લંડનઃ યુકેમાં પેશન્ટે હાલ તેના જનરલ પ્રેક્ટિશનર GP સાથે મુલાકાત કરવા ૧૩ દિવસની રાહ જોવી પડે છે, જે સંખ્યા ૨૦૧૫માં ૧૦ દિવસની હતી. જો, જનરલ પ્રેક્ટિસ સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન નહિ લવાય તો ૨૦૨૨ સુધીમાં રાહ જોવાનો સમય વધીને ત્રણ સપ્તાહ થઈ જવાની ચેતવણી અપાઈ છે. ડોક્ટરો જે ઝડપે NHS છોડી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ સરકારે અછત દૂર કરવા ૨૦૨૦ સુધીમાં નવા ૫,૦૦૦ જીપીની ભરતી કરવાની ખાતરી આપી છે. પાંચમાંથી બે ડોક્ટર આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થાય કે કામ છોડે તેમ અન્ય અભ્યાસ જણાવે છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર આગામી પાંચ વર્ષમાં ઈંગ્લેન્ડમાં દર્દીઓની સંખ્યામાં ૨૦ લાખનો વધારો થશે. દર્દીઓને રાહ જોવાનો વર્તમાન સમય ૧૩ દિવસ રાખવો હોય તો, દરેક જીપીએ આ વધારાના દર્દીઓને જોવા માટે જ સપ્તાહમાં ચાર કલાક કામ કરવું પડશે. ડોક્ટરો કહે છે કે અત્યારે જ કામનો બોજો વધુ છે ત્યારે આ શક્ય નથી.
૮૩૦ જીપીના અભ્યાસમાં જણાયું હતું કે ૩૪ ટકા સર્જરીમાં પેશન્ટે સરેરાશ એક સપ્તાહ, ૨૫ ટકા સર્જરીમાં બે સપ્તાહ, આઠ ટકા સર્જરીમાં ત્રણ સપ્તાહ અને એક ટકા સર્જરીમાં ચાર સપ્તાહથી વધુ રાહ જોવી પડે છે.