નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં ઇતિહાસ રચી દીધો છે. ઝુલન ગોસ્વામી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. સિરીઝની બીજી વન-ડેમાં નો-બોલના કારણે આકરી ટીકાનો સામનો કરનારી ઝુલને ત્રીજી મેચમાં મોટા રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.
ઝુલને ઓસ્ટ્રેલિયાની ઇનિંગની નવમી ઓવરમાં એકસાથે બે વિકેટ ઝડપી હતી અને સામે એક પણ રન આપ્યો ન હતો. આ ઓવરના પહેલા બોલે ઝુલને ઓપનર રાશેલ હેન્સનો કેચ શેફાલી વર્માના હાથમાં ઝડપાવી દીધો હતો. હેન્સ ૨૮ બોલમાં ૧૩ રન બનાવીને આઉટ થઇ હતી. તે પછી પાંચમા બોલે ઝુલને મેગ લેનિંગનો રિચા ઘોષના હાથમાં કેચ પકડાવી દીધો હતો. લેનિંગ ખાતું પણ ખોલાવી શકી નહોતી. ૩૮ વર્ષની ઝુલને હેન્સને પોતાનો ૬૦૦મો શિકાર બનાવી હતી. લેનિંગના રૂપમાં ઝુલને ૬૦૧મો શિકાર લીધો હતો.
ઝુલનની ૬૦૦ વિકેટ
આ મેચ પહેલાં ઝુલનના નામે ૧૯૧ વન-ડેમાં ૨૩૭ વિકેટ નોંધાયેલી હતી. તેણે ૧૧ ટેસ્ટમાં ૪૧ વિકેટ ઝડપી છે જ્યારે ૬૮ ટી૨૦ મેચમાં ૫૬ વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ઝુલને ઘરઆંગણાના ક્રિકેટમાં ૨૬૪ વિકેટ નોંધાવી છે. આમ આ મેચ પહેલાં તેના નામે કુલ ૫૯૮ વિકેટ હતી અને આ વન-ડેમાં ત્રણ વિકેટ સાથે
આંકડો ૬૦૧ વિકેટ પર પહોંચાડયો હતો.