ઉમરગામઃ ગુજરાતમાં સૌથી વધુ પ્રિ-વેડિંગ શૂટિંગ થતું હોય એ સ્થળનું નામ એટલે નારગોલ બીચ. વલસાડના ઉમરગામમાં સ્થિત નારગોલ દરિયાકિનારો પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યો છે. 5 કિલોમીટર લાંબો સ્વચ્છ અને સુંદર દરિયાકિનારો નારગોલ ગામની કુદરતી અમાનત છે. સુંદર દરિયાકિનારાને અડીને આવેલા લીલાંછમ જંગલ અને ખેતરો નારગોલ ગામની શોભા વધારે છે. આ ગામ પારસીઓના ઐતિહાસિક ગામ તરીકે પ્રચલિત છે.
પ્રિવેડિંગ શૂટિંગ માટે રૂ. 500 ચાર્જ
પંચાયત વિસ્તારમાં થતા પ્રિવેડિંગ શૂટિંગ માટે ગ્રામ પંચાયત દ્વારા રૂ. 500 પ્રિવેડિંગ શૂટિંગ ટેક્સ તરીકે લેવામાં આવે છે. રેકર્ડ મુજબ ગત એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધી એક વર્ષમાં અહીં કુલ 5,700 જેટલાં પ્રિવેડિંગ શૂટિંગ નોંધાયાં છે.