પેઇન ઇઝ હાફ ડોક્ટર

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 18th May 2016 08:39 EDT
 
 

પીડા શારીરિક હોય કે માનસિક, કોઇને જરા પણ ગમતી નથી. જોકે પીડા થવી ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે પીડા છે તો નિદાન છે. મેડિકલ સાયન્સમાં પીડાનું ખૂબ જ મહત્ત્વ છે. ક્યાંય પણ દુઃખાવો થાય, બળતરા થાય કે અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો આપણને ખબર પડે છે કે એ જગ્યાએ કે એની સાથે સંકળાયેલી કોઈક જગ્યાએ ગરબડ ચાલી રહી છે.

માથું, પગ, કમર કંઈ પણ દુખે ત્યારે કાં તો આપણે એ ભાગ પકડીને બેસી જઈએ છીએ કાં પછી એને જરાય હલાવવાનું મન નથી થતું. દુઃખાવો થતો હોય ત્યારે કામમાં મન ન ચોંટે. આ સમયે પેઇનકિલર લઈને પીડા શમાવી નાખવાનું કામ ખૂબ ખતરનાક છે કેમ કે આનાથી પીડા તો શમી જાય છે, પણ પીડા થવાનું મૂળ કારણ તો એમ જ અંદર ધરબાયેલું પડ્યું હોય છે.

દરદ છે તો હકીમની જરૂર છે

પીડા એ અડધા ડોક્ટર જેવું કામ કરે છે. જો ઘૂંટણના સાંધામાં અંદર ફલુઇડ ઘટી જવાને કારણે કે હાડકું ઘસાવાને કારણે દબાવાનું શરૂ થાય તો તરત જ ઝીણું-ઝીણું દરદ થવાનું શરૂ થઈ જાય છે અને આપણે તરત ડોક્ટર પાસે જઈએ છીએ. જો આ પીડા જ ન થાય તો આપણા ઘૂંટણમાં ગરબડ થવાની શરૂઆત થઈ છે એની આપણને જ ખબર ન પડે અને આપણને ડોક્ટરની પાસે જવાની જરૂરત જ ઉભી ન થાય.

ધારો કે, આપણે આ પીડાને અવગણીએ તો તકલીફ વધતી જાય. જેમ-જેમ અંદરની તકલીફ વધે એમ-એમ પીડાનું પ્રમાણ પણ વધતું જાય. જો પીડા ન થતી હોય તો શરીરનાં અંગો ઘસાય કે અંદર ઇન્ફેકશન થાય, બગાડ થાય ને છતાં કોઈ જ લક્ષણો ન દેખાતાં હોય તો એક દિવસ અચાનક જ ઘૂંટણ વળવાનું બંધ થઈ જાય કે અંદરના અવયવો નકામા થઈ જાય ને માણસ મરી જાય તોય ખબર ન પડે.

પીડા મગજમાં થાય

આજકાલ છૂટથી પેઇનકિલર્સ લેવામાં આવે છે, પરંતુ ધારો કે શરૂઆતની પીડાને અવગણીને કે પેઇનકિલર્સ લઈને દબાવી દો તો એ દરદ થોડોક સમય ચૂપ થઈ જાય, પણ પછી અંદરની સ્થિતિ વણસતાં ખૂબ જ જોરદાર હુમલા સાથે ફરી પાછી આવી જાય.

શરીરમાં ક્યાંય પણ કશું પણ થાય તો એનો તમામ કન્ટ્રોલ આપણા મગજ દ્વારા રાખવામાં આવે છે. પગમાં કાંટો ભોંકાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં મગજને ખબર પડી જાય ને મગજમાંથી સંદેશો છૂટે કે આ જગ્યા સેફ નથી. આપણી તર્કશક્તિ વાપરીને બીજી જ સેકન્ડે ત્યાંથી પગ હટાવી લઈએ. આ જ રીતે શરીરમાં અંદર ક્યાંક પણ પીડા થાય તો એ સંકેત આપે છે કે ભઈ, મારી તરફ જુઓ. મને અસુખ થાય છે ને એટલે કંઈક દવા કરો.

બ્રેઇન પીડા શમાવે પણ...

દર સેકન્ડે આપણા મગજમાં એક સાથે એક લાખ (હા, તમે સાચુ જ વાંચો છો!) કેમિકલ રીએક્શન્સ ચાલતાં હોય છે. આપણું બ્રેઇન બને ત્યાં સુધી તો આપણા શરીરનો કેમિસ્ટ જાતે જ બની જાય છે. ન્યુરો સાયન્સ મુજબ આપણા મગજમાંથી ૫૦ અલગ-અલગ ટાઇપનાં ડ્રગ કેમિકલ્સનું ઉત્પાદન થાય છે, જે શરીરની વ્યવસ્થાઓને જાળવી રાખવા માટે જરૂર પડ્યે આપમેળે રિલીઝ થાય છે. મેમરી, ઇન્ટેલિજન્સ અને પેઇન અવયવોની સંવેદના પર અસર કરે છે. હ્યુમન બોડી જરૂર પડ્યે પોતાના શરીરનું પેઇન મટાડવા માટે આપમેળે જ કેમિકલનો સ્રાવ કરે છે, પરંતુ જ્યારે તકલીફ એના કન્ટ્રોલ બહારની થઈ જાય ત્યારે એ બહારથી મદદ મળે એ માટે ચિલ્લાય છે ને એ પીડા રૂપે બહાર આવે છે.

નેચરલ પેઇનકિલર્સ

આપણા શરીરમાં આપણી પોતાની ફાર્મસી છે. એમાં એન્ડોર્ફિન, એન્કેફેલિન્સ અને ડાઇનોર્ફિન એ ત્રણ પ્રકારનાં કેમિકલ ગ્રૂપ છે જે બ્રેઇનમાંથી પેદા થાય છે. એન્ડોર્ફિન એ નેચરલ પેઇનકિલર ગણાય છે. એ મોર્ફિન કરતાંય ત્રણ ગણું શક્તિશાળી હોય છે. એનો મતલબ એ કે જ્યારે શરીરમાં પીડા થાય છે ત્યારે તમે એને અટેન્શન આપો અને કાળજી રાખો તો બોડી આપમેળે બાહ્ય કોઈ જ દવા વિના સારું થઈ શકે છે.

બીજાની પીડા કેવી રીતે અનુભવાય?

ખૂબ આત્મીયજનને શારીરિક પીડા થઈ રહી હોય તો એની અસર તમને પણ થાય એવું ક્યારેક બન્યું છે? આમ થવાનું કારણ છે બ્રેઇનના ઇન્ટયુટિવ અને સેન્સ મોનિટરિંગ પાર્ટ. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભલે શરીર જુદાં હોય, પણ જો તમે જે-તે વ્યક્તિ સાથે ઇમોશનલી ખૂબ જ એટેચ્ડ હો તો તેનું દુઃખ લગભગ એટલી જ માત્રામાં તમે પણ અનુભવતા હો એવું બની શકે છે. આ માટે બ્રેઇનનો સેરિબ્રલ કોર્ટેક્સ ભાગ જવાબદાર હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter