અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ આ વખતે ભાજપનો વિજયરથ બનાસકાંઠાથી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે રોકી દીધો છે. કોંગ્રેસનાં ફાયરબ્રાન્ડ નેતા ગેનીબહેન ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું કે રાજકારણમાં કંઈ જ અશક્ય નથી. મતગણતરી શરૂ થતાં જ ભાજપનાં રેખાબહેન ચૌધરી અને કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જો કે મતગણતરીના છેલ્લા તબક્કા પહેલાં જ રેખાબહેનની હાર નિશ્ચિંત જણાતાં પોલિંગ એજન્ટ અને ભાજપના નેતાઓ મતગણતરી કેન્દ્રથી ચૂપચાપ રવાના થઈ ગયાં હતાં.
ગેનીબહેન ઠાકોર 2022માં વાવ બેઠકથી સતત બીજી વખત ધારાસભ્ય બન્યાં હતાં. બનાસકાંઠામાં તેમની કોંગ્રેસનેતા કરતા પણ વ્યક્તિગત ઓળખ વધુ છે. જ્યારે ભાજપે તદ્દન નવા ચહેરા રેખાબહેન ચૌધરીને ગલબાભાઈ ચૌધરીનાં પૌત્રી તરીકે રજૂ કરી ટિકિટ આપી છે.