કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 24th April 2024 08:18 EDT
 
 

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી તેજ પાથર્યું છે, સૂર્યની જેમ પ્રકાશી છે અને ચંદ્રની જેમ ચમકી છે.... આ દીપા કર્મકાર કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પણ એ જ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. દીપાની સિદ્ધિને પગલે ભારત સરકારે એને ૨૦૧૫માં અર્જુન પુરસ્કારથી, ૨૦૧૬માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી અને ૨૦૧૭માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરી છે. વર્ષ ૨૦૧૮માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી દીપાને પ્રથમ મહિલા પુરસ્કાર એનાયત કરાયો છે !
ઓલિમ્પિક્સમાં ત્રણ પ્રકારના જિમ્નેસ્ટિક્સ દર્શાવવામાં આવ્યા છે: લયબદ્ધ જિમ્નેસ્ટિક્સ, ટ્રેમ્પોલીન અને કલાત્મક જિમ્નેસ્ટિક્સ.. રિધમિક જિમ્નેસ્ટિક્સ બીજા ક્રમનું સૌથી જાણીતું છે. જિમ્નેસ્ટ્સ બધા એક જ ફ્લોર સાદડી પર સ્પર્ધા કરે છે. ટ્રેમ્પોલીન જિમ્નેસ્ટિક્સમાં જિમ્નેસ્ટના દરેક બાઉન્સ પર ઉચ્ચ ઉડતી ફ્લિપ અને ટ્વિસ્ટ કરે છે. મહિલા કલાત્મક જિમ્નેસ્ટિક્સમાં જિમ્નેસ્ટ ચાર ઉપકરણો- વોલ્ટ, અસમાન બાર, સંતુલન બીમ અને ફ્લોર કસરત પર સ્પર્ધા કરે છે. કલાત્મક જિમ્નેસ્ટિક્સમાં સ્ત્રીઓ દ્વારા ફ્લોર કસરતો કરવામાં આવે છે.... દીપા કર્મકાર કલાત્મક જિમ્નેસ્ટિક્સની જિમ્નેસ્ટ છે !
આ દીપા કર્મકારનો જન્મ ૯ ઓગસ્ટ ૧૯૯૩ના ત્રિપુરાના અગરતલામાં થયેલો. માતા ગીતા ગૃહિણી છે. પિતા દુલાલ કર્મકાર વેઈટ લિફ્ટિંગના ભારતના સૌથી સારા પ્રશિક્ષકોમાંના એક. દીપાનું શિક્ષણ અગરતલામાં જ થયું. દીપાને બાળપણથી જ જિમ્નેસ્ટિક્સમાં રસ પડતો. દુલાલે દીપાની ક્ષમતા અને જિમનેસ્ટિક પ્રત્યેના લગાવને પારખી લીધેલો. એમણે દીપા છ વર્ષની થઈ ત્યારથી તાલીમ આપવાનું શરૂ કરી દીધેલું
દીપાએ નાની ઉંમરે જિમનેસ્ટિકસનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું, ત્યારે એણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડેલો. દીપાનાં પગનાં તળિયાં એકદમ સપાટ હતાં. સપાટ તળિયાંને કારણે દીપાના કૂદકાના અને દોડવાના પ્રદર્શનમાં ખાસ્સી અસર થતી. પરંતુ દીપાએ પોતાની શારીરિક નબળાઈને જ તાકાત બનાવવાનો સંકલ્પ કર્યોઆકરા પ્રશિક્ષણ અને કઠોર પરિશ્રમને પગલે દીપા પોતાના પગને જિમ્નેસ્ટિક્સ માટે જરૂરી કમાનો પગમાં વિકસિત કરવામાં સક્ષમ થઈ. ત્યાર બાદ પિતા દુલાલે દીપાને વિવેકાનંદ જિમ્નેશિયમમાં પ્રવેશ અપાવ્યો.
દીપાએ પરિશ્રમ અને પ્રશિક્ષણનું પગલું ભર્યું. પરિણામ એ આવ્યું કે ૨૦૦૭ સુધીમાં દીપાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ૬૭ સુવર્ણ ચંદ્રક સહિત ૭૭ ચંદ્રક મેળવી લીધેલા. ૨૦૧૪માં, કોમનવેલ્થ ગેમ્સમાં દીપા મહિલા વોલ્ટ ફાઈનલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા બનીને, જિમનેસ્ટિકસમાં ચંદ્રક જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની. ૨૦૧૪માં જ એશિયન ગેમ્સમાં દીપા ફાઈનલમાં પહોંચેલી. ૨૦૧૫માં જાપાનના હિરોશિમામાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં દીપાએ મહિલા વોલ્ટમાં કાંસ્ય ચંદ્રક જીતેલો. ઓક્ટોબર ૨૦૧૫માં વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થયેલી. ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં દીપા સામેલ થઈ. ઓલિમ્પિકના બાવન વર્ષના ઇતિહાસમાં જિમનેસ્ટિકસ માટે ક્વોલિફાય થનારી એ પહેલી ભારતીય ખેલાડી હતી. દીપાનું પ્રદર્શન શાનદાર રહ્યું, પણ કાંસ્ય માટે સહેજમાં ચૂકી ગયેલી. ચોથા ક્રમાંકે રહી.
દીપા ઓલિમ્પિકમાં ચંદ્રકવિજેતા ન બની, પણ ચોથા ક્રમાંકે રહીને એણે ઉત્કૃષ્ટ પ્રદર્શન તો કર્યું જ હતું. પણ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ એની કારકિર્દીને ગ્રહણ લાગ્યું. આંતરરાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સી-આઈટીએ દ્વારા ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કરાયેલા ડોપ ટેસ્ટમાં દીપા પ્રતિબંધિત હિજેનામાઈનનું સેવન કરવા બદલ દોષિત પુરવાર થયેલી. પરિણામે દીપાના રમવા પર એકવીસ મહિનાનો, ૧૦ જુલાઈ ૨૦૨૩ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એ પછી બમણા જોશથી ખેલના મેદાનમાં ઊતરેલી દીપાનો આદર્શ રોમાનિયાની જિમ્નેસ્ટ નાદિયા કોમાનસી છે. જિમ્નેસ્ટિકસમાં પાંચ સુવર્ણ ચંદ્રક મેળવનાર નાદિયાને ઓલિમ્પિક બોર્ડે એના શાનદાર પ્રદર્શનને પગલે ‘પરફેક્ટ ટેન’ માર્ક્સ આપેલા. દીપાનું પણ એ જ સ્વપ્ન છે, પરફેક્ટ ટેન મેળવવાનું...!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter