લંડનઃ મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું ૪૫-૬૫ વયજૂથની ૧૨૦૦ મહિલાના સર્વેમાં જણાયું છે. દર પાંચમાંથી બે કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝના લક્ષણો તેમની ધારણા કરતા વધુ ખરાબ હતા. ડોક્ટરની સલાહ નહિ લેનારી ૫૦ ટકાથી વધુ મહિલાઓ પૈકી ત્રીજા ભાગ કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝ સહન કરવી જ પડે એવી સ્થિતિ છે.
બ્રિટિશ મેનોપોઝ સોસાયટીના ચેરમેન ડો. હિધર ક્યુરીએ જણાવ્યું હતું કે સારવારના મર્યાદિત વિકલ્પ અને મદદ ઉપલબ્ધ હોવાની માન્યતાથી મહિલાઓ ઘણી વખત લાચારી અનુભવે છે. મહિલાઓ જીવનશૈલીમાં ફેરફારથી મેનોપોઝની તકલીફો હળવી થાય તેવી સલાહ લેવાનું ચૂકે છે.
બ્રિટિશ મેનોપોઝ સોસાયટીના વાર્ષિક સંમેલનમાં રજૂ અહેવાલમાં જણાવાયું હતું કે મેનોપોઝ ગાળામાં એકંદરે મહિલા અચાનક તાવ, રાત્રે પરસેવો, અનિદ્રા અને મૂડ સ્વીંગ્સ સહિતના સાત લક્ષણોથી પીડાય છે. બ્રિટનમાં એક સમયે ૧.૯ મિલિયન મહિલા મેનોપોઝમાંથી પસાર થાય છે, જેમાંથી ૮૦ ટકા મહિલાને લગભગ ચાર વર્ષ સુધી અને ૧૦ ટકા મહિલાને ૧૨ વર્ષ સુધી તેના લક્ષણોનો અનુભવ થાય છે.