ઢાકાઃ બાંગ્લાદેશની શગુફ્તા તબસ્સુમ અહમદ વકીલ છે. તેણે 16 વર્ષની કાનૂની લડત બાદ પિતાના હત્યારાઓને સજા અપાવી છે. શગુફ્તા ક્યારેય વકીલાત કરવા માંગતી ન હતી, પરંતુ પિતાના માર્ગદર્શન પછી વકીલાતનો અભ્યાસ કર્યો. શગુફ્તા કહે છે કે પિતા ડો. તાહિર અહમદ બાંગ્લાદેશની રાજશાહી જિલ્લાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
પરિવાર યુનિવર્સિટી તરફથી ફાળવાયેલા ક્વાર્ટર્સમાં રહેતો. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું પિતાના કહેવાથી વકીલાતના અભ્યાસ માટે ઢાકા સ્થાયી થઇ. ભાઇ સંજીદ મલ્ટિનેશનલ કંપનીમાં HRની નોકરી કરવા ગયો હતો. હત્યાના એક સપ્તાહ પહેલાં પાપા ઢાકા આવ્યા અને પરિવારને મળીને પરત ફર્યા. આ બેઠક તેમના સહયોગી ડો. મિયા મોહમ્મદ મોહિઉદ્દીન સાથે હતી. મોહિઉદ્દીન પહેલાં પિતાના નિકટવર્તી હતા, પરંતુ સંબંધોમાં કડવાશ ત્યારે આવી જ્યારે પિતાએ મોહિઉદ્દીનને સાહિત્યની ચોરી કરતા પકડ્યા. વાત 2006ની છે. 2 ફેબ્રુઆરીએ મેં પિતા સાથે વાત કરવાનો પ્રયાસ ગયો પરંતુ વાત ના થઇ શકી.
ત્રીજી ફેબ્રુઆરીએ સમાચાર મળ્યા કે પિતાનો મૃતદેહ યુનિવર્સિટીના બગીચામાં રહેલી સેપ્ટિક ટેન્કમાંથી મળ્યો હતો. કેસની તપાસમાં જાણવા મળ્યું કે, ડો. મોહિઉદ્દીને જ 3 લોકોની સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. 2008માં નીચલી અદાલતે 4 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને મોતની સજા સંભળાવી હતી. જોકે હાઇકોર્ટે 2011માં મોહિઉદ્દીનને છોડી દીધો હતો. ત્યારબાદ મેં હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છેક સુધી લડીને સજા અપાવી.
પરિવારજનોની હત્યાના કેસ લડી રહેલા વકીલોને મદદ કરે છે
શગુફ્તાના પિતાના હત્યારા મોહિઉદ્દીન વગદાર પરિવારમાંથી આવતા હતા અને તેઓના સાળા બાંગ્લાદેશમાં એક પ્રભાવશાળી નેતા હતા. આ જ કારણોસર તેને સજા અપાવવી ખૂબ જ કઠિન હતું. ગત 5 એપ્રિલ, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે મોહિઉદ્દીનની મૃત્યુદંડની સજાને યથાવત્ રાખી હતી. પિતાના હત્યારાઓને સજા અપાવ્યા બાદથી શગુફ્તાએ નિર્ણય કર્યો છે કે તેઓ એ વકીલનો મદદ કરશે જે પરિવારજનોની હત્યાનો કેસ લડી રહ્યા છે.