વોશિંગ્ટન: આજકાલ લોકો લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે જાતભાતની કોસ્મેટિક સર્જરી અને ઈન્જેક્શનનો સહારો લેતા જોવા મળે છે. આમાં ચહેરા પર ઈન્જેક્શન દ્વારા ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે ‘વેમ્પાયર ફેશિયલ’ પણ ટ્રેન્ડમાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેત્રીઓથી માંડીને વિવિધ સેલિબ્રિટીસ ચહેરાને વધુ સુંદર બનાવવા આ પદ્ધતિ પસંદ કરે છે. ફેશિયલની આ પદ્ધતિ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે અનુસાર વેમ્પાયર ફેશિયલને કારણે ત્રણ મહિલાઓ એચઆઈવીથી સંક્રમિત થઈ છે.
અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ એન્ડ કંટ્રોલ (સીડીસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે યુએસ સ્ટેટ ન્યૂ મેક્સિકોમાં એક સ્પામાં વેમ્પાયર ફેશિયલને કારણે મહિલાઓને વાઈરસથી ચેપ લાગ્યો હતો. કોસ્મેટિક ઈન્જેક્શન દ્વારા એચઆઈવી સંક્રમણનો આ પ્રથમ જાણીતો કેસ છે.
વેમ્પાયર ફેશિયલ શું છે?
ચહેરાની ત્વચાને ફરીથી આકર્ષક બનાવવા માટે વેમ્પાયર ફેશિયલ કરાય છે. તેમાં એક નાની સોય દ્વારા ત્વચામાં પ્લેટલેટ પ્લાઝ્મા એટલે કે બ્લડ ઈન્જેક્ટ કરવામાં આવે છે. વેમ્પાયર ફેશિયલ મોટાભાગે અભિનેત્રીઓ અને મોડલ્સ દ્વારા કરવામાં આવે છે.