આણંદઃ સોજિત્રાના મલાતજ ખાતે બે વર્ષ પહેલાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નમો વનનું અંદાજે રૂ. 29 લાખના ખર્ચે આયોજન કરાયું હતું. આ વન નિહાળવા મુખ્યમંત્રી કચેરીના પ્રતિનિધિઓ આવ્યા હતા. જે પહેલાં સૂકા રણ જેવું બનેલા વનને હરિયાળું બનાવવા વનવિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
બે વર્ષ પહેલાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 75 નમો વન બનાવાયાં હતાં, જેમાં દીર્ઘ આયુષ્ય ધરાવતા વડનાં વૃક્ષ રોપવામાં આવ્યા હતા, જેમાં સોજિત્રા તાલુકાના મલાતજ ખાતે અંદાજે 175 વડ રોપવામાં આવ્યા હતા. વનવિભાગની એક વખત રોપણી કર્યા બાદ ઝાડ કે છોડની દરકાર કરવામાં ન આવતાં તે સુકાઈ ગયા હતા. આ સ્થિતિ અન્ય નમોવનની પણ જોવા મળી હતી.
મલાતજ ખાતે બનાવેલું વન સૂકા રણમાં ફેરવાયું હોવાની ગાંધીનગરથી આવેલી સીએમ ઓફિસની ટીમને જાણ ન થાય તે હેતુથી સોજિત્રા વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.