મુંબઇઃ મુકેશ અને નીતા અંબાણીના ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનું રવિવારે મુંબઈમાં આરંગેત્રમ્ યોજાયું હતું. જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રાધિકા મર્ચન્ટના સોલો પર્ફોમન્સને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. દરેક મહેમાનને અંબાણી અને મર્ચન્ટ પરિવાર એન્ટ્રી પોઈન્ટ પર આવકારતા હતા. તેમના દમદાર પર્ફોમન્સને જોઈને લોકો મોહિત થઈ ગયા હતા. રાધિકા મર્ચન્ટની સફળતા પાછળ તેમના ગુરુ ભાવના ઠક્કરનો મોટો ફાળો છે. જેમણે રાધિકાને આઠ વર્ષ આરંગેત્રમમાં ટ્રેઈન કરી હતી. આજે રાધિકા મર્ચન્ટનો પહેલો શો હતો. અહીં ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારમાં ભારત નાટ્યમ ડાન્સર તરીકે રાધિકા બીજી મહિલા બની છે. નીતા અંબાણી ખુદ ભારત નાટ્યમ ડાન્સર છે અને પોતાની નેશનલ અને ઈન્ટરનેશનલ બિઝનેસની જવાબદારી વચ્ચે પણ ભારત નાટ્યમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ધીરૂભાઈ અંબાણી તેમના સંબંધીના આગ્રહથી એક આરંગેત્રમમાં ગયા હતા ત્યારે તેમની નજર નીતા દલાલ પર પડી હતી અને ત્યારબાદ મુકેશ અંબાણી માટે નીતાનું માંગું નંખાયું હતું. ગણેશ વંદનાથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં વિવિધ વંદનાને સ્થાન અપાયું હતું. વંદના બાદ બહુ લોકપ્રિય ભજન અચ્યુતમ કેશવમ શરૂ કરાયું હતું જેમાં ત્રણ સ્ટોરી ભગવાન રામની રાહ જોતી શબરી, ગોપીઓ સાથે કૃષ્ણ અને મા યશોદા બાળ કૃષ્ણ સાથેની વાતને સમાવાઈ હતી.