આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ, અંડાણુ ફ્રીઝ કરવાની ટેકનોલોજી પા પા પગલી ભરતી હતી અને ફળદ્રૂપતાની સમસ્યા જેવી ગંભીર મેડિકલ કંડિશન્સ હોય તેવી સ્ત્રીઓ પૂરતો જ તેનો ઉપયોગ કરાતો હતો. હવે તો સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ફ્લુઅન્સર્સ જ પ્રાઈવેટ ક્લિનિક્સના પાર્ટનર બનીને ઈન્સ્ટાગ્રામ, ટિક ટોક કે ટેલિગ્રામ પર જાહેરાતોમાં દેખાઈ યુવાન સ્ત્રીઓને અંડાણુ ફ્રીઝ કરાવી લેવા પ્રભાવિત કરે છે.
યુવા સ્ત્રીઓમાં કોર્પોરેટ કલ્ચરની નોકરીઓમાં યોગ્ય વયે લગ્ન અને તે પછી બાળકની પળોજણમાંથી મુક્ત રહેવાનું ચલણ વધી રહ્યું છે જેના પરિણામે પણ એગ્સ ફ્રીઝિંગ પ્રક્રિયાને બળ મળ્યું છે. જોકે, કારકિર્દી સિવાય પણ તેનું બીજું પાસું પણ છે. વર્તમાનમાં સ્ત્રીઓ શૈક્ષણિક સિદ્ધિ મુદ્દે ભારે વિસંગતતા હોવાથી યોગ્ય ઊંમરે જીવનસાથી મેળવી શકતી નથી. આ સંજોગોમાં ભવિષ્યમાં માતૃત્વનું સુખ મેળવી શકાય તે માટે એગ્સ ફ્રીઝ કરાવવાનું યોગ્ય માને છે. ઘણી વખત એગ ફ્રીઝિંગને ગ્લેમરસ લાઈફસ્ટાઈલ માટે ‘વૈભવી સહાયક’ પણ ગણાવાય છે.
વિશ્વમાં સૌપ્રથમ વખત 1978માં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન ટેક્નિકથી ટેસ્ટ ટ્યૂબ બેબી લેસ્લી બ્રાઉનનો જન્મ થયો તેના પછી 1986માં ફ્રીઝ કરાયેલા અંડાણુથી પ્રથમ સફળ પ્રેગનન્સી ઓસ્ટ્રેલિયામાં હાંસલ કરાઈ હતી. મેડિકલ જર્નલ લાન્સેટની નોંધ છે કે માતાના અંડાણુ કોષને માઈનસ 196 સેન્ટિગ્રેડ વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે તેના 80 ટકા અસ્તિત્વ જાળવી રાખે છે. ફ્રીઝ કરાયેલા અંડાણુમાંથી બાળક મેળવવાની શક્યતા બે પરિબળ પર આધાર રાખે છે. એક તો ઈંડા ફ્રીઝ કરાયા હોય ત્યારે સ્ત્રીની ઊંમર જેનાથી તેની ગુણવત્તા નિર્ધારિત થાય છે અને સંગ્રહ કરાયેલા ઈંડાની સંખ્યા. સરેરાશ જોઈએ તો 2010થી 2016ના ગાળામાં ફ્રીઝ કરાયેલા અંડાણુના ઉપયોગ સાથેની IVF સાઈકલના 18 ટકામાં જીવંત બાળજન્મ થઈ શક્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે સ્ત્રીઓ35થી નીચેની વયે અંડાણુ ફ્રીઝ કરાવે ત્યારે સફળતાનો આંક ઊંચો રહે છે. ઊંમર વધવા સાથે આંક ઘટતો જાય છે.
યુકેમાં જુલાઈ 2022માં કાયદો બદલાયો તેનો અર્થ એ હતો કે અગાઉના 10 વર્ષના બદલે હવે અંડાણુનો સંગ્રહ હવે 55 વર્ષ સુધી કરી શકાશે અને ઢળતી વયે માતા બનવાની ઈચ્છા રાખતી સ્ત્રી માટે નવી જોગવાઈ ઈન્સ્યુરન્સ પોલિસી જેવી હતી. સ્ત્રીઓ માટે પસંદગી કે નિર્ણય લેવાની તક પણ વધી ગઈ છે. આ મુદતવધારો બેધારી તલવાર જેવો છે કારણકે તેનાથી ક્લિનિક્સ યુવાન અને વધુ યુવાન સ્ત્રીઓને એડવર્ટાઈઝ કરી શકે છે જેમાંથી બહુમતી સ્ત્રીઓ તો કુદરતી રીતે ગર્ભાધાન કરી શકે છે. જોકે, આ ટેક્નિકનું સ્ત્રીઓમાં જે રીતે માર્કેટિંગ થઈ રહ્યું છે તે ચિંતાની બાબત છે કારણકે આ થકવી દેનારી આકરી પ્રક્રિયાનું વેચાણ એવી સ્ત્રીઓને થઈ રહ્યું છે જેમાંથી મોટા ભાગનીને તેની જરૂર પડવાની નથી.
અંડાણુને ફ્રીઝ કરવાનો સરેરાશ ખર્ચ 7000 પાઉન્ડ આવે છે. સ્ત્રીનાં અંડાશયને ઉત્તેજિત કરવાં બે સપ્તાહ સુધી હોર્મોનનાં ઈન્જેક્શન્સ આપવાં પડે છે. આ પછી મૂર્છિત અવસ્થામાં અંડાણુ લેવામાં આવે છે અને તેમને બરફમાં રખાય છે જેને ભવિષ્યમાં IVF (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) સારવારમાં ઉપયોગ માટે ડીફ્રોસ્ટ કરી શકાય છે. આ ઈન્ડસ્ટ્રી ભારે તેજીમાં ચાલે છે. યુકેમાં 2021માં 4200થી વધુ સ્ત્રીએ પોતાના અંડાણુ ફ્રીઝ કરાવ્યાં હતાં. જેમની સંખ્યા 2019માં 2500 અને 2011માં માત્ર 400ની હતી. રસપ્રદ બાબત એ છે કે બહુમતી સ્ત્રીઓ પોતાના ઈંડાને ફરી ઉપયોગમાં લેવા માટે ડીફ્રોસ્ટ કરાવવાં આવી જ ન હતી. જે સ્ત્રીઓએ ઈંડાને ડીફ્રોસ્ટ કરાવ્યાં હતાં તેમાં પણ પાંચ ટ્રીટમેન્ટ સાઈકલમાંથી માત્ર એકમાં જ પરિણામ બાળજન્મમાં આવ્યું હતું. માતા બનવાની બારી ખુલ્લી રાખવા યુવાન સ્ત્રીઓ હજારો પાઉન્ડ ખર્ચે છે, અંડાશયને ઉત્તેજિત કરવા દરરોજ હોર્મોન્સના ઈન્જેક્શન્સ લે છે પરંતુ, આ અસહ્ય પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ માત્ર બે જ અંડાણુ જ મેળવી શકાય તેમ પણ બને છે. આનો અર્થ એ છે કે આ પદ્ધતિ મારફત બાળક પ્રાપ્ત કરવાની તક ઘણી ઓછી રહે છે. બાળક મેળવવાની તક સારી રહે તે માટે તમારે આશરે 10 અંડાણુ ફ્રીઝ કરાવવા પડે.
ગયા વર્ષે એક સર્વે ચિંતાજનક હતો જેમાં જણાયું હતું કે જનરેશન Z (16થી 24 વર્ષની વય) ના લગભગ અડધાને પોતાની ફળદ્રૂપતાનાં ભાવિ વિશે ચિંતા હતી. યુકેના કેટલાક ફર્ટિલિટી ક્લિનિક્સ એગ ફ્રીઝિંગથી બાળક મેળવવાની તક વધી જાય છે તેવી ગેરમાર્ગે દોરતી માહિતી આપીને આવી જ ચિંતાનો લાભ લેતા હતાં.