શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે. આ એન્ટિ-ઓક્સિડન્ટ્સ એટલે એવા કેમિકલ્સ કે જે શરીરની ઓક્સિજન સાથેની ક્રિયા અટકાવીને એને કટાઇ જતું અટકાવે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ પોતે કોઈ ખનિજતત્ત્વ, કેમિકલ કે વિટામિન નથી, પરંતુ કેટલાક તત્ત્વો, વિટામીન્સ અને કેમિકલ્સમાં રહેલી ક્ષમતા છે એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. શરીરના કોષો પૂરતું પોષણ મળે એ માટે ખાવા-પીવાની ચીજમાં એન્ટિઓક્સિડન્ટ્સ વધારે હોય તો એ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
શેમાંથી મળે?
વિટામિન એ, સી, ડી અને ઇમાંથી સેલિનિયમ જેવા મિનરલમાંથી બીટા-કેરોટીન, લાઇકોપેન, લુટેઇન જેવાં કેરોટનોઇડ્સમાંથી તેમજ ફળો અને શાકને વિવિધ રંગો આપતાં ફ્લેવોનોઇડ્સમાંથી મળે છે.
એન્ટિઓક્સિડન્ટ્સ શું છે?
જેમ લોખંડ એમને એમ પડ્યું રહે તો કાળક્રમે એના પર કાટ ચડી જાય છે અને એની ઉપરની સપાટી કરકરી થઈને ખરવા લાગે છે. આમ થવાનું કારણ છે લોખંડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એ જ રીતે જો શરીરના કોષોનું ઓક્સિડેશન થવા લાગે તો શરીરમાં મુક્ત પરમાણુ કોષો પેદા થવા લાગે. આ મુક્ત પરમાણુ કોષો શરીરના હેલ્ધી કોષો પર હુમલો કરીને ધીમે-ધીમે એને નુકસાન કરવા લાગે છે. વનસ્પતિજન્ય ચીજોમાં રહેલા એવા પરમાણુઓને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં અટકાવે છે અથવા તો પ્રક્રિયા ધીમી પાડે છે એને એન્ટિ-ઓક્સિડન્ટ્સ કહેવાય છે.
૧) બેરીઝઃ બ્લુબેરીઝ, રાસબેરી અને બ્લેકબેરીમાં ફાઇબર, મિનરલ્સ અને વિટામીન્સનું અદભુત મિશ્રણ હોય છે, જે કેન્સર અને હાર્ટ ડિસીઝ અટકાવે છે. આ બેરીઝથી એજિંગ પ્રોસેસ પણ ધીમી પડે છે.
૨. બ્રોકલીઃ કોબીજ, ફ્લાવર, બ્રોકલી અને બ્રુસેલ્સ સ્ર્પાઉટ્સ (નાની કોબીજ) જેવા વેજિટેબલમાં ઇન્ડોલ-થ્રી-કાર્બિનોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. જે હોર્મોન્સને કારણે થતાં બ્રેસ્ટ, ઓવરી અને ગર્ભાશયના મુખના કેન્સરનું રિસ્ક ઘટાડે છે.
૩) ટમેટાંઃ એમાં રહેલું લાયકોપેન નામનું રંજકદ્રવ્ય માત્ર કેન્સર નહી, મેક્યુલર ડીજનરેશન, મોતિયો અને માનસિક સ્વસ્થતા જાળવવામાં ખૂબ જ અસરકારક છે. એનાથી ફેફસાં અને આંતરડાંનું કેન્સર પ્રિવેન્ટ થાય છે. ટમેટાંમાં ગ્લુટેથાયોનિન નામનું એન્ટી ઓક્સિડન્ટ છે, જે ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરે છે.
૪) લાલ દ્રાક્ષઃ રિઝર્વેટ્રોલ અને કવેરસેટિન નામના કેમિકલ લાલ દ્રાક્ષમાં હોય છે, જે પ્રભાવશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સ છે. એનાથી હાર્ટ-હેલ્થ સુધરે છે. લોહીમાં પ્લેટલેટ કણોને કંટ્રોલમાં રાખે છે અને સાથે રક્તવાહિનીઓને ફ્લેક્સિબલ અને ઓપન રાખે છે. રિઝર્વેટ્રોલ આંતરડાંનાં અલ્સર્સ, કેન્સર અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.
૫) લસણઃ એને તીવ્ર ગંધ આપતું સલ્ફર કમ્પાઉન્ડ કન્સર, હાર્ટ ડિસીઝ અને એન્જિંગ પ્રોસેસને અટકાવે છે. એનાથી કોલેસ્ટરોલ લેવલ ઘટે છે અને બ્લડપ્રેશર કાબૂમાં રાખે છે. લસણથી બ્લડ ક્લોટિંગ થતું અટકે છે.
૬) પાલકઃ એમાં રહેલું લુટેઇન નામનું એન્ટિ ઓક્સિડન્ટ આંખના પડદાનું રક્ષણ કરે છે. વિઝન સેન્સિટિવિટી વધારે છે અને દૃષ્ટિ નબળી પડતી અટકાવે છે. સૂર્યના પ્રકાશથી રેટિનાને ડેમેજ થતું અટકાવવામાં લુટેઇનનો ફાળો મહત્ત્વનો હોય છે.
૭) ચાઃ નિકોટિન વિનાની ગ્રીન ટી અથવા તો બ્લેક ટીમાં રહેલા કેટેચિન નામના એન્ટિ-ઓક્સિડન્ટથી શરીરના કોઈ પણ અવયવમાં રહેલા ફ્રી પરમાણુ કોષોનું ઓક્સિડેશન અટકાવે છે.
૮) ગાજરઃ બીટ, શક્કરિયાં અને ગાજર જેવા પીળા-ઓરેન્જ કલરના વેજિટેબ્લસમાં બીટા-કેરોટીન જેવું કેરોટેનોઇટ ફેમિલીનું કેમિકલ હોય છે જે હાર્ટ ડિસીઝ, કેન્સર ઉપરાંત આર્થ્રાઇટિસના પ્રોગ્રેસન સામે ૭૦ ટકા જેટલું પ્રોટેક્શન આપે છે.
૯) સોયાબીનઃ એમાં રહેલું જેનિસ્ટેઇન કમ્પાઉન્ડ અને અનઆઇસોફ્લેવોન્સ પ્રકારના એન્ટિ-ઓક્સિડન્ટ્સથી શરીરમાં નેચરલ એસ્ટ્રોજન જેવી અસર ઊભી થાય છે. એનાથી કોલેસ્ટોરોલ લેવલ ઘટે છે, ઓસ્ટિયોપોરોસિસની અસર ઘટે છે અને મેનોપોઝને કારણે આવતા લક્ષણો કાબૂમાં આવે છે.
૧૦) આખા ધાન્યઃ ઘઉં અને જુવાર જેવાં ધાન્યોમાં વિટામિનિ ઈ અને સેલેનિયમ ખનિજ જેવાં અત્યંત પ્રભાવકારી એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે. એમાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે એ બોનસ બેનિફિટ છે.