દેશ-વિદેશના સંશોધકો દ્વારા છેલ્લા લાંબા અરસાથી બીટનાં ગુણગાન ખૂબ ગવાઈ રહ્યાં છે. તાજેતરમાં અમેરિકાના સેન્ટ લુઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જાહેર કર્યું છે કે હાર્ટ-ફેલ્યરના દરદીઓમાં બીટનો જૂસ ખૂબ જ ફાયદાકારક છે, એનાથી હૃદયના સ્નાયુની ક્ષમતા સુધરે છે અને લોહી પમ્પ કરવાનું કાર્ય સુધરે છે. આના થોડાક વખત પહેલાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ એક્સ્ટરના રિસર્ચરોએ બીટનો જૂસ એક્સરસાઇઝનો સ્ટેમિના અને સહનશીલતા વધારે છે એવું તારવીને કહેલું કે આ જૂસ એથ્લીટ્સ માટે ખૂબ ફાયદાકારક છે.
છેલ્લાં કેટલાંય વષોર્થી બીટના જૂસને હાઇપરટેન્શનની દવા ગણવામાં આવી રહી છે. એમાં રહેલા નાઇટ્રેટ કમ્પાઉન્ડને કારણે રક્તવાહિનીઓ ખૂલે છે અને લોહીનું દબાણ ઘટે છે. એક માન્યતા એ પણ છે કે લાલચટક બીટનો જૂસ પીવાથી લોહી વધે છે અને એનિમિયામાં પણ ફાયદો થાય છે. આ બધું વાંચીને તરત બજારમાંથી બીટ ખરીદી લાવીને એનો જૂસ ગટગટાવવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે, પણ આ માન્યતાઓમાં કેટલી સચ્ચાઈ છે એ જાણ્યા-સમજ્યા પછી જ બીટનો જૂસ લેવો જોઇએ. વળી, અભ્યાસોમાં તારવવામાં આવેલા ફાયદા કેવા સંજોગોમાં અને કેવી રીતે સેવન કરવાથી મળે એ પણ જાણવું જરૂરી છે.
બીટ જૂસમાં રહેલાં પોષક તત્વો
યસ, એક વાત સ્વીકારવી પડે કે બીટમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ છે. લાલચટક રંગને કારણે રંજકદ્રવ્યો પણ ખૂબ સારાં છે. એમાં શરીરના ફ્રી રેડિકલ્સની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અટકાવીને શરીરના કોષોને ડેમેજ અને ઘરડાં થતાં અટકાવે એવાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ તેમજ પોલિફિનોલ કેમિકલ્સ પણ ઘણાં છે.
નિષ્ણાત ડાયેટિશ્યન્સ કહે છે કે બીટમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, મેન્ગેનીઝ, ઝિંક જેવાં મિનરલ્સ પણ સારીએવી માત્રામાં છે. નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ સંકોચાયેલી રક્તવાહિનીઓને ખોલવાનું કામ કરે છે. બીટાલેઇન નામનું રંજકદ્રવ્ય છે જે એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લમેટરી (સોજો-ઇન્ફેક્શન ઘટાડનારું), ફંગસનો નાશ કરનારું છે. એ બોડીના ડી-ટોક્સિફિકેશનમાં પણ ઘણો ભાગ ભજવે છે.
જૂસથી ખરેખર ફાયદો થાય?
હાઇપરટેન્શન અને હાર્ટ-ફેલ્યર માટે બીટનો જૂસ ફાયદાકારક મનાયો છે. તો શું આ દરદીઓ બીટનો રસ પીએ તો બ્લડ-પ્રેશર નોર્મલ થઈ જાય? હૃદયના સ્નાયુઓ મજબૂત થઈ જાય? ના. નિષ્ણાતો કહે છે કે બીટના જૂસમાં રહેલાં વિશિષ્ટ કેમિકલ્સનાં કોમ્બિનેશનને કારણે હાઈ બ્લડ-પ્રેશર અને હાર્ટ-ફેલ્યરના દરદીઓમાં રક્તવાહિનીઓ ખૂલે છે, રક્તભ્રમણ સુધરે છે અને મસલ્સમાં સ્ટ્રેન્ગ્થ મહેસૂસ થાય છે. જોકે આ ફાયદો ટેમ્પરરી હોય છે.
એટલું જ નહીં, એનાથી બ્લડ-પ્રેશરમાં જે ઘટાડો થાય છે એ પણ સાવ મામૂલી કહી શકાય એવો હોય છે. નિયમિત સેવનથી માત્ર પાંચેક પોઇન્ટ જેટલું જ બ્લડ-પ્રેશર નીચું આવે છે. વળી, જૂસ પીધાના બે-ત્રણ કલાક પછી એની અસર થાય અને થોડાક કલાકો સુધી જ રહે. બ્લડ-પ્રેશર પાછું વધે નહીં એ માટે રોજેરોજ બીટના જૂસનું નિયમિત સેવન કરવું પડે. એટલે સમજી શકાય કે બ્લડ-પ્રેશર માટેની ગોળીઓના વિકલ્પ તરીકે બીટનો જૂસ લઈ શકાય નહીં.
બીટનો જૂસ ફાયદો તો કરે છે, પણ સાથે એના કેટલાક માઇનસ પોઇન્ટ્સ પણ છે. એ વિશે વાત કરતાં ડાયેટિશ્યન્સ કહે છે કે બીટ એ કંદ છે. એમાં રહેલી કેલરી એ શુગરની જ હોય છે. ૧૦૦ ગ્રામ બીટમાંથી ૫૦થી ૬૦ કેલરી મળે, પણ એ તમામ શુગરની હોવાથી એ ઝટપટ લોહીમાં ભળી જાય. ૨૦૦ મિલીલીટરના બીટના જૂસમાં સિમ્પલ શુગર ઘણી પેટમાં જતી રહે, જે વજન કન્ટ્રોલ કરવા માગતા લોકો માટે સારું નથી. મોટા ભાગના હાર્ટ-પેશન્ટ્સ ઓવરવેઇટ હોય અને બ્લડ-શુગરની તકલીફ ધરાવતા હોય એવી શક્યતા વધારે હોય છે. જો એમ હોય તો આવા દરદીને બીટનો જૂસ ફાયદા કરતાં નુકસાન વધુ કરે.
જૂસને બદલે સલાડમાં ઉમેરણ
બીટ પોતે ભલે હાઈ-કેલરીવાળું નથી, પણ એમાં માત્ર શુગરની કેલરી જ હોવાથી જૂસના ફોર્મમાં લેવાનું હિતાવહ નથી. શુગરના ગેરફાયદા ઘટાડીને બીટમાં રહેલાં રંજકદ્રવ્યો અને નાઇટ્રેટ્સનો ફાયદો લેવો હોય તો એનો સલાડમાં વપરાશ વધારવાની સલાહ આપતાં નિષ્ણાતો કહે છેઃ બીટનો જૂસ પીવાને બદલે જો સલાડમાં કાચું જ છીણીને ઉમેરવામાં આવે એ વધુ હિતાવહ છે. કોબીજ, કાકડી, ગાજર, કાંદા, ટમેટાં, ફણગાવેલાં કઠોળની સાથે મિક્સ કરીને રોજનું પચાસ ગ્રામ જેટલું બીટ લેવામાં આવે તો ચાલે. ચાવવામાં તકલીફ પડતી હોય અને જૂસ ફોર્મમાં જ લેવું હોય તો એમાં આમળાં, પાલક, દૂધી જેવાં શાકભાજીનો અડધોઅડધ રસ મેળવીને લેવાં.
એથ્લીટ્સ જૂસ લઈ શકે
હેવી એક્સરસાઇઝ કરતા લોકો અથવા તો સ્ટેમિના વધારવા ઇચ્છતા એથ્લીટ્સને બીટના જૂસથી ફાયદો થઈ શકે છે. ડાયેટિશ્યન્સ કહે છે કે એક્સરસાઇઝ અથવા તો મેઇન પર્ફોર્મન્સના થોડાક કલાકો પહેલાં એથ્લીટ્સ બીટનો જૂસ પીએ તો એ બેસ્ટ છે. એનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, મસલ્સને બૂસ્ટ મળે છે, પર્ફોર્મન્સ સુધરે છે. બીટના જૂસથી સ્ટેમિના સુધરે છે. કસરત કર્યા પછી થાક ઓછો લાગે છે.
એનિમિયામાં કોઈ ફાયદો નથી
લાલચટક બીટ ખાવાથી શરીરમાં લોહીનો પણ વધારો થશે અથવા તો એનિમિયાના દરદીઓને લાલ કણો વધવામાં મદદ થશે એ માન્યતા ખોટી છે. ડાયેટિશ્યન્સ કહે છે કે બીટમાંનાં રંજકદ્રવ્યો લોહીનું ભ્રમણ સુધારવામાં મદદ કરે છે, હીમોગ્લોબિન વધારવામાં કે લાલ કણો વધારવામાં નહીં.
સ્કિન-કેરમાં ફાયદો
ત્વચાની રંગત સુધારવામાં બીટનો જૂસ ફાયદાકારક છે. એમાં રહેલાં ખનીજ તત્વોઅને વિટામિન્સને કારણે બીટ અથવા તો એનો જૂસ ત્વચાને સ્વચ્છ, સુંવાળી બનાવે છે અને ઇલેસ્ટિસિટી સુધારે છે.
જૂસથી જુલાબ ન થાય એ માટે
જો તમે ઓવરવેઇટ ન હો, નિયમિત કસરત કરતા હો અને એક્ટિવ લાઇફ-સ્ટાઇલ હોય તો બીટનો જૂસ પણ લઈ શકો છો. જોકે એની માત્રા ધીમે-ધીમે વધારવી જોઈએ એ વિશે ડાયેટિશ્યન્સ કહે છે કે પહેલા જ દિવસે એકલા બીટનો ૨૦૦ મિલીલીટર જૂસ પી લેવાનું બધાને સદતું નથી. એનાથી બની શકે કે જુલાબ થઈ જાય. આથી જ પહેલા ત્રણ-ચાર દિવસ પા કપ બીટનો જૂસ પીવો, એ પછી ત્રણ-ચાર દિવસ અડધો કપ.
ધીમે-ધીમે કરીને વધુમાં વધુ ૨૦૦ મિલીલીટર જેટલો બીટનો રસ પી શકાય. બીટના રસને કારણે મળ અને યુરિન બન્નેમાં લાલાશ જોવા મળી શકે છે. જોકે એ સામાન્ય છે. આમળાં, પાલક કે દૂધી જેવાં શાક સાથે મેળવીને લેવાથી પણ જુલાબ થઈ જઈ શકે છે. એટલે મિક્સ રસ લેવાની માત્રા પણ ધીમે-ધીમે જ વધારવી.