પાણી એ કુદરતે માનવીને આપેલી સૌથી અણમોલ ભેટ છે. એ શરીરમાં પણ ૭૦ ટકા સમાયેલું છે. અને આના પરથી જ વિચારી શકાય કે શરીરની રચના યોગ્ય રીતે કામ કરે એ માટે પાણી કેટલું જરૂરી છે. પાણી જો પૂરતું ન મળે તો શરીરમાં અનેક તકલીફો થઈ શકે છે.
સુંદરતાનો કુદરતી ઉપાય
સુંદર અને હેલ્ધી ત્વચા મેળવવા માટે પાણી એક કુદરતી ઉપાય છે. જ્યારે કોઈ સેલિબ્રિટીને પૂછવામાં આવે કે તેની સુંદરતાનો રાઝ શું છે તો તે પણ એ જ કહે છે કે હું ખૂબ-ખૂબ પ્રમાણમાં પાણી પીઉં છું. જો શરીરમાં પાણીની કમી થાય તો ડીહાઇડ્રેશનની તકલીફ થાય છે. પરિણામે સમય પહેલાં જ વૃદ્ધત્વ એટલે કે ચહેરા પર કરચલી અને ફાઇન લાઇન્સ આવવા લાગે છે તેમજ ત્વચા વધુ સૂકી બનતી જાય છે.
શરીર અંદરથી સ્વચ્છ પાણી ઓછું પીવાથી કબજિયાતની તકલીફ થઈ શકે છે. એ તો બધા જ જાણે છે કે શરીરમાં થનારા મોટા ભાગના રોગનું મૂળ કારણ કબજિયાત હોય છે. કબજિયાતને લીધે શરીરમાંથી ઝેરી તત્વો જોઈતા પ્રમાણમાં બહાર ફેંકાતાં નથી. આથી શરીરની અંદર ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને એ ડલ ત્વચા અને ત્યાર બાદ ખીલમાં પરિણમે છે.
ત્વચાને લચીલી રાખે
ત્વચાના લચીલાપણા અને કોમળતા માટે પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી છે. જો પરસેવો ન થાય તો પણ ચામડી શરીરમાં રહેલું પાણી વાપરે છે અને એ પાણીને રિપ્લેસ કર્યે રાખવું જરૂરી છે. જો પાણી ન આપવામાં આવે તો ચામડીના કોષો સૂકા થઈ જાય છે, ક્રેક્સ આવે છે તેમ જ ચામડીનો રંગ બદલાઈ જાય છે.
તેલને સમતોલ કરે
પાણીમાં ત્વચાને હાઇડ્રેટ, રીવાઇટલાઇઝ અને ડીટોક્સિફાય કરવાની તાકાત છે. તેમજ પાણી ત્વચાને ઓક્સિજન પણ પૂરો પાડે છે. ખીલ વધુ થતા હોય એવી ત્વચામાં રહેલા વધારાના તેલને સમતોલ કરવામાં થોડું હૂંફાળું પાણી ફાયદો કરે છે.
બેકટેરિયાથી રક્ષણ
શરીરના મુખ્ય હાઇજીનની શરૂઆત પાણી અને સાબુથી થાય છે. યોગ્ય સફાઈ જાળવવાથી શરીરમાંથી દુર્ગંધ જાય છે, ફંગલ ઇન્ફેક્શન નથી થતું તેમ જ બીજા બેક્ટેરિયાથી પણ છુટકારો મેળવી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધે
ડીટોક્સિફિકેશન અને વજન નિયમનના પ્રોગ્રામમાં ખૂબ પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. આ બન્ને ટ્રીટમેન્ટમાં ખૂબ પ્રમાણમાં પાણી લેવાની જરૂર હોય છે. આ ટ્રીટમેન્ટ્સમાં પણ શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન એટલે કે ઝેરી તત્વો બહાર ફેંકાય છે, જેનાથી કબજિયાત મટે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેની સીધી અસર ત્વચા પર થાય છે.
બ્યુટી પ્રોડક્ટ્સમાં પાણી
હવે જો આપણા રોજના વપરાશમાં લેવાતી સ્કિન કેર પ્રોડક્ટ્સની વાત કરીએ તો સનસ્ક્રીન, મોઇસ્ચરાઇઝર, બોડી લોશન, રિપેર સિરમ, નાઇટ ક્રીમ જેવી બધી જ ચીજોમાં બેઝ તરીકે પાણી વાપરવામાં આવ્યું હોય છે, જે સ્કિનને વૃદ્ધ થતાં અટકાવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે શરીરને સુડોળ રાખવા માટે કરવામાં આવતી કેટલીયે કસરતોમાં પાણી મુખ્ય છે. જેમ કે સ્વિમિંગ, ફ્લોટેશન થેરપી, સ્ટીમ હાઇડ્રોથેરપી વગેરે - જે શરીરમાં લોહીનું ભ્રમણ વધારે છે. લોહીમાં વધારો થવાથી શરીરમાં ઓક્સિજનનો વધારો થાય છે અને ઝેરી તત્વો બહાર નીકળે છે. આ બધાના લીધે ત્વચાની ચમક વધે છે અને એ હેલ્ધી દેખાય છે.