માં 63.47 ટકા હતો અને 2014માં ભાજપનો વોટ શેર 59.05 ટકા હતો. 2009માં ભાજપનો વોટશેર 42.87 ટકા હતો. 2004માં ભાજપનો વોટશેર 59.54 ટકા હતો.


comments powered by Disqus