લંડનઃ કસરત કરવાથી યાદશક્તિ જળવાઈ રહેવા સાથે મગજ ૧૦ વર્ષ જેટલું યુવાન કે તરોતાજા બની જતું હોવાનું અભ્યાસમાં જણાયું છે. અમેરિકી સંશોધકોના અભ્યાસ અનુસાર ૬૫ કે વધુ વયના મધ્યમ અથવા સખત કસરત કરનારા લોકોની સરખામણીએ તે જ વયજૂથના થોડી અથવા સહેજ પણ કસરત નહિ કરતાં લોકોના મગજની આવરદા ૧૦ વર્ષ જેટલી ઘટે છે.
સંશોધકોએ ૮૭૬ લોકોને બે અઠવાડિયામાં તેઓ કેટલી વખત અને કેટલો સમય કસરત કરે છે તેવો પ્રશ્ર કર્યો હતો. પ્રાપ્ત માહિતીના વિશ્લેષણમાં જણાયું હતું કે ખૂબ સક્રિય રહેતા લોકોની સરખામણીએ ઓછી પ્રવૃત્તિ કરતાં લોકોની યાદશક્તિમાં વધુ ઘટાડો થયો હતો.