કરાચીઃ ગુજરાતીઓ પહેલી મેનો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઊજવે છે. જો કે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે પાકિસ્તાનના કરાચીમાં આ દિવસને ગુજરાતી ભાષા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા લુપ્ત ન થાય એ માટે છેલ્લાં દસેક વર્ષથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતી માટે 4 લાખ મૂળ ગુજરાતીની વસ્તી ધરાવતા કરાચીમાં 'ગુજરાતી બચાવ તહેરિક' નામનું સંગઠન ચાલે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ વર્ષે ઊજવાયેલા પ્રોગ્રામમાં યુવતીઓ ગરબે ઘૂમી હતી ને લોકોએ ગુજરાતી ભોજનની મજા માણી હતી.
ગુજરાતી ભાષા માટે દુઃખ થતું
કરાચીમાં ટેક્સ પ્રેક્ટિશનર તરીકે કામ કરનારા વકીલ યાસિન મર્ચન્ટે કહ્યું કે, હું કરાચીમાં જન્મ્યો, પરંતુ મારા બાપ-દાદા ભાવનગરમાં રહેતા હતા. ગુજરાતી ભાષા માટે મનમાં ઘણું જ દુઃખ થતું હતું. પાકિસ્તાન-કરાચીમાં ધીમેધીમે ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થઈ રહ્યું હતું. ત્યારથી મનમાં થતું કે જો આવું જ ચાલ્યું તો ગુજરાતી ભાષા ખતમ થઈ જશે. આજથી પાંચેક વર્ષ પહેલાં અમે ગુજરાતી રિવાઇવલ ગ્રૂપ બનાવ્યું. આ ગ્રૂપ હેઠળ એક પ્રોગ્રામ કર્યો. મને અંદાજો નહોતો કે લોકો રજિસ્ટ્રેશન કરાવીને આવશે. પહેલી જ મિટિંગમાં 300 સ્ત્રી-પુરુષો આવ્યાં. મને એવું હતું કે 50 માણસો આવે તો પણ બહુ, પરંતુ કલ્પના બહારના લોકો આવ્યા. પ્રોગ્રામમાં ગુજરાતી ભાષા અંગે લોકોને અપીલ કરવામાં આવી કે તમે ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં જ વાત કરો. આ બધું થોડો સમય ચાલ્યું. પછી તો એવું લાગ્યું કે લોકોમાં ગુજરાતી શીખવાનો રસ ઘટી ગયો ને આ બંધ થયું.
ઘાંચી કોમ્યુનિટીમાં ગુજરાતી સૌથી વધુ બોલાય છે
કરાચીમાં ગુજરાતી બોલવામાં ઘાંચી કોમ્યુનિટી પ્રથમ ક્રમે છે. વિવિધ ધર્મના મૂળ ગુજરાતી લોકો કરાચીમાં વસે છે. આ લોકો પૈકી યાસીન મર્ચન્ટ, અબ્દુલ રહેમાન, સૈયદ ફરહાન તથા રાહિલ ઘાંચીએ ગુજરાતી ભાષાને બચાવવા નક્કી કર્યું કે જે લોકોને ગુજરાતી આવડતું નથી તેમના માટે ક્લાસ શરૂ કરવા. જો કે 2019માં મૂવમેન્ટ શરૂ થતાં જ કોરોના આવતાં તે અધૂરી છૂટી. જો કે તે બાદ આ યૂથ દ્વારા ગુજરાતી શીખવવા માટેના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા. અત્યારે ચાર જગ્યાએ ગુજરાતી શીખવવામાં આવે છે.
ગોધરા કોમ્યુનિટી એરિયા ને રણછોડ લાઇન એરિયામાં ગુજરાતી બહોળા પ્રમાણમાં બોલાય છે. આ ઉપરાંત ન્યૂ કરાચી એરિયા તથા બાલડિયા ટાઉનમાં બાળકોથી માંડીને વડીલોને દર રવિવારે નિઃશુલ્ક ગુજરાતી શીખવવામાં આવે છે.
કરાચીમાં બોહારી, ખોજા, મોમિન, પારસી, ઘાંચી, કુચી, સિપાહી જમાત, પટણી જમાત આ બધા ગુજરાતી બોલે છે. 1960ની આસપાસ પાકિસ્તાની સરકારે વન યુનિટ સ્કીમ લાગુ કરી અને એ હેઠળ તમામ સ્કૂલોમાં માત્ર ઉર્દૂ જ શીખવવાનું નક્કી થયું. આ વાતનો સિંધી સમુદાયે વિરોધ કર્યો ને તેમણે પોતાની ભાષાને મરવા દીધી નહીં. કમનસીબે ગુજરાતીઓએ સરકારનો આદેશ માની લીધો. આ જ કારણે ધીમેધીમે સ્કૂલો બંધ થઈ. કરાચીમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. પહેલી સિંધી ને બીજી બલોચ છે.
નવી પેઢીને ગુજરાતી શીખવું છે
ગુજરાતની નવી પેઢીને હવે ગુજરાતી શીખવામાં રસ નથી, ત્યારે પાકિસ્તાનમાં નવી પેઢી ગુજરાતી શીખવા ઉત્સુક છે. ત્યાંના સ્થાનિકો માને છે કે, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની સાથે નહીં જોડાઈએ તો આપણી કોઈ ઓળખ નથી. આખી દુનિયામાં આપણી ઓળખ ગુજરાતી તરીકે જ છે. આખા વિશ્વમાં ગુજરાતીઓ ટોચના સ્થાને છે. ભારત સાથેના મતભેદો રાજકારણને કારણે છે, માતૃભાષા માટે કોઈ મતભેદ નથી.