માનવશરીરનો સૌથી અગત્યનો અને નાજુક ભાગ જો કોઈ હોય તો એ છે આપણી આંખો. આ આંખોનું યોગ્ય જતન ન કરવાને લીધે અથવા તો ઉંમર વધવાને લીધે કે પછી અન્ય કોઈ કારણોસર આંખના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. અમુક કારણો એવાં છે કે જેની યોગ્ય સમયે સારવાર કરવાથી દૃષ્ટિ જાળવી શકાય છે. વૃદ્ધાવસ્થામાં અંધાપાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે એ પાછળનું મુખ્ય કારણ મોતિયો છે. મોતિયાની બીમારી પહેલાં જેવી રહી નથી. હવે તેનું ઓપરેશન સાવ સરળ રીતે થઈ જાય છે. તેથી ગભરાવાની જરૂર નથી. જોકે આપણે પહેલા તો મોતિયો શું છે? તેના વિશે સમજીએ.
આપણી આંખની પૂતળી (કીકી) પાછળ એક લેન્સ હોય છે. તે એકદમ સ્વસ્થ હોવાથી તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે પરિણામે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અમુક વખતે આ લેન્સ પર છારી થઇ છે, જેને કારણે તેમાંથી પસાર થનારો પ્રકાશ બ્લોક થવા લાગે છે અને દૃશ્ય ધૂંધળુ દેખાવાનું શરૂ થાય છે. આ ધૂંધળાપણાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ દર્દીની દૃષ્ટિ નબળી પડતી જાય છે. ઉંમર વધવાને કારણે લગભગ મોટાભાગના લોકોને મોતિયો આવી જાય છે.
સામાન્ય રીતે ૫૦થી ૬૦ વર્ષના લોકોને મોતિયાની તકલીફ થતી હોય છે. ઘણી વખત મોતિયો યુવાવસ્થા અને બાલ્યાવસ્થામાં આવતો જોવા મળે છે. મોતિયો બન્ને આંખમાં એક સાથે આવતો નથી. તે પહેલાં એક આંખમાં આવે છે અને એ આંખના આખા લેન્સને અસર કરે છે. આંખમાં મોતિયો ધીરે-ધીરે વિકાસ પામતો હોય છે. મોતિયો આવી રહ્યો હોય ત્યારે આંખમાં કંઇક ખૂંચે કે બળતરા થાય કે કોઈ પણ પ્રકારનો દુખાવો થાય એવું કંઈ થતું નથી. હા, દૃષ્ટિ નબળી પડવા લાગે છે.
મોતિયો એક નહીં પણ વિવિધ પ્રકારના હોય છે. જેમ કે, સાદો મોતિયો, ઊંધો મોતિયો, ઇજા થવાથી આવતો મોતિયો અને નવજાત શિશુમાં જોવા મળતો મોતિયો. સાદો મોતિયો અને ઊંધો મોતિયો ૪૦ વર્ષ અથવા તો એનાથી વધુ ઉંમરના લોકોમાં થતો જોવા મળે છે. આ મોતિયો ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. આ જ રીતે નવજાત શિશુમાં જન્મજાત ખામીને કારણે મોતિયો આવે છે. તો અમુક વખત અકસ્માતને કારણે આંખમાં ઇજા થવાને કારણે વ્યક્તિ નાની ઉંમરે મોતિયાનો શિકાર બની શકે છે. એની સારવાર ઓપરેશન દ્વારા થઈ શકે છે.
મોતિયાની એક માત્ર સારવાર ઓપરેશન છે. આથી જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશન કરાવી લેવું જોઈએ. આ ઓપરેશનમાં ડોક્ટર દ્વારા આંખની પૂતળી પાછળ રહેલા ધૂંધળા પડી ગયેલા કુદરતી લેન્સને દૂર કરવામાં આવે છે અને તેના બદલે આર્ટિફિશિયલ નવો લેન્સ લગાવવામાં આવે છે.
મોતિયા વિશે લોકોમાં જાતજાતની માન્યતા રહેતી હોય છે. જેમ કે, મોતિયો બરાબર પાકી જાય પછી જ ઉતરાવવો જોઈએ. જો એ પહેલાં મોતિયો ઉતારવામાં આવે તો બરાબર રિઝલ્ટ મળતું નથી. જોકે હકીકતમાં એવું નથી. દર્દીની જરૂરિયાત મુજબ તેને ઉતરાવી શકાય છે. જે વ્યક્તિને વ્યવસાયમાં ઝીણું કામ કરવાનું રહેતું હોય જેમ કે ઓપરેશન કરવું, ડ્રાઇવિંગ કરવું, દાગીનાનું ઘડતર વગેરે જેવાં કામ કરવાનાં હોય ત્યારે ધૂંધળી દૃષ્ટિ ચાલતી નથી. આવા કેસમાં દર્દીએ ડોક્ટરની સલાહ મુજબ મોતિયો ઉતરાવી લેવો જોઈએ.
ઓપ્થેલ્મોલોજિસ્ટ કહે છે કે મોતિયો ઉતરાવવાની ઘણી પદ્ધતિ પ્રચલિત છે. જેમાં નાનો કાપો મૂકીને કરવામાં આવતું ટાંકા વગરનું ઓપરેશન ફેકો સર્જરી તરીકે આળખાય છે. તો મોતિયાનું ઓપરેશન લેસર વડે પણ થઈ શકે છે. આ આધુનિક સર્જરી હવે લગભગ દરેક જગ્યાએ કરવામાં આવે છે.
એ ક્યારેય ન ભૂલો કે મોતિયાને કોઈ પણ પ્રકારની દવા, ટીપાં કે કસરત દ્વારા દૂર કરી શકાતો નથી. દૃષ્ટિ પાછી લાવવા માટે ઓપરેશન જ કરાવવું પડે છે. હવે આધુનિક પદ્ધતિ દ્વારા મોતિયાનું ઓપરેશન સાવ સરળ રીતે થાય છે. તેથી મોતિયોની સમસ્યાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. જો સમયસર મોતિયાનું ઓપરેશન કરાવવામાં ન આવે તો દૃષ્ટિ હંમેશ માટે ગુમાવવાનો વારો આવી શકે છે.
મોતિયો થવાનાં કારણો
• વધતી ઉંમર • આંખમાં ઇજા • અમુક દવાઓનું સેવન • અલ્ટ્રાવાયોલેટ કિરણો (જેમ કે, વેલ્ડિંગના તણખા અને પ્રકાશ) સામે ખુલ્લી આંખે જોવું • ધૂમ્રપાનનું વધુ પડતું સેવન • ડાયાબિટીસનું વધુ પ્રમાણ
મોતિયાનાં લક્ષણો
• ધૂંધળું દેખાવું • દૃષ્ટિ નબળી પડવી • રાત્રે વાંચવામાં તકલીફ થવી • રંગોને સ્પષ્ટ રીતે ઓળખવામાં મુશ્કેલી • સૂર્યપ્રકાશમાં જોવામાં તકલીફ થવી • ચશ્માના નંબર સતત બદલાતા રહેવા • તેજ હેડ લાઇટમાં વાહન ચલાવવામાં મુશ્કેલી પડવી