રાજકોટઃ શહેરની કેન્સર હોસ્પિટલમાં ૩૭ વર્ષથી ફરજ બજાવતા અને ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. વી. કે. ગુપ્તાના કહેવા પ્રમાણે સમગ્ર ભારતમાં મોં અને ગળાના કેન્સરના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં તેમાં પણ સવિશેષ રાજકોટમાં જોવા મળે છે. પુરુષોના મોં-ગળાના કેન્સર ખૂબ જ કોમન છે. કેન્સરના અડધોઅડધ એટલે દર ૧૦૦ દર્દીઓમાંથી ૫૦ દર્દીઓમાં મોં-ગળાના કેન્સર જોવા મળે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. વિદેશોમાં મોં અને ગળાના કેન્સરનું પ્રમાણ ૩થી ૪ ટકા હોય છે ત્યારે ભારતમાં આ પ્રમાણ ૪૦ ટકા જેટલું ઊચું છે, એમ ડો. ગુપ્તાએ કહ્યું હતું.
રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વરસે ૬ હજાર જેટલા દર્દીઓ આવે છે. તેમાંથી ૪૫૦૦ થી ૫૦૦૦ જેટલાં દર્દીઓમાં કેન્સર ડિટેક્ટ થાય છે.
મોં અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે એમ જણાવીને ડો. ગુપ્તાએ કહ્યું કે ઘરમાં, પિતા, મોટા ભાઈ કે ફ્રેન્ડસ સર્કલમાં જોઇને પુત્ર બીડી, સિગરેટ અને તમાકુના રવાડે ચડે છે. દીકરો તમાકું ન ખાય, બીડી-સિગારેટ ન પીએ તે માટે સૌથી પહેલી અને સૌથી મોટી જવાબદારી મા-બાપની છે. પછી તેના શિક્ષકની અને પછી સમાજની છે.
કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વરસો નીકળી ગયાં હોય છે આવું કેમ? એવું પૂછતાં ડો. ગુપ્તાએ કહ્યું કે શરીરમાં કોષોની અંદર ફેરફાર થાય છે. એને પકડવાની તાકાત ધરાવતા મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ પકડી શકાતા નથી.
વળી, ભારતમાં લોકો પોતાને કેન્સર હોવાનું જલ્દી સ્વીકારતા નથી, એમ જણાવીને ડો. ગુપ્તાએ ઉમેર્યું હતું કે, મોઢામાં ચાંદુ મહિનાઓથી રૂઝાતું ના હોય. દરરોજ ગલોફા, જીભ પર નજર પડતી હોય તથા તેમાં ફેરફાર જણાતો હોય છતાં લોકો વાસ્તવિક્તા સ્વીકારતા નથી અને અને સમસ્યા છેક ત્રીજા સ્ટેજે પહોંચે પછી બતાવવા આવે છે તેને કારણે અમારી પણ મર્યાદા આવી જાય છે.