કોઇ પણ વ્યક્તિને આકર્ષક દેખાવ મેળવવો હોય તો દાંત સુંદર અને સફેદ હોવા જરૂરી છે. કોઇ પણ વ્યક્તિ માથાથી પગ સુધી અપ-ટુ-ડેટ હોય અને બત્રીસી બતાવે ત્યારે પીળો રંગ દેખાય તો સામે વાળાની આંખોની ચમક ગાયબ થઈ જાય તેવું બની શકે છે. આધુનિક યુગ છે એટલે બધી જ સમસ્યાઓનું સમાધાન મળી રહે છે. આ લેખમાં દાંતના વિવિધ રંગોથી લઈને તેની સાથે સંકળાયેલા વિવિધ પાસાં તેમજ તેને ચમકાવવાના વિવિધ ઉપાય રજૂ કર્યા છે.
ડીકલરેશન
ડીકલરેશન એટલે એકમાંથી બીજા રંગમાં પરિવર્તન થવું. જે રીતે તમે લાંબો સમય હાફ સ્લીવનાં જ કપડાં પહેરો અને પછી ઢંકાયેલી રહેતી તથા ખુલ્લી રહેતી ત્વચાના રંગમાં જે ફરક જોવા મળે કંઇક તેવી જ આ વાત છે. આ જ રીતે દાંત પહેલા સફેદ હોય અને પછી એનો રંગ બદલાતો રહે છે. ઉંમર વધવાની સાથે દાંતના રંગમાં ફેરફાર આવે તેને રોકી શકાતો નથી.
દાંતમાં બે પ્રકારના ડાઘ હોય છેઃ આંતરિક અને બાહ્ય. બાહ્ય ડાઘને દૂર કરી શકાય છે, પણ આંતરિક ડાઘને દૂર કરવા મુશ્કેલ છે. જાણીને નવાઈ લાગશે કે માત્ર આલ્કોહોલ જ દાંતના રંગને નથી બગાડતો, પરંતુ ચા અને કોફી પણ દાંતના રંગને બગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવા પીણાં સફેદ રંગની સાથે જોડાયેલાં તત્વોને અસર કરે છે અને બાહ્ય આવરણને બગાડે છે.
આ સિવાય તમાકુના સેવનથી પણ કથ્થાઈ ડાઘ પડી જાય છે. તમાકુમાં રહેલું ટાર અને નિકોટીન નામનું તત્વ દાંતને પીળા બનાવવામાં કોઈ કસર છોડતું નથી. ઉંમરના વધવા સાથે દાંતનું બાહ્ય આવરણ પાતળું થતું જાય છે એના કારણે દાંતમાં રંગમાં બદલાવ અનિવાર્યપણે થાય છે.
દાંતનો રંગ બદલતાં અન્ય કારણોમાં ટ્રોમા, પિન્ક ટ્રોમાનો સમાવેશ થાય છે. જેમ કે કોઈ અકસ્માતમાં દાંત અથડાયો હોય તો તેને બે પ્રકારે ઈજાગ્રસ્ત થઈ શકે. બહારથી ઈજા થઈ હોય તો એની સારવાર થઈ શકે, પરંતુ આંતરિક ભાગમાં ઈજા થઈ હોય તો એની રુધિરવાહિનીઓ શુષ્ક થઈ જાય અને કાયમી ડાઘ પડી જાય. એની સારવાર શક્ય નથી બનતી.
રૂટ કેનાલ કરાવી હોય કે દાંતમાં ફિલિંગ કરાવ્યું હોય તો એ પણ દાંતના કલરના બદલાવ માટે જવાબદાર બની શકે. ફિલિંગમાં કેવું મટિરિયલ વપરાયું છે એ બહુ મહત્ત્વનું છે. બાળકમાં જો કેલ્શિયમની કમી હોય તો ફ્લોરોસિસ થઈ શકે. ફ્લોરોસિસ ભૌગોલિક વિસ્તાર અનુસાર થતો હોય છે. જેમ કે, રાજસ્થાનમાં લોકોના દાંત કુદરતી રીતે જ વધારે સફેદ જોવા મળશે. ત્યાંના પાણીમાં ફ્લોરિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અમુક દવાઓને કારણે પણ દાંતને અસર થાય છે. તો પ્રેગનન્સી બાદ પણ દાંતના રંગમાં ફેર આવી શકે છે.
તમે શું કરી શકો?
આજે જીવનના દરેક તબક્કે પરફેક્ટ લૂક બહુ જ મહત્વનો બની ગયો છે - પછી વાત અંગત જીવનની હોય કે વ્યાવસાયિક જીવનની. કોર્પોરેટ જગતમાં કામ કરતાં ઘણાં લોકો ટૂથ વ્હાઈટનિંગ પ્રિફર કરે છે. કોઈના મેરેજ હોય તો પણ દાંતની સફેદી માટે ડેન્ટિસ્ટની મદદ લેવામાં આવે છે. ટૂથ વ્હાઈટનિંગ બે પ્રકારે કરી શકાય છે.
જો તમારે ઘરે દાંતને સફેદ કરવા હોય તો એના માટે બ્લીચિંગ ટ્રે આવે છે. આ બ્લીચિંગ ટ્રેમાં વપરાતી પેસ્ટની સાંદ્રતા એકદમ ઓછી હોય છે. એને તમે રાતે દાંત પર લગાવીને સૂઈ જાઓ અને સવારે દાંતના રંગને ચકાસી જુઓ. જો તમારા ઇચ્છનીય પરિણામ કરતાં સફેદ રંગ ઓછો હોય તો તમે એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકો છો.
ડોક્ટર પાસે ટૂથ-વ્હાઈટનિંગ માટે જાઓ છો તો તેઓ સિટિંગ અનુસાર પ્રક્રિયા કરશે. ડેન્ટિસ્ટ તમારા દાંતના રંગને શેડ-કાર્ડ પર આંકીને પછી પ્રક્રિયા કરશે. એમાં અઠવાડિયાના અંતરે સિટિંગ એટલે કે ટ્રીટમેન્ટ લેવાની હોય છે. બીજું એ કે ડોક્ટરો અમુક પ્રકારનાં રસાયણોનો ઉપયોગ કરતા હોય છે. એ ઉચ્ચ પ્રકારનાં રસાયણો વાપરવામાં આવે તો દાંતના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. ટૂથ-વ્હાઈટનિંગ માટે ઉપરના અને નીચેના દાંત માટે જુદી-જુદી ફી હોય છે.
જુદી-જુદી અસર
કેટલાક લોકોને ટૂથ-વ્હાઈટનિંગથી કોઈ અસર ન થાય તેવું પણ બની શકે છે. તો કેટલાકને ટૂથ-વ્હાઈટનિંગ પ્રક્રિયાની આડ અસર પણ થાય છે. જેમ કે, કેટલીક વખત દાંતની સેન્સિટિવિટી પર અસર થાય છે. દાંતને નબળા તો ન કહી શકીએ, પરંતુ સેન્સેશનની સમસ્યા ઊભી થઈ શકે છે. બ્લીચિંગ વારંવાર સલાહભર્યું નથી. એક વખત કરાવ્યા બાદ એની સારી રીતે કાળજી લેવામાં આવે તો ૬ મહિના બાદ ફરી કરાવી શકાય. જો બ્લીચિંગ કરાવ્યા બાદ ચા, કોફી, તમાકુ કે આલ્કોહોલના સેવનમાં કોઈ જ ફરક ન હોય તો વ્હાઈટનિંગની કોઇ અસર થશે નહીં એટલું યાદ રાખજો.