મોટરસાયકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ : પલ્લવી ફોજદાર

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 01st May 2024 09:27 EDT
 
 

પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ કહેવાય... ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય. જેમ ઊંચાઈ વધે એમ જોખમ વધે. પર્વત જો હિમાલય હોય તો સૌથી જોખમી ઘાટ જોવા મળે. એક ભૂલ અને જીવન પર મૃત્યુનું પૂર્ણવિરામ મૂકાઈ જાય.
પરાક્રમી પલ્લવી ફોજદાર આ પ્રકારના અનેક જોખમી પર્વતીય રસ્તાઓ પસાર કરીને હિમાલયના સૌથી ઊંચા ઘાટ પર બાઈકસવારી કરીને પહોંચી છે. જાન હથેળી પર લઈને મોટરસાયકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ ભારતીય મહિલા છે પલ્લવી ફોજદાર...
સાહસિક પલ્લવી સાથે કેટલાંયે ‘પ્રથમ’ જોડાયેલાં છે. એની સિદ્ધિઓ પર એક નજર : ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ લદ્દાખ ખાતે પાંચ હજાર મીટરથી ઉપરની ઊંચાઈએ આઠ પર્વતીય માર્ગ-ઘાટ પર મોટરસાયકલથી સવારી, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના ઉત્તરાખંડ ખાતે ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ ફૂટ પર આવેલા સૌથી ઊંચા મીઠા પાણીનાં ઝરણાં, દેવતાલ ઝીલની સવારી કરનાર પહેલી મોટરસાયકલ સવાર, ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ ફૂટની ઊંચાઈ પર સ્થિત માના ઘાટ સુધી યાત્રા કરનારી પ્રથમ મહિલા બાઈકર, ૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૫૮૦૩ મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા દુનિયાના નવા ખુલેલા સૌથી ઊંચા મોટર યોગ્ય પર્વતીય માર્ગ ઉમલિંગ લા ઘાટની સવારી કરનાર પ્રથમ મોટરસાયકલ સવાર...અસીમ સાહસને પગલે પલ્લવીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ચાર વાર નોંધાયું છે. સરકારે પણ પલ્લવીની સિદ્ધિની નોંધ લઈને એને બિરદાવી છે. ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉત્કૃષ્ટ વૈશ્વિક મહિલા સન્માન, ૮ માર્ચ ૨૦૧૭ના રોજ ભારત સરકાર દ્વારા નારી શક્તિ પુરસ્કાર અને ૨૬ માર્ચ ૨૦૧૮ના રોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ વીરતા પુરસ્કારથી એને નવાજવામાં આવી છે.
આ પલ્લવી ફોજદારનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રામાં ૨૦ ડિસેમ્બર ૧૯૭૯ના થયેલો. પિતા અશોક ફોજદાર સેવાનિવૃત્ત ઈલેક્ટ્રિકલ એન્જિનિયર. એમની પાસે મોટરસાયકલ હતી. પલ્લવી પિતાને મોટરસાયકલ ચલાવતાં જોતી. ૧૪ વર્ષની ઉંમરે મોટરસાયકલ ચલાવવામાં રસ પડ્યો.. પિતા અશોકે ત્યારે એના શોખને પ્રોત્સાહન આપ્યું.
પિયરમાં પિતાએ પ્રોત્સાહિત કરી અને સાસરિયે પતિએ પીઠબળ પૂરું પાડ્યું. લખનઉના આર્મી ઓફિસર પરીક્ષિત સાથે પલ્લવીનાં લગ્ન થયેલાં. પરીક્ષિતે પલ્લવીને પલ્લવિત થવાની મોકળાશ આપી. પલ્લવી પરીક્ષિતની બુલેટ ચલાવતી થઈ. પારંગતતા પ્રાપ્ત કર્યા પછી પહાડો પર પણ બાઈક ચલાવતી થઈ. ૨૦૧૫માં પલ્લવીએ બે વિશ્વ વિક્રમ સર્જ્યા. પહેલી સોલો રાઈડ લેહ લદ્દાખની હતી. ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ પલ્લવી સોળ પર્વતીય રસ્તા કે ઘાટમાંથી પસાર થયેલી, જેમાં આઠ ઘાટ પાંચ હજાર મીટરથી ઊંચા હતા. ત્યાર બાદ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના પલ્લવી ઉત્તરાખંડમાં ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ ફૂટની ઊંચાઈએ આવેલા દેવતાલ સુધી બાઈક પર પહોંચીને વિક્રમ સર્જ્યો. બન્ને વિક્રમ બદલ પલ્લવીએ લિમ્કા બુકમાં નામ અંકિત કર્યું
પલ્લવી મોટરસાયકલની મહારથી બની ગઈ, પણ મિત્રોએ મોટરમાર્ગે જઈ શકાય એવા વિશ્વના સૌથી ઊંચાઈએ આવેલા ઘાટ પર બાઇકથી પહોંચવાની શરત લગાવી. પલ્લવીએ પડકાર ઝીલી લીધો. પરિણામે ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ ફૂટની ઊંચાઈ પર સ્થિત એ સમયના સૌથી ઊંચા માના ઘાટ સુધી યાત્રા કરનારી પ્રથમ મહિલા મોટરસાયકલ સવાર બની. ૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પલ્લવી દુનિયાના નવા ખુલેલા સૌથી ઊંચા ૫૮૦૩ મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા મોટરયોગ્ય પર્વતીય માર્ગ ઉમલિંગ લા ઘાટની સવારી કરનાર પ્રથમ મોટરસાયકલ સવાર બની. ૨૬ જુલાઈ ૨૦૧૭ના પલ્લવીએ પોતાની પ્યારી બોનવિલા બાઇક પર સફર શરૂ કરેલી. પંદર દિવસમાં પ૧૧૪ મીટર ઊંચા થિટ જારબો લા, ૫૦૦૮ મીટર ઊંચા બોનિ લા, ૫૨૧૫ મીટર ઊંચા સાલસાલ લા અને ૫૫૨૬ મીટર ઊંચા ફોટો લા ઘાટથી પસાર થઈ.
પલ્લવી કહે છે કે, ‘આપણે કાયમ ખુશ રહેવા માંગીએ છીએ અને એ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. હું કહું છું કે જે હાંસલ કરો એમાં ખુશ રહો અથવા જે એ હાંસલ કરો જેમાં તમને ખુશી મળે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter