ઓબેસિટીથી છૂટકારો મેળવવા માટે લોકોને ઝટપટ વજન ઘટાડી નાખવું છે, કેમ કે મોટા ભાગના લોકો પાસે એક્સરસાઈઝ કરવાનો સમય નથી અને લાંબો સમય સુધી ડાયટ કંટ્રોલ કરવાનું તેમને ફાવતું નથી. જોકે ઝટપટ વજન ઉતારવા માગતા લોકો એ ભૂલી જાય છે કે એક્સરસાઈઝ અને ડાયટનું સંતુલન બનાવીને વૈજ્ઞાનિક ઢબે ધીમે ધીમે વજન ઉતારવામાં ન આવે તો એ ઝડપથી પાછું વધી પણ જાય છે. આજકાલ બે મહિનામાં દસ-બાર કિલો વજન કે પછી ઓછો પસીનો પાડીને વધુ વેઈટલોસ કરવાના જે નુસખાઓ પ્રચલિત છે તેમાં ક્રેશ ડાયેટનું ચલણ વધારે છે. જોકે એ જ કારણસર ક્રેશ ડાયેટિંગ આરોગ્યનો સૌથી મોટો દુશ્મન છે.
ઝટપટ વજન ઊતરે
લો-કેલરી ચીજો ખાવાથી તેમજ ભૂખ્યા રહેવાથી ઝડપથી વજન ઉતરે છે. એનું કારણ એ છે કે જ્યારે શરીરને ખોરાકમાંથી પૂરતી એનર્જી નથી મળતી ત્યારે તે મસલ્સને તોડીને એનર્જી મેળવે છે. મસલ્સ પ્રોટીનમાંથી બને છે. ફેટ કરતાં મસલ્સનું વજન વધારે હોય છે. શરીર એનર્જી મેળવવા માટે મસલ્સ ગુમાવે છે એટલે વજન ઝડપથી ઘટે છે. જોકે ફેટ બર્ન થતી જ નથી. આવો ક્રેશ ડાયેટ કરવાથી શરીરમાં ફેટનું પ્રમાણ નથી ઘટતું, પરંતુ મસલ્સ ઘટે છે અને એટલે શરીરની સ્ટ્રેન્ગ્થ ઘટે છે.
મસલ્સ ઘટે, ચરબી વધે
આ એવા પ્રકારના ડાયટ કંટ્રોલ હોય છે કે જે થોડાક સમય માટે ફોલો કરીને પછી રૂટીન ડાયટ પર ચડી જવાનું હોય છે. દસ દિવસના ક્રેશ ડાયેટ દરમિયાન તમે મસલ્સ ગુમાવીને વજન ઉતારો છો. હવે એ સમજવું જરૂરી છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં શરીર ચલાવવા માટે જરૂરી એનર્જી પેદા થાય છે. વધારાની કેલરી શરીરમાં ફેટરૂપે જમા થાય છે. મસલ્સ તરીકે નહીં, રૂટીન ખોરાકમાંથી શરીરમાં જે વધારાની કેલરી જાય છે એનાથી ફરી ફેટનું પ્રમાણ વધે છે. ડાયેટિંગ કરવાથી મસલ્સ તૂટ્યા અને વજન ઘટ્યું. નોર્મલ ડાયટથી ફરી શરીરમાં ફેટ જ વધી, મસલ્સ નહીં. આથી શરીરને ડબલ માર પડે છે. ક્રેશ ડાયેટથી કદાચ વજન ઘટે છે, પરંતુ શરીરમાં ઓવરઓલ ફેટ પર્સન્ટેજ વધે છે.
ઝટપટ ડાયેટિંગનું નુકસાન
હૃદય, ફેફસાં, લિવર, કિડની અને મગજ એમ શરીરના મુખ્ય પાંચ અવયવોની યોગ્ય કાર્યક્ષમતા માટે કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે. ક્રેશ ડાયેટમાં શરીરને પૂરતું કાર્બોહાઈડ્રેટ નથી મળતું, મસલ્સ તૂટીને જે એનર્જી મળે છે એ લાંબા ગાળે મળે છે કેમ કે પ્રોટીનમાંથી એનર્જીમાં રૂપાંતર થતાં વાર લાગે છે. આને કારણે એસિડીટી, ગેસ, ડિપ્રેશન, ઈરેટિબિલીટી, હાંફ ચડી જવી, યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન જેવી તકલીફો પેદા થાય છે.
મસલ્સ શરીરને સ્ટ્રેગ્થ આપવાનું કાર્ય કરે છે. વારંવારના આવા ક્રેશ ડાયટને કારણે શરીરમાં મસલ્સનું પ્રમાણ ઘટતું જાય છે અને ફેટનું પ્રમાણ વધ્યા કરે છે. મસલ્સ ઘટવાથી શક્તિ અને સ્ફૂર્તિ ઘટે છે અને ફેટને કારણે થાક, સુસ્તી વધે છે. શરીર પાતળું થાય છે, પરંતુ સુડોળ નથી બનતું. ફેટ લૂઝ હોવાથી જ્યાં જ્યાં ચરબીનો ભરાવો થયો હોય એ ભાગ લબડી પડે છે.
ક્રેશ ડાયટને કારણે શરીરને જરૂરી પોષક તત્વો પૂરાં નથી પડતાં. કેલ્શિયમ, વિટામીન બી૧૨ અને વિટામીન બી કોમ્પલેક્સની કમી સર્જાય છે. આને કારણે હાડકાં નબળાં પડે છે.
અવારનવાર ક્રેશ ડાયટ કરનારાઓમાં ગોલ બ્લેડર સ્ટોનની તકલીફો વધે છે. આને કારણે છેલ્લા કેટલાક સમયથી ગોલ બ્લેડર કઢાવી નાખવાની સર્જરીનું પ્રમાણ પણ વધી ગયું છે.
વિટામીન બી૧૨ અને આયર્નની કમીને કારણે માનસિક ક્ષમતાઓ અને એકાગ્રતા ઘટે છે. ઈરિટેશન અને મેમરી લોસ થાય છે. ન્યુટ્રિશનના અભાવે ત્વચા જાડી અને નિસ્તેજ થઈ જાય છે, વાળ ખરે છે, નખ બટકણા થઈ જાય છે.
ક્રેશ ડાયેટિંગ કોને કહેવાય?
એના નામ મુજબ સમજીએ તો કેલરી ઈન્ટેકમાં મોટો કડાકો બોલાવવાનો. તમે જો રોજ ૧૮૦૦ કેલરી પેટમાં પધરાવતા હો તો માત્ર ૧૦૦૦ કેલરી જ મળે એવી ચીજ લેવાની. એમાંય વળી કોઈ પણ એક જ ચીજ લેવાની. ફ્રૂટ ડાયટ, સૂપ ડાયટ, લો-કાર્બ ડાયટ કે એવું જ કોઈક એક ફૂડ ખાવાનું. ક્રેશ ડાયટમાં મોટા ભાગે આ માટે વન-ફ્રૂટ ડાયટ પસંદ કરવામાં આવતા હોય છે. આ પ્રકારના ડાયેટિંગમાં મોટા ભાગે એકાદ અઠવાડિયું કે પખવાડિયું સામાન્ય ખોરાક છોડીને સંપૂર્ણપણે જુસ, ફ્રૂટ, સૂપ જેવી એકાદ વાનગી જ ખાવાની હોય છે.