લંડનઃ સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ સેશનને આપે છે. તેમનું કહેવું છે કે બે બાળકોનાં જન્મ પછી પોતાને ફરી શેપમાં લાવવા માટે તેણે ૧૯૬૦ની આસપાસ યોગા ક્લાસીસ જોઈન કર્યાં હતાં. એ સમયે તેમણે લગભગ ૬૦ વર્ષનાં પોતાના યોગાટીચરને જોઈને પોતાની જાતને પણ એવી જ ફિટ બનાવવાનું મન બનાવી લીધું હતું. અગાઉ એરહોસ્ટેસ અને નર્સ તરીકે પણ સેવા આપી ચૂકેલાં બાર્બરા હવે મોર્નિંગ ટીવી યોગ ઇન્સ્ટ્રક્ટર છે અને યુટ્યુબ પર તેના યોગના વીડિયોના ૨૦,૦૦૦ કરતાં વધુ ફોલોઅર્સ છે. નિયમિત યોગાભ્યાસને લીધે જ તેઓ શારીરિક બીમારીઓથી દૂર છે. તન અને મનને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ છે એમ જણાવતાં બાર્બરા વધુમાં ઉમેરે છે કે મારાં સંતાનો આજે ૫૦ની વયે પહોંચ્યાં છે, પરંતુ તેઓ નિયમિત યોગાભ્યાસ કરે છે. દરેક વ્યક્તિ જીમ કે સ્પામાં જવાનો ખર્ચ કરી શકે એમ નથી હોતો, પણ ઓનલાઇન માર્ગદર્શનથી મૂળભૂત આસનો શીખીને યોગ તો દરેક વ્યક્તિ કરી શકે છે.