આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી ગણાય છે. યોગથી લઈને ભારતીય પરંપરામાં વારંવાર જેનો ઉપયોગ થયો છે એ અંજલિ મુદ્રા અથવા નમસ્કાર મુદ્રા અથવા નમસ્તે કરવાની સાચી રીત શું અને એનાથી કેવા લાભ થાય એ વિશે આપણે જાણીએ.
હાથ જોડવાની પ્રક્રિયા આપણા લોહીમાં છે. જન્મેલા બાળકને પણ જે-જે કરો એવું કહો એટલે પટ દઇને હાથ જોડી નાખશે. શીખવવું પણ નથી પડતું આપણી જનતાને. જોકે આજકાલ વિશ્વમાં નમસ્તેનો જબરો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાથી બચવા અભિનેતાઓ હાથ જોડીને અભિવાદન કરવાની સલાહ આપે છે. યોગમાં નમસ્કાર મુદ્રા અથવા અંજલિ મુદ્રા તરીકે ઓળખાતી આ મુદ્રા કરવાની સાચી રીત શું? તે જાણો.
• કેમ થાય?: નમસ્કાર મુદ્રા કરતા હો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બન્ને હથેળી સંપૂર્ણપણે એકબીજાને સ્પર્શે એ રીતે રાખવાની હોય છે, જેમાં બન્ને હાથની દસેય આંગળીઓનાં ટેરવાંથી લઈને હથેળીનો તમામ હિસ્સો એકબીજા સાથે સ્પર્શતો હોવો જોઈએ. બીજું, જોડેલો હાથ આપણા અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્રની બરાબર વચ્ચોવચ હોય અને બન્ને કોણીઓ જમીનને સમાંતર હોય. મસ્તક સહેજ ઝૂકેલું હોય ત્યારે નમસ્કાર મુદ્રા કરી ગણાય.
• મુદ્રાનું મહત્ત્વઃ મુદ્રા વિજ્ઞાનને આપણે શરીરની ઊર્જાને સાચી દિશામાં ગતિ કરાવવાના શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. મુદ્રા તરીકે આપણે કોસ્મિક એનર્જીને ફિંગરટિપ્સથી એબ્સોર્બ કરતા હોઈએ છીએ. આપણી આંગળીઓ અહીં એન્ટેનાની જેમ કામ કરે છે. મુદ્રા દ્વારા આપણે પ્રાણ ઊર્જાની ફ્લો સર્કિટને પૂરી કરીએ છીએ. મુદ્રા તમારા શરીર, મન અને આત્મા એમ ત્રણેય પર અસર કરે છે.
• આ મુદ્રા ખાસ કેમ? દરેક મુદ્રા કોઈને કોઈ ભાવ સાથે સંકળાયેલી હોય છે. અહીં બન્ને રીતે ફાયદો થાય છે. કાં તો તમારામાં એ ભાવ જાગે અને તમે એ મુદ્રા અનાયાસ કરી બેસો અથવા જેવી તમે એ મુદ્રા કરો એટલે બોડીનું કુદરતી મિકેનિઝમમાં તમારામાં એ ભાવ જગાવે. નમસ્કાર મુદ્રા એના નામ પ્રમાણે જ કરવાથી સૌથી પહેલાં આપણામાં નમ્રતાનો ભાવ જગાવે. નમ્રતાનો ભાવ જાગે એટલે અહંકાર આપમેળે ઓગળવા માંડે અને અહંકાર ઓગળે એટલે જે જેવા છે એનો સ્વીકાર થવા માંડે. તમે કોઈને ત્યારે જ નમો જ્યારે તમે સામેવાળાનો સ્વીકાર કર્યો હોય. અહીં આજે જે પણ સમસ્યા છે એ એક્સેપ્ટન્સના અભાવને કારણે જ છે. તમે જે જેવું છે એ એવા જ ફોર્મમાં સ્વીકારી નથી શકતા એટલે દુખી થાઓ છો અને દુખી કરો છો. નમસ્કાર મુદ્રા સૌથી પહેલાં તો તમારામાં સ્વીકારભાવને જગાડે છે. નમસ્કાર મુદ્રામાં હાથ હૃદયના ચક્રને સ્પર્શતા હોય ત્યારે એ ઓટોમેટિકલી તમારામાં પ્રેમ, કૃતજ્ઞતા અને આનંદના ભાવને જગાડે છે.
• બાયોલોજિકલ ઇફેક્ટઃ આપણું શરીર બે ભાગમાં વિભાજિત છે એ તો આપણને ખબર છે. બ્રેઇનમાં રાઇટ હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર એમ બે હિસ્સા છે. બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, બે ફેફસાં, બે કિડની બન્ને વચ્ચે સંતુલન હોય ત્યારે શરીર વધુ બહેતર રીતે કામ કરે છે. માત્ર હાથ અને પગને બાદ કરતાં શરીરના બીજા એકેય ભાગને આપણે જોડી નથી શકતા. પગના તળિયાને જોડીએ તો વિચિત્ર મુદ્રા બને પણ હાથને ખૂબ જ સરળતાથી અને સહજતાથી જોડી શકાય છે એ પાછળ પ્રાકૃતિક કારણ પણ છે. નમસ્કાર મુદ્રાથી આપણા બ્રેઇનના ડાબા અને જમણા હિસ્સા વચ્ચેના એનર્જી ફ્લોમાં સંતુલન આવે છે. ડાબો હિસ્સો ક્રીએટિવિટી સાથે સંકળાયેલો છે અને જમણો હિસ્સો લોજિકલ થિન્કિંગ સાથે સંકળાયેલો છે. કેટલાક લોકોનો જમણો હિસ્સો એક્ટિવ હોય છે તો તેઓ વધુ અતિતાર્કિક હોય છે અને કેટલાકનો ડાબો હિસ્સો વધુ ડેવલપ હોય તો તેઓ અતિલાગણીશીલ હોય છે. જોકે કોઈ પણ બાબતનો અતિરેક જોખમી છે. નમસ્કાર મુદ્રા આ બન્નેમાં સંતુલન લાવે છે. લાંબા સમય માટે નમસ્કાર મુદ્રા કરો તો હેડેક મટી શકે. એનર્જી ફ્લોને સંતુલિત કરે છે. ઘણા લોકો અજાણ્યા લોકો સાથે વાત કરતાં ડરતા હોય છે, વિશ્વાસ નથી મૂકી શકતા. નમસ્કાર મુદ્રાથી એ ભયનો ભાવ દૂર થાય છે. શરીરને બળવાન બનાવે, આંગળીઓની લચક વધારે. જીવન ઉત્કર્ષ માટે નમસ્કાર મુદ્રા ખૂબ જ ઉપયોગી છે.
એવું પણ કહેવાય છે કે નમસ્કાર મુદ્રાને કારણે સામેવાળી વ્યક્તિની કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી આપણામાં પ્રવેશતી અટકે છે, કારણ કે એમ કરવાથી તમે સામેવાળી વ્યક્તિને સ્પર્શ કરતા નથી અને તમારા પોતાના એનર્જી ફિલ્ડને વધુ સ્ટ્રોંગ બનાવી દો છો.