આસામમાં પૂરથી 6 લાખ લોકો પ્રભાવિત

Wednesday 05th June 2024 05:44 EDT
 
 

આસામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. આ સાથે જ અસરગ્રસ્ત વસ્તીની સંખ્યા છ લાખથી વધુ થઈ ગઈ છે. આસામની નદીઓ કોપિલી, બરાક અને કુશિયારા જોખમની સપાટીથી ઉપર વહેતાં 41,564 વિસ્થાપિતોએ 187 શિબિરોમાં આશ્રય લીધો હતો.

• બ્રહ્મોસ એરોસ્પેસના એન્જિનિયરને આજીવન કેદઃ નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે પૂર્વ બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેને 14 વર્ષની સખત કેદની સાથે 3,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

• વૈષ્ણોદેવીઃ કટરામાં સિગારેટ-તમાકુ પર પ્રતિબંધઃ માતા વૈષ્ણોદેવી યાત્રાના આધાર શિબિર કટરામાં માંસ અને દારૂ પછી હવે સિગારેટ અને તમાકુ પર પ્રતિબંધ મુકાશે. 1 ઓગસ્ટથી કટરા અને વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ તે ગેરકાયદે ગણાશે. કટરામાં સફાઈ અને પવિત્રતા જાળવી રાખવા માટે આ પગલું લીધું છે.

• ઈડીએ એરપોર્ટ પર ધરપકડ ન કરતાં માલ્યા અને ચોકસી વિદેશ ભાગ્યાઃ મુંબઈની સ્પેશિયલ કોર્ટે સોમવારે એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ કરનાર વિજય માલ્યા અને નિરવ મોદી જેવા બિઝનેસમેન એટલા માટે વિદેશ ભાગી ગયા કારણ કે તપાસ એજન્સીઓએ એરપોર્ટ પર તેમની ધરપકડ કરી નહોતી.

• હૈદરાબાદ માત્ર તેલંગાણાનું પાટનગર, આંધ્રનું નહીંઃ હૈદરાબાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની નથી રહી. આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઈઝેશન એક્ટ 2014ની કલમ 5(1)ની જોગવાઈ મુજબ આ ફેરફાર થયો છે.

• મે મહિનામાં UPI વ્યવહારોનો નવો રેકોર્ડઃ મે મહિનામાં UPIના વ્યવહારોએ નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. મે મહિનામાં UPI ની કુલ 14.04 અબજ ટ્રાન્ઝેક્શન થકી રૂ. 20.45 ટ્રિલિયન મૂલ્યનાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. જે જથ્થાનાં સંદર્ભમાં 6 ટકાનો અને મૂલ્યનાં સંદર્ભમાં 4 ટકાનો વધારો દર્શાવે છે.

• RudraM-2: ભારતે પોતાની સુપર કિલર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુંઃ ડીઆરડીઓએ 29 મેએ RudraM-2 મિસાઇલનું પરીક્ષણ કરતાં સુખોઈ-30 ફાઇટર જેટ દ્વારા લોન્ચ કરાઈ. પરીક્ષણ દરમિયાન મિસાઇલની સિસ્ટમની તપાસ કરાઈ.

• શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં કોર્ટનો નિર્ણય સુરક્ષિતઃ શ્રી કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઈદગાહ કેસમાં દાખલ 18 અરજીઓ પર અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી પૂરી કરી. જસ્ટિસ મયંક જૈનની બેન્ચ ગરમીની રજા પછી નિર્ણય સંભળાવી શકે છે. હિન્દુ પક્ષની આ અરજીઓનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું છે- અરજીઓ સુનાવણીને લાયક નથી.

• ચીને સિક્કિમ સરહદે સ્ટીલ્થ યુદ્વવિમાનો તહેનાત કર્યાંઃ ચીને સિક્કિમમાં ભારત સાથેની સીમાથી 150 કિમીથી પણ ઓછા અંતરે તેના સૌથી અદ્યતન J-20 સ્ટીલ્થ યુદ્ધવિમાનો તૈનાત કર્યા છે. ચેંગડુ J-20 યુદ્ધવિમાન માઈટી ડ્રેગન તરીકે પણ ઓળખાય છે. આ વિમાનોને રડારમાં પણ ડિટેક્ટ કરી શકાતા નથી.

• મેક્સિકોમાં પહેલીવાર પ્રમુખપદે મહિલા ચૂંટાઈઃ મેક્સિકોની પ્રમુખપદની ચૂંટણીમાં ક્લાઉડિયા શીનબૌમ રવિવારે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજયી થયા છે. તેઓના મુખ્ય પ્રતિસ્પર્ધી પણ એક મહિલા ક્ષોચિત્બ ગાલ્વેઝને ભારે બહુમતીથી પરાસ્ત કર્યા હતાં.

• અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિની લાપતાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ગયા સપ્તાહથી 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની નિતિશા કંડુલા લાપતા છે. પોલીસના કહેવા મુજબ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાડિનોની વિદ્યાર્થિની 28 મેથી લાપતા છે. તે છેલ્લી વખતે લોસ એન્જલસમાં દેખાઈ હતી. 30 મેએ તેના લાપતા થવા અંગે સૂચના અપાઈ હતી.

• વાજપેયી સાથે કરાર ભંગ આપણી ભૂલ હતીઃ નવાઝ શરીફઃ કારગિલ દુ:સાહસનો દેખિતો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું હતું કે ઇસ્લામાબાદે 1999માં તેમના અને ભારતના ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી વચ્ચે થયેલા કરારનો ભંગ કર્યો હતો.


comments powered by Disqus