લાસ વેગાસઃ જમ્મુ-કાશ્મીરની યુવતી સરગમ કૌશલે પ્રતિષ્ઠિત મિસિસ વર્લ્ડ-2022 બ્યૂટિ કોન્ટેસ્ટ જીતી છે. સરગમે 63 દેશોની સુંદરીઓને પાછળ મૂકીને આ ટાઇટલ જીત્યું છે. અગાઉ 2001માં અદિતિ ગોવિત્રીકરે આ તાજ મેળવ્યો હતો. આમ 21 વર્ષ બાદ ભારતે આ ટાઇટલ ફરી મેળવ્યું છે. મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી સરગમ માત્ર બીજી ભારતીય યુવતી છે. સરગમે આ સફળતાનું શ્રેય તેના પિતા અને પતિને આપ્યું છે. મિસિસ વર્લ્ડના ખિતાબ માટેની જ્યુરી પેનલમાં સોહા અલી ખાન, વિવેક ઓબેરોય અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન પણ સામેલ હતા.
મિસિસ વર્લ્ડ-2022ની સ્પર્ધાનો ઇવેન્ટ અમેરિકાના લાસ વેગાસમાં યોજાયો હતો. એમાં 63 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીરની સરગમ કૌશલનો પણ એમાં સમાવેશ થતો હતો. સરગમ કૌશલે બાદમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને લખ્યું હતુંઃ દેશનો લાંબો ઈંતઝાર ખતમ થયો. 21 વર્ષ બાદ ભારતમાં આ તાજ પાછો આવ્યો છે. સરગમે એક વીડિયો મેસેજ પણ શેર કર્યો હતો. જેમાં તેણે તાજ જીતવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની છે અને તેના પતિ ભારતીય નૌસેનામાં કાર્યરત છે. સરગમ છેલ્લાં ઘણાં સમયથી મુંબઈમાં રહે છે અને મોડેલ તરીકે કાર્યરત છે. તે અગાઉ ટીચર હતી. 2018માં તેના લગ્ન થયા હતા.
મિસિસ વર્લ્ડ એ પરિણીત મહિલાઓ માટે યોજાતી બ્યૂટી સ્પર્ધા છે. અભિનેત્રી ડો. અદિતિ ગોવિત્રીકરે 21 વર્ષ પૂર્વે 2001માં આ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચ્યો હતો. મિસિસ વર્લ્ડની સ્પર્ધા જીતનારી અદિતિ ગોવિત્રીકર પ્રથમ ભારતીય મહિલા હતી.
અદિતિ એક્ટ્રેસ પણ છે. તે ‘પહેલી’, ‘ભેજાફ્રાય-ટુ’. ‘દે ધનાધન’, ‘સ્માઇલ પ્લીઝ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.