નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે. ઇરાકના ‘સૌથી મેદસ્વી માણસ’ તરીકે જાણીતા બનેલા અલી સદ્દામની ગયા મહિને સર્જરી કરાઇ હતી અને હવે તે વતન ફર્યો છે. વર્ષો સુધી અલીને હેવી કેલરીયુક્ત ખોરાક ખાવાની ટેવ પડી ગઇ હતી. તે નિયમિત ભોજનમાં સવારના નાસ્તામાં ૨૪ ઇંડા, બપોરના ભોજનમાં બે ચિકન, ૧૨ રોટલી અને રાત્રે તો આખી બકરી એ પેટમાં પધરાવી દેતો હતો. ઉપરાંત રાત્રે બે લિટર દુધ અને ૧૫ ખબુસ (સપાટ રોટલીઓ) તો ખરી જ.
અલીના વજનમાં છેલ્લા ચાર વર્ષોમાં તીવ્ર વધારો નોંધાયો હતો અને પછી એની શારીરીક સમસ્યાઓ પણ શરૂ થઇ હતી, જેમાં અનિયંત્રિત ડાયાબિટીસનો પણ સમાવેશ થાય છે.
તેના પર સર્જરી કરનાર ડો. ગોયલ કહે છે, ‘સૌપહેલાં તો અમને એનું એબ્ડોમીન શોધવામાં ખૂબ તકલીફ પડી હતી, કારણ કે એના શરીરમાં પેટની આસપાસ એક ફુટ કરતાં પણ વધુ ચરબીના થર જામી ગયા હતા. એના શરીરના તમામ અંગો ચરબીમાં ઢંકાઇ ગયા હતા.' તેમણે એમ પણ કહ્યું હતું કે એનું બ્લડપ્રેશર અને હ્યદયની ગતિને નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયું હતું. વહીવટી તંત્રને અલી માટે ખાસ પથારીની વ્યવસ્થા કરવી પડી હતી.