‘ટાઈમ’ મેગેઝિને આ વર્ષે દુનિયાની 12 મહિલાઓની ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી કરી છે. ‘વિમેન પર્સન ઓફ ધ યર 2024’ની આ યાદીમાં ભારતવંશી લીના નાયરનો પણ સમાવેશ થાય છે. ‘ટાઇમ’ દ્વારા દર વર્ષે એવી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવે છે જેમના પ્રયાસો અને સિદ્ધિઓના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું છે. લેખક, રાજનેતા, સિનેમા, સંગીત અથવા તો સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આ યાદી માટે પસંદ કરવામાં આવે છે.
• ગ્રેટા ગેરવિગ: ફેન્ટેસી ફિલ્મ ‘બાર્બી’નાં નિર્દેશક ગ્રેટા ગેરવિગની ‘ટાઈમ’ મેગેઝિને વિમેન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે. 40 વર્ષીય ગ્રેટા દુનિયાનાં એકમાત્ર એવાં મહિલા નિર્દેશક તરીકે છે જેમની પ્રથમ ત્રણ ફિલ્મો ઓસ્કર માટે નોમિનેટ થઇ ચૂકી છે
• કોકો ગૌફ: 20 વર્ષની ટેનિસ ખેલાડી કોકો ગૌફ વર્ષ 2023માં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. ગૌફે સાત વખત ડબ્લ્યુટીએ ટુર સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યાં છે.
• તારાજી પેંદા હેન્સન: અમેરિકાની આ અભિનેત્રી તારાજી હોલિવૂડમાં મહિલા-પુરુષ અને શ્વેત-અશ્વેતના સમાન વેતન માટે સંઘર્ષ કરી રહી છે. 53 વર્ષની અભિનેત્રીને એક ગોલ્ડન ગ્લોબ અને એક એકેડમી એવોર્ડ મળી ચૂક્યા છે.
• લીના નાયર: લક્ઝરી બ્રાન્ડ શનેલના સીઇઓ બન્યા બાદ ભારતવંશી લીના નાયર દુનિયાભરમાં જાણીતો ચહેરો બન્યાં છે. તેમણે કંપનીમાં મહિલા મેનેજર્સની સંખ્યા 38 ટકાથી વધારીને 50 ટકા કરી દીધી છે. આજે કંપનીમાં 60 ટકા મેનેજર મહિલાઓ છે.
• ક્લાઉડિયા ગોલ્ડીન: અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર ક્લાઉડિયા ગોલ્ડીનનું કહેવું છે કે વર્કફોર્સમાં મહિલાઓની હિસ્સેદારી વધવાથી નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્કફોર્સમાં મહિલાઓની સામેલગીરીએ તેમની લાઈફ બદલવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે.
• માર્લેના સ્કોનબર્ગઃ અમેરિકન તબીબી વિજ્ઞાની માર્લેના સ્કોનબર્ગે શોધ કરી છે કે મોર્નિંગ સીકનેસનું કારણ જીન્સ છે. હવે ડોક્ટર આ તારણના આધારે ગર્ભવતી મહિલાઓમાં જોવા મળતી આવી સમસ્યાઓની સારવાર કરી રહ્યા છે.