ગાંધીનગર: મંગળવારે લોકસભા ચૂંટણીનાં પરિણામો પહેલાં ગુજરાતના રાજકારણ મુદ્દે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વનો વરતારો કર્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ તરત જ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. આ માટે તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત્ રહેશે, પરંતુ સાતથી આઠ નવા મંત્રી મંત્રીમંડળમાં જશે, જ્યારે વર્તમાન મંત્રીમંડળના કેટલાક ચહેરા કપાશે. રૂપાણીએ તેમ પણ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલનું વર્તમાન મંત્રીમંડળ 17 સભ્યનું છે અને હજુ તેમાં વધુ સભ્યો ઉમેરાય તેવી આશા છે. નાનું મંત્રીમંડળ બન્યું તે પછી તરત જ વાત ચાલી હતી કે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે પણ તે વખતે શક્ય ન બન્યું, તે હવે બનશે.
હાલ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી થઈ તેમાંથી પણ કેટલાક લોકો સ્થાન મેળવે તેવી સંભાવના છે.
આ સિવાય વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપના સંગઠનમાં કેટલોક વિખવાદ હતો, પરંતુ મોટાભાગના મતદાતાઓ કહેતા હતા કે , અમે મોદી માટે મતદાન કરીને આવ્યા છીએ. અને ભાજપને જીત અપાવીશું.
આંદોલનની અસર થઈ, પણ...
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રૂપાલાના નિવેદનથી ઘણાં બધાં રાજકીય પરિમાણો બદલાયાં અને ક્ષત્રિય આંદોલનને કારણે ગુજરાતના રાજકારણને નાની-મોટી અસર થઈ છે, પરંતુ અમને એટલો ભરોસો હતો કે ક્ષત્રિય લોકો દેશભક્ત છે. દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે હંમેશાં તેમણે બલિદાન આપ્યાં છે. રૂપાલાસાહેબે અવારનવાર માફી માગી છે તો અંતે તો એ કમળને જ મત આપશે એવો મને વિશ્વાસ છે.