ડાયાબિટીસ અંકુશમાં રાખશે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ
ડાયાબિટીસની બીમારીની જંજાળમાં રાહત મેળવવા માટે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) બનાવવામાં આવ્યું છે, જે આ દર્દથી પીડાતાં લોકોને સામાન્ય જીવન વીતાવવામાં બહુ ઉપયોગી સાબિત થશે. વૈજ્ઞાનિકોએ આઇફોનની સાઇઝનું પેન્ક્રિયાસ તૈયાર કર્યું છે, જે દર્દીનાં બ્લડશુગરનાં પ્રમાણને જાળવશે અને શરીરમાં આપમેળે ઇન્સ્યુલિનનું લેવલ જાળવશે. ક્રાંતિકારી પ્રોડક્ટ દર્દીનાં કપડાં સાથે પેટ પર બાંધી શકાય તેવી છે અને જેટલા પ્રમાણમાં ઇન્સ્યુલિનની જરૂર હશે તે પ્રમાણમાં તેને પૂરું પાડશે. ડિવાઇસનાં સેન્સર દર્દીનાં પેટ પર રાખવામાં આવશે જેઓ ઇન્સ્યુલિનની માત્રા વધે કે ઘટે તો તરત સંકેત આપશે. આ આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ બે વર્ષની અંદર બજારમાં મળતું થઇ જશે.
આ શોધ બાદ દાવો કરાયો છે કે, બ્રિટનમાં આશરે ૩.૫ લાખ ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે નવાં જીવન સમાન છે - ખાસ કરીને ટાઇપ-૧ ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે આ વરદાન સમાન છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ ડિવાઇસને સાથે રાખવાથી ઇન્સ્યુલિનની સમસ્યાથી છુટકારો મળી શકે છે. હાલમાં કેટલાક પેશન્ટને ગંભીર સમસ્યાથી બચવા માટે પાંચ-પાંચ વખત ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવાની ફરજ પડે છે. દરરોજ આવી પીડામાંથી પસાર થવાને કારણે તેમનાં ડાયેટ પર અસર પડે છે અને જો તેઓ સમય સાચવે નહીં તો તેમનાં શરીરમાં બ્લડશુગરની માત્રા ઘટી શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, દર્દીએ હાલ બ્લડશુગર ટેસ્ટ આપવા આંગળીનું લોહી આપવું પડે છે.
ડિવાઇસમાં કઈ-કઈ બાબત સામેલ
કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ બનાવ્યું છે તેમાં બે સતત કામ કરતાં ડિવાઇસ લાગેલાં છે. એક પંપ એવો હશે જે સતત શરીરને જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન પહોંચાડશે જ્યારે બીજો ગ્લકોઝનું નિયમિત રીતે સંચાલન કરે છે. આ સિસ્ટમને ક્લોઝ લૂપ સિસ્ટમ નામ અપાયું છે.
વરદાન સમાન ડિવાઇસ વિકસાવ્યા બાદ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ડિવાઇસ ટાઇપ-૨ ડાયાબિટીસથી પીડાતા લાખો દર્દીઓને રાહત આપવાનું કામ કરશે. વૈજ્ઞાનિકોએે એવું પણ સૂચવ્યું છે કે, ટાઇપ-૧ ધરાવતા દર્દીઓને પણ ફાયદો થશે. ટાઇપ-૨ ડાયાબિટીસ ધરાવતા મોટા ભાગના લોકો મેદસ્વી હોય છે. આશરે ૩૦ લાખથી વધુ લોકો ટાઇપ-૨ ડાયાબિટીસગ્રસ્ત હોય છે જેમને મેદસ્વિતાની સમસ્યા વળગેલી હોય છે અને આમાંથી ૧૪ ટકાએ નિયમિત ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવાં પડે છે. આ રિસર્ચ જનરલ ડાયાબિટોલોજિયામાં પ્રકાશિત કરાઈ છે.
આ ડિવાઇસની વિશેષતા એ છે કે ઊંચાં તથા નીચા શુગરના સ્તરને કંટ્રોલ કરી શકે છે. એકદમ ઊંચામાં ઊંચું શુગરનું પ્રમાણ અને નીચામાં નીચું શુગરનું પ્રમાણ હોય તો પણ આ ડિવાઇસ તેને કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે.
ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યા
દુનિયામાં મેદસ્વી લોકોની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે જોતાં ૨૦૨૫ સુધીમાં માત્ર બ્રિટનમાં જ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પાંચ મિલિયન થઇ જવાનો ભય વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે, દુનિયામાં આ સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે.