સ્વાસ્થ્ય બાબતે લોકો પહેલાં કરતાં ઘણા વધારે જાગૃત જોવા મળે છે, પરંતુ આજે પણ જ્યારે ડોક્ટર્સ ટેસ્ટ કરાવવા માટેની સલાહ આપે ત્યારે ટેસ્ટનું લાંબુંલચક લિસ્ટ જોઈને ઘણા લોકો કહે છે કે આ તો પૈસા પડાવવાના ધંધા છે... આટલા ટેસ્ટની જરૂર શું છે? ડોક્ટર તો કહ્યા કરે ટેસ્ટ કરાવવાનું... આમાં પણ જો અનિચ્છાએ ટેસ્ટ કરાવ્યો હોય અને રિપોર્ટ નોર્મલ આવે તો રિપોર્ટ નોર્મલ હોવાની ખુશી કરતાં પૈસા વેડફાઇ ગયાનું દુ:ખ ઘણા લોકોને વધારે હોય છે. સરવાળે બધો દોષ ડોક્ટરના માથે જાય છે.
જોકે હકીકત તો એ છે કે વ્યક્તિ ઉપરથી હેલ્ધી દેખાતી હોય એટલે અંદરથી પણ હેલ્ધી જ હોય એવું જરૂરી નથી. આથી જ રેગ્યુલર હેલ્થ ચેક-અપ ખૂબ જ જરૂરી છે. ધીમે-ધીમે હેલ્થ ચેક-અપ એક ટ્રેન્ડ બનતો જાય છે જે એક રીતે અત્યંત આવશ્કય જરૂરી બાબત છે, પરંતુ એમાં શું જરૂરી છે અને શા માટે જરૂરી છે એ જાણકારી આપવા અહીં પ્રયાસ કર્યો છે.
છૂપી બીમારીઓ
ઘણા લોકો રેગ્યુલર હેલ્થ ચેક-અપને નકામું માને છે. એ કઈ રીતે કામનું છે એ સમજાવતાં ડોક્ટર્સ કહે છે કે મોટા ભાગના રોગો - પછી એ સામાન્ય એનીમિયા હોય કે લિવર-કિડની ડિસીઝ - શરૂઆતમાં પકડાતા નથી; કારણ કે મોટા ભાગના રોગનાં શરૂઆતી લક્ષણ કાં તો હોતાં નથી અને હોય તો તે ઓળખી શકાતાં નથી. આ રોગોને જો શરૂઆતમાં જ પકડી લેવાય તો એનો ઇલાજ ખૂબ સરળ હોય છે. નહીંતર આગળ જતાં અત્યંત મુશ્કેલી થઈ પડે છે. રોગ વધુ ફેલાઈ જાય છે અને ઘણા રોગ તો નાઇલાજ પણ થઈ જતા હોય છે. રેગ્યુલર ચેક-અપમાં જે નોર્મલ લક્ષણો પણ સામે આવે છે એના દ્વારા ઘણી છૂપી બીમારીઓને ઓળખવામાં મદદ મળે છે.
બીમારી પહેલાંનું સ્ટેજ
ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર અને કોલેસ્ટરોલ - આ ત્રણેય પ્રોબ્લેમ્સ એવા છે જે આજે અત્યંત કોમન બની ગયા છે. ઘર-ઘરમાં આ રોગના દરદીઓ હાજર છે. વળી આ કોઈ સામાન્ય રોગ નથી. શરીરના દરેક અંગને અસર કરતા આ રોગો વ્યક્તિના શરીરને અત્યંત નુકસાન પહોંચાડી શકે છે. જો આ પ્રકારના વંશાનુગત રોગોને એ થાય એ પહેલાં જ ઓળખી લેવાય તો ઘણો ફાયદો થઈ શકે છે. એ વિશે સમજાવતાં ડોક્ટર્સ કહે છે કે ડાયાબિટીસની જ વાત કરીએ તો ડાયાબિટીસ થાય એ પહેલાં એક પ્રિ-ડાયાબેટિક સ્ટેજ આવે છે. જો એ સ્ટેજ પકડી શકાય તો વ્યક્તિને ડાયાબિટીસ થતો અટકાવી શકાય છે. આવું જ બ્લડ-પ્રેશરનું છે. એક-બે વખત પ્રેશરનો પ્રોબ્લેમ આવે ત્યારે જ જો લાઇફ-સ્ટાઇલનો ફેરફાર કરી જરૂરી ઇલાજ કરીએ તો નાની ઉંમરે બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ થતો અટકાવી શકાય છે. આ તો જ શક્ય છે જો વ્યક્તિ રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતી હોય, કારણ કે જો એ ન કરાવતી હોય તો એ બીમારી પહેલાંનું સ્ટેજ પકડી શકાય જ નહીં. આવું જ કેન્સર માટે કહી શકાય.
કોના માટે જરૂરી?
મેડિકલ રેગ્યુલર હેલ્થ ચેક-અપ આદર્શ રીતે ૩૫ વર્ષ સુધી દર પાંચ વર્ષે કરાવવું જરૂરી છે. ૩૫ વર્ષની ઉંમર પછી દર ૩ વર્ષે અને ૪૫ વર્ષ પછી દર વર્ષે એક વાર રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવવું જરૂરી છે. એ સલાહ આપતાં તબીબી નિષ્ણાતો કહે છે કે મોટા ભાગે જે વ્યક્તિએ ક્યારેય આખા શરીરનું ચેક-અપ કરાવ્યું ન હોય અને જો વ્યક્તિ ૩૫ વર્ષની થઈ ગઈ હોય તો તેણે પહેલી વારમાં બેઝિક સ્ક્રીનિંગ તો કરાવવું જ જોઈએ. કમ્પ્લીટ બ્લડ-કાઉન્ટ, શુગર, કોલેસ્ટરોલ, લિવર, કિડની, છાતીનો એક્સ-રે, ઇલેક્ટ્રો-કાર્ડિઓગ્રામ, યુરિન અને સ્ટૂલ ટેસ્ટ જેવા મૂળભૂત ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લડ-પ્રેશર ચેક કરાવવું પણ ખૂબ જ જરૂરી છે. અને આ રિપોર્ટ કરાવવા જેટલા મહત્વના છે એટલા જ એ રિપોર્ટ ડોક્ટરને બતાવવા પણ જરૂરી છે. ઘણા લોકો રિપોર્ટ કરાવે છે, પણ એ ડોક્ટરને બતાવતા નથી. રિપોર્ટ નોર્મલ હોય તો પણ એક વખત ડોક્ટરને બતાવવાનું ચૂકવું ન જોઈએ.
રિપોર્ટ સાચવવા જરૂરી
ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ રિપોર્ટ કરાવે છે એમાં ક્યારેક કોઈ ખામી આવે છે તો એની દવા લઈ લે છે અને પછી નિશ્ચિંત બની જઈ એ રિપોર્ટ ખોઈ નાખે છે. આવું કરવું ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણી વખત જૂના રિપોર્ટ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. એના દ્વારા દરદીની હિસ્ટરી સમજી શકાય છે. ઉદાહરણ આપતાં તબીબો કહે છે કે કોઈ એક વ્યક્તિનું હિમોગ્લોબિન એક રિપોર્ટમાં ઓછું આવે તો ડોક્ટર તેને આયર્નની ગોળીઓ લખી આપે છે. પરંતુ જો તેના ૪-૫ રિપોર્ટમાં સતત હિમોગ્લોબિન ઓછું જ હોય તો તેની આગળની ટેસ્ટ કરાવીએ. આ સમયે એવું બની શકે કે એ વ્યક્તિને થેલેસેમિયા માઇનરનો પ્રોબ્લેમ હોય અને જો એવું હોય તો તેનાં લગ્ન થેલેસેમિયા માઇનર ધરાવતી વ્યક્તિ સાથે ન થાય એવી સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે જો એવું થાય તો તેમના બાળક સાથે ઘણાં કોમ્પ્લીકેશન આવી શકે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે એ વ્યક્તિ તેના જૂના રિપોર્ટ સાચવી રાખે.
રોગથી બચવા ડોક્ટર પાસે જાઓ
કોઈ પણ પ્રકારના બ્લડ ટેસ્ટ, એક્સ-રે કે બીજા ટેસ્ટ કરાવવાનો અભિગમ લોકોમાં ધીમે ધીમે કેળવાતો જાય છે; પરંતુ એ ફક્ત ટેસ્ટ છે, એને રેગ્યુલર હેલ્થ ચેક-અપ ન કહેવાય. લોકો જ્યારે બીમાર પડે છે ત્યારે જ ડોક્ટર પાસે જાય છે. ક્યારેય કોઈ વ્યક્તિ એવી નથી હોતી જે ડોક્ટર પાસે રેગ્યુલર હેલ્થ ચેક-અપ માટે જાય, કારણ કે ઘણા રોગો એવા હોય છે જે દરદીને જોઈને કે તપાસીને ખ્યાલ આવે છે. ખાસ કરીને જેમના પરિવારમાં અમુક બીમારીઓ છે જ એ લોકોએ સ્પેશ્યલી પોતાને આ વંશાનુગત રોગ ન આવે એ માટેના બચાવ માટે ડોક્ટરને મળવું ખૂબ જરૂરી છે. આ માટે ફેમિલી-ડોક્ટર હોય તો એનાથી બેસ્ટ કંઈ નથી, કારણ કે તેમને તમારી ફેમિલી-હિસ્ટરી ખબર હોય છે. તેમના સજેશન મુજબ કઈ બ્લડ ટેસ્ટ કે બીજો કોઈ ટેસ્ટ તમારા માટે જરૂરી છે એ તમે જાણી શકો છો. ડોક્ટર સજેસ્ટ કરે એ જ ટેસ્ટ કરાવો અને એ ટેસ્ટ કરાવ્યા પછી તેમને એ રિપોર્ટ બતાવવો પણ એટલું જ જરૂરી છે.