આજથી એકાદ દસકા પહેલાની વાત કરીએ તો કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવતો ત્યારે તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ અપાતી હતી. તબિયત એક વખત સ્થિર થઈ ગયા બાદ તે વ્યક્તિની એન્જિયોગ્રાફી થતી અને એ પછી નિર્ણય લેવાતો કે તેમને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે કે બાયપાસ સર્જરીની. ટૂંકમાં તે સમય એવો હતો જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી હાર્ટ એટેક આવ્યા પછી કરાતી હતી. હવે સમય બદલાયો છે તે સાથે હૃદયની સારવાર માટેનો અભિગમ પણ બદલાયો છે. આજે એવું બને છે કે જ્યારે અમુક ચિહનો દ્વારા કે રેગ્યુલર ચેકઅપમાં ખબર પડે છે કે વ્યક્તિના શરીરની હાર્ટ વેઇનમાં બ્લોકેજ વધુ પ્રમાણમાં છે ત્યારે ડોક્ટર્સ તેમને તાત્કાલિક એન્જિયોગ્રાફીનું સૂચન આપે છે. જો એમાં બ્લોકેજ ૭૦ ટકાથી વધુ જણાય તો દરદીને જરૂરત મુજબ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસનું સૂચન કરાય છે.
પ્રશ્ન એ છે કે દરદીને કંઈ જ થયું નથી, પણ થઈ શકે છે એ ડરે એક સર્જરી કરાવવાનું કે મોંઘી એન્જિયોપ્લાસ્ટી કરવાનું ખરેખર જરૂરી છે? ઘણાને લાગે છે કે ડોક્ટર્સ ખાલી-ખાલી ડરાવ્યા કરે છે તો ઘણા લોકો માને છે કે તેમને કોઈ ચિહનો દેખાતાં નથી તો માત્ર રિપોર્ટ જોઈને ઘાંઘા થવાની જરૂર નથી. તો ઘણા લોકો ઓપરેશનના નામે જ એટલા ગભરાઈ જાય છે કે તેમની સ્થિતિ વધુ નાજુક થઈ જાય છે. આજની તારીખમાં બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી કરાવવી એટલે જંગી ખર્ચો. જો કોઈને એટેક આવે તો આ સર્જરીની જરૂર છે એ વાત લોકોને સમજાય છે, પરંતુ કશું થયું નથી અને મોટો ખર્ચો કરવાનો એ વાત ગળે ઊતરવી થોડી અઘરી છે. આ વિશે વિસ્તારમાં જાણીએ.
જરૂરી ટેસ્ટની સુવિધા
જો હૃદયની કોઈ પણ ધમની ૭૦ ટકાથી વધુ બ્લોક થઈ હોય તો અગાઉથી એન્જિયોપ્લાસ્ટી કરવાનું સૂચન ડોક્ટર્સ આપતા હોય છે. બ્લોકેજ વધુ હોય, કોમ્પ્લીકેશન વધારે હોય તો બાયપાસ કરવાનું કહે છે. પહેલાં હાર્ટ એટેક પછી જ આ બન્ને વસ્તુ કરવામાં આવતી. એ પાછળનું મુખ્ય કારણ જણાવતાં કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે પહેલાં આપણી પાસે આટલા બધી ટેસ્ટ નહોતા જેના થકી જાણી શકાય કે વ્યક્તિને બ્લોકેજ વધુ છે. આ ઉપરાંત આટલી જાગૃતિ નહોતી. આજે લોકો રેગ્યુલર ચેક-અપ કરાવે છે. આપણી પાસે સ્ટ્રેસ-ટેસ્ટ જેવી ટેસ્ટ છે, જે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એની સૂચક છે. એમાં કોઈ તકલીફ નીકળે તો ઇકો-કાર્ડિયોગ્રામ, હાર્ટ માટેની ન્યુક્લિયર સ્કેન ટેસ્ટ અને છેલ્લે શંકા જાગે તો એન્જિયોગ્રાફી. પહેલેથી જ્યારે ખબર પડી જાય કે દુર્ઘટના થશે તો આપણે તકેદારી રાખીએ છીએ એમ જ્યારે પહેલેથી ખબર પડી જાય કે બ્લોકેજ વધુ છે અને કોઈ પણ ઘડીએ એટેક આવે એ પહેલાં જ આપણે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ દ્વારા એનું નિવારણ લાવીએ એ બેસ્ટ છે.
ચિહનો ઓળખવાં જરૂરી
રેગ્યુલર ચેક-અપ સિવાય વ્યક્તિને બ્લોકેજ વધુ માત્રામાં છે એવી ખબર કઈ રીતે પડી શકે? આ પ્રશ્નના જવાબમાં આ પરિસ્થિતિનાં ચિહનો સમજાવતાં હિન્દુજા હેલ્થકેર સર્જિકલના કાર્ડિયોવેસ્ક્યુલર થોરેસિક સર્જન ડો. મહેશ સિંહ કહે છે, ‘આવી વ્યક્તિઓમાં કોઈ ચિહનો જોવા મળે જ એવું જરૂરી નથી, પરંતુ અમુક લોકોમાં જે જોવા મળે છે એ ચિહનો એકદમ એટેક જેવાં જ હોય છે. શ્વાસમાં તકલીફ, ખાસ કરીને ચાલતી વખતે થતી શ્વાસની તકલીફ, છાતીમાં ભાર કે દુઃખાવો, ગભરાટ, દરરોજ એક કિલોમીટર ચાલતા હોય એના બદલે ૩ કિલોમીટર ચાલે ત્યારે શ્વાસ ચડી જાય તો સમજવું કે તપાસની ખાસ જરૂર છે. આ સિવાય આવી વ્યક્તિઓમાં એક ખાસ અને ચોક્કસ કહી શકાય એવું ચિહન છે પોસ્ટપ્રેન્ડિઅલ એન્જાઇના. એટલે કે જમ્યા પછી કે ખોરાક પછી જ્યારે વ્યક્તિ થોડું પણ ચાલે કે ન પણ ચાલે ત્યારે થતો છાતીનો દુખાવો, કારણ કે જમ્યા પછી શરીરમાં બ્લડ-ફ્લો વધી જાય છે અને એ દરમિયાન જો બ્લોકેજ હોય તો હૃદયને તકલીફ પડવાની જ છે એટલે એ ચિહન દેખાય છે. આ ચિહનોને ક્યારેય અવગણવાં નહીં અને તાત્કાલિક ડોક્ટરને મળવું જરૂરી છે.’
શા માટે પહેલાં સર્જરી?
આપણા શરીરમાં લોહીની નળીઓમાં થતું બ્લોકેજ હાર્ટની કામગીરી ખોરવે છે અને એને કારણે હાર્ટ એટેક આવી શકે છે. આ બ્લોકેજ જ્યારે ૧૦-૨૦ ટકા જેવું હોય ત્યારે આપણને ખબર પણ પડતી નથી કે આપણને કોઈ તકલીફ છે, પરંતુ જેમ-જેમ એની માત્રા વધતી જાય છે એમ શરીર પર થોડી-થોડી અસર વર્તાઈ શકે છે. જોકે એવું પણ બને કે કોઈ અસર કે ચિહનો વગર જ બ્લોકેજ વધતું જાય અને એકદમ જ હાર્ટ એટેક આવે. હાર્ટ એટેક આવે અને એના પછી જ્યારે આપણે સર્જરી કરાવીએ છીએ એ શું છે એ સમજવું જરૂરી છે.
જ્યારે એટેક આવે છે ત્યારે વ્યક્તિનું હાર્ટ ડેમેજ થાય છે. એક વાર હાર્ટ ડેમેજ થયા પછી જ્યારે સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે તો વ્યક્તિને ભવિષ્યમાં એટેક આવવાની શક્યતાને ટાળી શકાય છે, પરંતુ જે એટેક આવ્યો અને એને કારણે જે હાર્ટનું ડેમેજ થયું એને પાછું સુધારી શકાતું નથી. એ ડેમેજને પહોંચી વળવાની કોશિશ આ સર્જરી દ્વારા કરવામાં આવે છે. જોકે તેનાતી ૧૦૦ ટકા કાર્યક્ષમતા પાછી નથી અપાવી શકાતી. એટેક આવ્યા પહેલાં જ જે બ્લોકેજ છે એને દૂર કરાવી લેવાથી અથવા બાયપાસ કરાવી લેવાથી હાર્ટની કાર્યક્ષમતા પહેલાં જેવી જ મેળવી શકાય છે, કારણ કે એટેક આવ્યો નથી અને હાર્ટ ડેમેજ થયું નથી. આમ એટેકથી બચવા પણ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કામ લાગી શકે છે.
ઘણા લોકો આ ખર્ચાળ સર્જરી કરાવતાં પહેલાં લાંબો વિચાર કરતા હોય છે. હકીકત એ છે કે એટેક પછી કે પહેલાં બન્ને સમયે સર્જરીનો ચાર્જ સરખો જ રહેતો હોય છે. એટેક પહેલાં સર્જરી કરાવીએ તો આપણે ઓરિજિનલ હૃદયને જેવું છે એવું રાખવામાં સફળ થઈએ છીએ. ઘણા લોકો એવું પણ સમજતા હોય છે કે બ્લોકેજ ૮૦ કે ૯૦ ટકા છે તો હમણાં નથી કરાવવું, પછી કરાવીશું. જોકે ડો. મહેશ સિંહ કહે છે, ‘બ્લોકેજ એક રાતમાં નથી વધી જવાનું, એવું લોકો માને છે; પરંતુ હકીકત એ છે કે જે દરદીઓને બ્લડ-પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, ઓબેસિટી જેવી તકલીફો છે; ઉંમર પંચાવન વર્ષથી નીચે છે; જેમની બીમારીનો નેચર એગ્રેસિવ છે તેમને મહિનાઓની અંદર બ્લોકેજ વધી શકે છે. એટલે ગફલતમાં રહેવું પોસાય નહીં. આવા લોકોએ બ્લોકેજ વધારે હોય તો પહેલાં જ બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી લેવી જેથી તે એક સ્વસ્થ જીવન જીવી શકે.’