નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલ તથા કિદામ્બી શ્રીકાંત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સાઈના માટે તેની કારકિર્દીના આ છેલ્લી ઓલિમ્પિક સાબિત થઈ શકે તેમ હતી, પરંતુ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને સ્પષ્ટતા કરી દીધી છે કે હવે કોઈ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને વર્તમાન રેન્કિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વિશ્વના ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત મેન્સ ખેલાડી શ્રીકાંત અને લંડન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઈના નેહવાલ કોરોનાના કારણે સિંગાપોર ઓપન ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ રદ થવાની સાથે જ ઓલિમ્પિક રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી ત્યારે ફેડરેશને જાહેરાત કરી હતી કે ટોક્યો ઓલિમ્પિક માટે ચોક્કસ નિયમ ઘડશે અને આ સમયે ભારતના બંને ખેલાડીઓ માટે આશા બંધાઈ હતી. બેડમિન્ટન ફેડરેશને જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક માટેના ક્વોલિફાઇંગ સમયની અંદર હવે કોઈ ટૂર્નામેન્ટ રમાવાની નથી. સત્તાવાર રીતે આ ડેડલાઈન ૧૫મી જૂને પૂરી થતી હોવાના કારણે રેસ-ટુ-ટોક્યો ઓલિમ્પિકની રેન્કિંગમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ત્રણ મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રદ થયા બાદ ક્વોલિફિકેશનની ડેડલાઈન વધારવામાં આવી હતી.