વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક ડો. આરતી પ્રભાકરને ટોચના અધિકારીઓની ટીમમાં સ્થાન આપ્યું છે. બાઇડેને તેમને ઓફિસ ઓફ ધ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. બાઇડેનની દરખાસ્તને જો સેનેટ દ્વારા મંજૂરી અપાશે તો ડો. આરતી પ્રભાકર OSTPના ડિરેક્ટરનું સ્થાન સંભાળનાર પ્રથમ મહિલા બનશે.
અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે ‘ડો. પ્રભાકર એક વિદ્વાન અને સન્માનીય એન્જિનિયર તથા ભૌતિકશાસ્ત્રી છે. તેઓ વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવિનીકરણનો લાભ લઈને આ ક્ષેત્રોમાં અમારી શક્યતાઓને વિસ્તારવા, અમારા મુશ્કેલ પડકારોને ઉકેલવા અને અશક્યને શક્ય બનાવવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ ઘડતા કાર્યાલયનું નેતૃત્વ કરશે.’
બાઇડેને કહ્યું હતું, ‘હું ડો. પ્રભાકરના એ વિશ્વાસ સાથે સંમત છું કે અમેરિકા પાસે વિશ્વમાં અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ઇનોવેશન મશીનરી છે. સેનેટ તેમના નામાંકન પર વિચાર કરશે.’