લૈંગિક સમાનતાના મામલે વીતેલા વર્ષમાં ઊલટફેર જોવા મળ્યો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંથી એકમાં ગર્ભપાત કાનૂન પર પ્રતિબંધ લગાવાયો હતો. જ્યારે માનવાધિકારની લડાઈ લડતા લોકોને લૈંગિક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે મહિલાઓએ પોતાના હકથી જોડાયેલા કાનૂનો માટે લડત યથાવત્ રાખી હતી. વૈશ્વિક સ્તર પર અનેક આંદોલનો થયાં. પરિણામે અનેક દેશોમાં મહિલાઓના અધિકારોની તરફેણમાં અનેક નિર્ણયો લેવાયા.
આ જ દિશામાં ફેબ્રુઆરી 2022માં કોલંબિયાની કોર્ટે પ્રેગ્નન્સીનાં 24 સપ્તાહની અંદર ગર્ભપાત કરાવવાને કાયદાકીય જાહેર કર્યું હતું. અહીં પહેલાં માત્ર ગર્ભવતીને જીવનો ખતરો હોય ત્યારે જ ગર્ભપાતને મંજૂરી હતી. આ જ રીતે મે 2022માં સ્પેનમાં યૌનશોષણ, દુષ્કર્મને રોકવા તેમજ તેની વિરુદ્ધ કાર્યવાહીને વધુ સરળ બનાવવા માટે એક બિલ પસાર કરાયું હતું. આ બિલ અંતર્ગત જો કોઇ મહિલાએ જાતીય સંબંધ માટે સ્પષ્ટપણે સહમિત નથી આપી, તો તે દુષ્કર્મ જ ગણાશે. આ બિલને ‘ઓન્લી યસ મીન્સ યસ’ કહેવાય છે.
આ ઉપરાંત સ્પેન સરકારે પીરિયડમાં ક્રેમ્પસ સામે ઝઝૂમી રહેલી મહિલાઓને પેઇડ લીવ આપવાના બિલને લીલી ઝંડી આપી હતી. જૂનમાં યુક્રેનમાં ઇસ્તંબુલ કન્વેન્શનને માન્યતા અપાઇ હતી. આ નિર્ણયને યુક્રેનમાં મહિલાઓના અધિકાર માટેની એક ઐતિહાસિક જીત તરીકે માનવામાં આવે છે. આ સાથે જ તે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુરોપમાં દેશના એકીકરણ માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.
ગત 16 સપ્ટેમ્બરે મહસા અમીની નામની એક મહિલાનું મોત પોલીસ કસ્ટડીમાં થયા બાદ સપ્ટેમ્બર 2022થી ઇરાનમાં એક રાષ્ટ્રીય આંદોલન ચાલી રહ્યું છે. દેશભરની મહિલાઓ સરકારના ઇસ્લામિક કાનૂન લાગુ કરવાના વિરોધમાં આંદોલન કરીને મહિલાઓની આઝાદીની માંગણી કરી રહી છે.
અનેક દેશોમાં મહિલાઓ રાજકારણમાં પ્રમુખ ચહેરો બની
સપ્ટેમ્બરમાં ભારતની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો. 2022માં અનેક દેશોમાં પહેલી વાર કોઇ મહિલા રાજકારણમાં પ્રમુખ ચહેરો બનીને સામે આવી. હોંડુરાસમાં પહેલી વાર મહિલા રાષ્ટ્રપતિ બની. શિયોમારા કાસ્ત્રોએ પદભાર સંભાળ્યો. હંગેરીમાં કટાલિન નોવાક દેશની પહેલી મહિલા તેમજ યુદ્ધ દરમિયાન યુરોપમાં દેશના એકીકરણ માટે અત્યાર સુધીની સૌથી ઓછી ઉંમરની રાષ્ટ્રપતિ બની.