હળદરવાળું દૂધઃ ક્યારે પીશો અને ક્યારે નહીં?

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 19th November 2016 07:05 EST
 
 

પડવા-આખડવાથી મૂઢ માર વાગ્યો હોય કે છોલાયું હોય ત્યારે આપણા દાદા-દાદી કહેતાં કે રાતે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પી લે, ચાર-પાંચ દિવસમાં સારું થઈ જશે. વાત સાચી છે. હળદરવાળું દૂધ પીવાથી ઘા પાકતો નથી અને ઝડપથી રુઝાય છે. હાડકું પણ જલદી સંધાય છે. જોકે દૂધ અને હળદરનો સ્વાદ બહુ લોકોને જીભપ્રિય નથી હોતો એટલે નિયમિત એ પીવાતું નથી. જોકે દવા તરીકે એના ઘણા ગુણો આજેય ઘરે-ઘરે પ્રચલિત છે.

દૂધ અને હળદર કોમ્બિનેશન તો બેસ્ટ છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક પ્રયોગો અતિ ઉત્તમ છે જે આજની મોડર્ન મેડિસિનની મોંઘીદાટ દવાઓ પણ ન કરી શકે એવા છે, જ્યારે કેટલાક રોગોમાં એનો વિપરીત ઉપયોગ થાય છે.

હળદર અને દૂધના ગુણ

સૌથી પહેલાં હળદર અને દૂધના મુખ્ય ગુણો સમજીએ. દૂધ કફકારક છે, મતલબ કે કફ પેદા કરે છે, જ્યારે હળદરનું કામ છે કફનો નાશ કરવાનું અને કફ સૂકવવાનું. હળદરમાં એન્ટિ-બાયોટિક, એન્ટિ-વાઇરલ, એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી છે એટલે ઇન્ફેકશનવાળા ઘણા રોગો પ્રિવેન્ટ કરવામાં એ ખૂબ મદદરૂપ છે. હળદર હાનિકારક સૂક્ષ્મ જીવો અને ઝેરી પર્યાવરણીય તત્ત્વોથી શરીરને બચાવવામાં મદદરૂપ છે. દૂધ પચવામાં ભારે છે અને વેજિટેરિયન્સ માટે કેલ્શિયમ તેમજ પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે.

કેવા રોગોમાં પી શકાય?

શ્વસનતંત્રની તકલીફોમાંઃ હળદર કફનો નાશ કરે છે અને ગળામાં ભરાયેલા કફને ખોતરીને કાઢે છે. સૂકી ખાંસી થઈ હોય ત્યારે હળદર અને દૂધ બેસ્ટ છે. કફ પેદા થયા જ કરતો હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર અને ચપટીક નમક નાખીને લેવાથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનસ અને ફેફસાંમાં કફ ભરાવાની તકલીફોમાં હળદરવાળું દૂધ પી શકાય.

સોજો અને દુઃખાવોઃ શરીરમાં બાહ્ય કે આંતરિક સોજો હોય ત્યારે એમાં હળદરવાળું દૂધ બેસ્ટ છે. રૂમેટોઇડ આર્થ્રાઇટિસમાં સાંધામાં સોજો અને દુખાવો હોય છે. પેટમાં અલ્સર્સ થયાં હોય તો એની હીલિંગ પ્રોસેસ પણ ઝડપી બનાવે છે. માથું દુખતું હોય કે શરીરમાં કળતર હોય તો એ પણ દૂધવાળા હળદરના નિયમિત સેવનથી દૂર થાય છે. એમાં દૂધ કરતાં હળદર વધુ કામ કરે છે. દૂધને બદલે પાણીમાં પણ હળદર લેવામાં આવે તોય ચાલે.

બોન ડેન્સિટીઃ હાડકાં પોલાં પડવાને કારણે ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ થાય ત્યારે પણ હળદરવાળું દૂધ ઉત્તમ છે. જોકે એમાં હળદરના ગુણો નહીં, દૂધના બળવર્ધક ગુણો વધુ કામ કરે છે.

લોહીનું શુદ્ધિકરણઃ હળદર બેસ્ટ બ્લડ-પ્યોરિફાયર છે. હળદરથી શરીરમાં લોહીનું ભ્રમણ પણ સુધરે છે. એ લિમ્ફગ્રંથિઓમાં વહેતા ફ્લુઇડ તેમજ રક્તવાહિનીઓની અંદરની અશુદ્ધતાઓને દૂર કરીને લોહી તેમજ લિમ્ફ-સિસ્ટમને સુધારવામાં મદદરૂપ છે. હળદરવાળું દૂધ નિયમિત પીવાથી એ ફાયદો થાય છે. એને કારણે ત્વચાનો વર્ણ સુધરે છે.

લિવર ડીટોક્સિફાયરઃ શરીરમાં દાખલ થતાં તમામ કેમિકલ્સને બ્રેકડાઉન કરવાનું કામ લિવર કરે છે અને એટલે એમાં નકામાં અને હાનિકારક દ્રવ્યોની જમાવટ થાય છે. હળદરથી લિમ્ફ-સિસ્ટમ સુધરવાની સાથે લિવરનું ક્લેન્ઝિંગ પણ થાય છે.

માસિકના ક્રેમ્પ્સઃ કેટલીક મહિલાઓને માસિક દરમિયાન પેઢુમાં ખૂબ જ ક્રેમ્પ્સ આવે છે અને પેટમાં ગરબડ થઈ હોય એવું લાગે છે. હળદરવાળું દૂધ એન્ટિ-સ્પાઝમોડિક વર્ક કરે છે. એનાથી ક્રેમ્પ્સ ઘટે છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ ડિલિવરી પહેલાંના ગાળામાં સરળતાથી ડિલિવરી થાય એ માટે તેમજ ડિલિવરી પછી ઝડપથી રિકવરી થાય એમાં પણ એ મદદરૂપ છે.

શામાં ઉપયોગી ન થાય?

ઘણા લોકો માને છે કે હળદરવાળું દૂધ વેઇટલોસ કરવામાં મદદરૂપ થશે જે સાચું નથી. એના ઉપરાંત ડાયટિંગમાં કાળજી સિવાય માત્ર આ જ દવાથી વજન ઊતરે એવું શક્ય નથી.

કેટલાક લોકો ત્વચાના રોગોમાં આનો ઉપયોગ કરે છે એ પણ ઠીક નથી. ખરજવું કે ત્વચાના અન્ય કોઈ પણ રોગોમાં દૂધ વર્જ્ય ગણાય છે. હળદરથી ફાયદો થઈ શકે છે, પણ એ પાણીમાં જ લેવી જોઈએ. દૂધ સાથે લેવાથી રોગ વકરી શકે.

કેન્સરમાં પણ હળદરથી ફાયદો થાય છે, પણ એમાંય દૂધ લેવાનું ઠીક નથી. હળદરની એન્ટિ-ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝનો ફાયદો કેન્સરમાં લેવો હોય તો લીલી-કાચી હળદર જ લેવી જોઈએ.

હળદરવાળું દૂધ કઇ રીતે બનાવવું જોઇએ?

સામાન્ય રીતે લોકો દૂધ ગરમ કરીને એમાં એક ચમચી હળદર નાખી દે છે. જોકે આ બધા ફાયદા ત્યારે જ વધુ થાય છે જ્યારે દૂધમાં લીલી-કાચી હળદર નાખવામાં આવે. સૂકવીને ખાંડેલી હળદરમાંથી એન્ટિ-ઓક્સિડન્ટ્સ તત્ત્વોનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. જો લીલી હળદર વાપરવી હોય તો પા ગ્લાસ પાણી લેવું. એમાં એક વેઢા જેટલી હળદરનો ગાંગડો વાટીને ઉકાળવો. બરાબર ઉકળી જાય એ પછી પોણો ગ્લાસ દૂધ ઉમેરવું. ઠરે એટલે દૂધ પી લેવું અને હળદરનો કૂચો ચાવી જવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter