જોગીએ આંખો બંધ કરી. બંધ પાંપણોના પ્રદેશમાં કમનીય કામણની કાયા ઉપસી આવી. કામણ હતી જ એવી. કામણગારી. જોગી પર કામણે કામણ કરેલું. પહેલી વાર જોઈ ત્યારે જ. પ્રથમ નજરમાં જ કોઈએ કામણટૂમણ કર્યું હોય એવી જોગીની દશા થઈ ગયેલી. જેમ જેમ એને નિહાળતો ગયો તેમ તેમ શીશામાં ભરેલા જૂના આસવની જેમ કામણનો કેફ વધુ ને વધુ ચડતો ગયો. દિલથી દિમાગ સુધી. નશીલા દ્રવ્યનું સેવન કર્યા વિના જ જોગી હોશહવાશ ગુમાવી બેઠો. ઈશ્વરે રચેલી અનુપમ કલાકૃતિ હતી કામણ. બેનમૂન બ્રહ્માંડસુંદરી. અપ્રતિમ રૂપસૌંદર્યની સમ્રાજ્ઞી.
કામણનું કામણ એનાં અંગ અંગમાંથી નીતરતું હતું! સ્વર્ગલોકની અપ્સરા રંભા કન્યાનો દેહ ધરે તો કામણરૂપે જ અવતરે. સુરેખ ને સુડોળ શિલ્પ સમી. કામણનાં વિશાળ કમળપંખુડી જેવાં ચંચળ નયનોમાં મદિરાનો નશો હતો. મહુડાની પહેલી ધાર જેવો. સુરાહી જેવી ગરદન. ગુલાબની પાંખડી જેવા કોમળ હોઠ. અમૃતરસના બે પ્રવેશ દ્વાર. મુલાયમ માખણ જેવી સુંવાળી ત્વચા. ધનુષ્ય આકારની ભ્રમર. ઘાટીલું નાક. કાળો ભમ્મર કેશકલાપ. પાતળી કેડ. પિત્તળ સરખી પીંડિયું. હિંગોળ સરખા હાથ. આરસના બીબા જેવી. સંગેમરમરમાંથી કંડારેલી કોમલાંગી. રૂપાની રણકતી ટોકરી જેવો સુમધુર સ્વર. મોગરાની કળી જેવી. પારિજાતના પુષ્પ જેવી. ગુલાબની સુગંધ જેવી. એક ફૂલ સાથે તુલના કરી ન જ શકાય, ફૂલથી મઘમઘતા મહેકતા બગીચા જેવી હતી કામણ.
જોગી વિચારી રહ્યો. કામણ ફૂલ જેવી કોમળ હતી, તો પોતે ફૂલ ફરતે ચકરાવો લેતો ભ્રમર હતો. કાળો ભમરો. રસ ચૂસતો ને ડંખતો. જોગીએ કુટિલ હાસ્ય કર્યું. એ કાંઈ પૂજારી નહોતો. કામણ એની પૂજાનું ફૂલ કે પ્રાર્થનાનું પુષ્પ નહોતી. પોતે કામણ નામના ફૂલને સૂંઘીને, ચૂસીને, મસળીને ને ડંખીને ફેંકી દેશે. જોગીના મોંમાંથી લાળ ટપકવા માંડી. એ જોગી નહીં, ભોગી હતો. નાયક નહીં, ખલનાયક હતો. અત્યાર સુધીમાં કેટલાયે ફૂલ રગદોળી ચૂકેલો. શિકાર કરવાની એક જ કાર્યશૈલીથી અનેક ભોળી મૃગલીઓને જાળમાં ફસાવેલી. ફરી એક વાર એ જ ચાલ ચાલીને કામણનું કરી નાખવું છે!
જોગીએ જાળ બિછાવતાં પહેલાં પોતાની કાર્યપદ્ધતિને મનોમન ચકાસી લીધી. ક્યાંય કોઈ કચાશ ન રહી જવી જોઈએ. જોગી પોતે સોહામણો, રૂપકડો ને દેખાવડો હતો એટલે કન્યા પર એ કામણ કરી શકતો. એનો દેખાવ એનું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ હતું. કોઈ ફિલ્મ અભિનેતાને પણ ટક્કર મારે એવા વ્યક્તિત્વને કારણે તો એ કન્યાની બાબતે બ્લાઇન્ડ બાજી રમી શકતો. એની પોણા છ ફૂટની ઊંચાઈ, શ્યામ ચમકતો વર્ણ, વાંકડિયા ઘટાદાર વાળ, ચહેરા પર રમતું રહેતું રમતિયાળ સ્મિત, મોહક ચાલ, દિલફેંક અદા, મારકણી છટા ને તીરછી આંખોનાં તીરથી કન્યાને ઘાયલ થયે જ છૂટકો. અડધી બાજી તો એ પોતાના દેખાવથી જ જીતી જતો.
બાકીની અડધી બાજી જીતવા માટેના મૂળમાં એક પુસ્તક હતું જોગાનુજોગ. કોઈ પણ કન્યાને હૈયાથી શૈયા સુધી લઈ જવાનાં સાત પગથિયાં એમાં વર્ણવેલાં. પુસ્તક એકદમ ઓછા જાણીતા લેખકનું હતું. કોઈએ એનું નામ પણ નહીં સાંભળ્યું હોય, વાંચવાની વાત તો બહુ દૂરની છે! જોગીને ગુજરી જેવી કોઈ જગાએથી જોગાનુજોગ જ એ પુસ્તક જીર્ણશીર્ણ અવસ્થામાં મળી આવેલું. કોઈ સસ્પેન્સ સ્ટોરી સમજીને એ પુસ્તક ખરીદી લાવેલો. પણ વાંચ્યા પછી ખબર પડી કે એ તો ચીંથરે વીંટેલું રત્ન હતું!
જોગાનુજોગમાં લેખકે કહેલું કે બધું જો ઈશ્વર કરશે તો તમે શું કરશો. ઈશ્વરને એનું કામ કરવા દો. તમે પુરુષાર્થ કરો. તમે જ જોગાનુજોગ સર્જો અને પછી જુઓ પરિણામ. પહેલાં અણધાર્યો પ્રસંગ ઊભો કરો. પછી ધારેલી પ્રતિક્રિયા આપો. જોગાનુજોગની હારમાળા સર્જીને માસૂમ કન્યાનો શિકાર કઈ રીતે કરવો અને હૈયાથી શૈયા સુધીની સફર કઈ રીતે કરવી તેના જોરદાર નુસખાઓ જોગાનુજોગમાં લેખકે આલેખ્યા હતા. જોગીએ આ કીમિયાઓ કેટલા કારગત છે તેની ચકાસણી કરવા ગમ્મત ખાતર જ એ અજમાવી જોવાનું નક્કી કરેલું. પુસ્તકમાં જે કહેલા એ જ ક્રમમાં જોગાનુજોગની પરંપરા સર્જી. અને એના આશ્ચર્ય વચ્ચે જોગાનુજોગ અસરકારક નીવડ્યા. બેલાથી શરૂ કરીને યામા સુધીની કોલેજની બધી ફૂલકન્યાઓ સરળતાથી જોગીની છાબડીમાં ઠલવાઈ ગયેલી. બધી જ બાળાઓ સહેલાઈથી એનો શિકાર બની ગયેલી. પુષ્પનો મીઠોમધુરો રસ ચૂસી લીધા પછી જોગી પળવારમાં એને ફેંકી દેતો. બદનામીની બીકે કોઈ રૂપાંગના કોઈને કશું કહેતી નહીં અને જોગીને ફાવતું જડતું. પારેવાનું મહોરું ચડાવીને શિયાળની જેમ એ નવા શિકારની પાછળ પડી જતો. કૃષ્ણના મુખવટા પાછળનો કંસ હતો જોગી!
હવે કામણનો વારો. નામનું સ્મરણ થતાં જ જોગીની આહ નીકળી ગઈ. આમ તો કામણ કોઈને કોઠું આપે એવી જણાતી નહોતી. ગયા અઠવાડિયે જ કામણે એની સાથે અટકચાળું કરનાર કોકનો ટોટો પીસી નાખેલો એ વાતનું સ્મરણ થતાં જોગીને ભરશિયાળે પરસેવો વળી ગયો. પણ પછી આયનામાં પોતાનો સોહામણો દેખાવ જોઈને હિંમત એકઠી કરવા લાગ્યો. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. પોતે તો જોગી છે જોગી. જોગીનો ડંખ્યો પાણી ય ન માંગે. કામણ ક્યા ચીજ હૈ!
બીજે દિવસે જોગીએ જોગાનુજોગનું પહેલું પગથિયું અમલમાં મૂક્યું. કોલેજ કેમ્પસમાં આવેલા વિશાળ વટવૃક્ષ હેઠળ કામણ સખીવૃંદ સાથે બેઠેલી ત્યારે જોગી ટહેલતો ટહેલતો ત્યાંથી નીકળ્યો અને કામણની નજરે ચડે એ રીતે હાથમાંની પેન નીચે નાખી દઈને, પોતે એ અંગે અજાણ હોય એ રીતે આગળ વધી ગયો. ચાર ડગલાં ચાલ્યો ત્યાં તો પાછળથી કામણનો કોકિલ કંઠ સંભળાયો: “અરે જોગી, એક મિનિટ ઊભો રહે..”
પણ જોગીએ સાંભળ્યું, ન સાંભળ્યું કરીને પોતાની ધૂનમાં હોય એવો ડોળ કરીને આગળ ચાલતો રહ્યો. કામણે ફરી બૂમ પાડી. “અરે જોગી... તારી પેન પડી ગઈ’તી.” જોગી ચમકવાનો આભિનય કરીને એકદમ ઊભો રહી ગયો. કામણે પેન આપી અને જોગી નીચું જોઈને બોલ્યો: “હવે આ પેન ક્યારેય નહીં વાપરું.” “કેમ?” કામણની આંખમાંથી અંગારો ઝર્યોં.
“કેમ કે આ પેનને તારા જેવી ત્રિભુવનસુંદરીનો સ્પર્શ થયો છે! હવે એ મારું જીવનભરનું અણમોલ સંભારણું બની રહેશે. માય લકી પેન...” કહીને જોગી તરત જ ચાલતો થયો. જાણે કાંઈ બન્યું જ નથી! જોકે જોગીને ખબર હતી કે મૃગલીના વીંધાવાની ઘટનાનો આરંભ થઈ ચૂક્યો હતો. શબ્દોને સજ્જનતાનો શણગાર કરીને પ્રશંશા કરવાથી કન્યાને સરળતાથી છેતરી શકાય છે એવો એનો જાત અનુભવ હતો. પોતાની પીઠ તાકતી બે ભોળી માસૂમ મુગ્ધ આંખોને એ અનુભવી રહ્યો. જોગીને ખાતરી થઈ ગઈ કે કામણના હૈયામાં રોપેલું બીજ જોતજોતાંમાં પોતાને શૈયા સુધી
લઈ જશે!
જોગીએ એક અઠવાડિયું જવા દીધું. ઉતાવળે આંબા પાકતા નથી એવું એ જાણતો હતો. એને ઉતાવળ હતી પણ નહીં. અઠંગ ખેલાડી હતો એ. સગડી પર તાવડીમાં બાજરીનો રોટલો ધીમી આંચે શેકાય અને એની સોડમ ધીમે ધીમે ફેલાય એમ કામણ પર પોતાનો જાદુ આહિસ્તા આહિસ્તા પ્રસરે એવી ચાલ એ ચાલેલો.
જોગીએ બીજા અઠવાડિયામાં કામણ ઘરેથી કોલેજ આવવા ક્યારે નીકળે છે એ જાણી લીધું. પછીના ત્રીજે દિવસે કામણના કોલેજ આવવાના રસ્તામાં કેટલીક ખીલીઓ ભભરાવી દીધી. અને મનોમન ગણતરી માંડી કે કામણની ગાડીનું પંક્ચર ક્યાં પડશે. પોતે એ જ જગ્યાએ બાઇક સાથે ઊભો રહ્યો. હોમવર્ક બરાબર કર્યું હોય તો જ ધાર્યું પરિણામ મળે. દાખલાનો સરવાળો પોતાની મરજી મુજબનો આવે એ માટે આટલું તો કરવું જ રહ્યું. કામણની કોંટેસા દૂરથી દેખાઈ એટલે કોઇની સાથે ફોન પર વાત કરતો હોય એમ સેલફોન કાને દઈને વાતે વળ્યો. પણ ત્રાંસી આંખ કોંટેસા પર જ મંડાયેલી. જોગીની ધારણા મુજબ જ, એની ધારેલી જગ્યાએ જ કામણની કોંટેસા કિચુડાટ કરતી ઊભી રહી ગઈ. છતાં જોગી ફોનમાં મશગૂલ જ રહ્યો.જાણે કાંઈ ખબર જ નથી!
‘અરે જોગી....’ કામણે બૂમ પાડી. પછી ગાડીમાંથી નીચે ઊતરીને બોલી: “સારું થયું, તું અહીં મળી ગયો. મારી ગાડીમાં એકાએક પંક્ચર પડ્યું છે. ડ્રાઈવર ટાયર બદલે એટલી વારમાં કોલેજ પહોંચવામાં મોડું થઈ જશે. તું મને બાઇક પર બેસાડીને લઈ જઈશ?”
“પણ કામણ, મેં મારી બાઇક પર આજ સુધી કોઈ છોકરીને બેસાડી નથી. કોઈ તને મારી સાથે જોશે તો કેવું લાગશે? નાહક તારી ને મારી વાતો કરશે.”. જોગી યોગીની અદામાં બોલ્યો.
“તું શેનો ગભરાય છે…ચિંતા તો મને હોવી જોઈએ કે કોઈ મને તારી બાઇક પર જોશે તો શું વિચારશે?”કહીને કામણ કૂદીને બાઇક પર બેસી ગઈ. જોગી મનોમન મુસ્કુરાયો. જે કામણ કોઈને દાદ આપતી નહોતી એ સામે ચાલીને પોતાની પાછળ બાઇક પર બેઠી હતી! કોલેજ પહોંચીને કામણે બાઇક પરથી ઊતરીને આભાર માન્યો ત્યારે જોગી સહેજ અદબથી ગરદન ઝુકાવીને બોલ્યો: “આભાર તો તારો કામણ. તારા જેવી સ્વપ્નસુંદરી મારી બાઇક પર બિરાજમાન થઈ એટલે. હવે આ બાઇક પર મારી પાછળ કોઈને નહીં બેસાડું.”કહીને કામણને બોલવાનો મોકો આપ્યા વિના જોગીએ બાઇક મારી મૂકી.જોગીને ખાતરી થઈ ગઈ કે પોતાના સજ્જનતાના અંચળા અને સભ્ય વર્તનથી કામણ પોતાના પ્રત્યે આકર્ષાઈ છે. એની મોડસ ઓપરેન્ડી મુજબ કામણ પ્રત્યે પોતે આકર્ષાયો હોવાનું ચેષ્ટાઓ દ્વારા વારંવાર જાહેર કર્યું, પણ હાવભાવ અને શબ્દોમાં ક્યાંય છીછરાપણું પ્રવેશવા ન દીધું. પરિણામે હૈયાથી શૈયા સુધીનું અંતર
ઘટતું ગયું.
જોગીએ જોગાનુજોગમાં વર્ણવ્યા પ્રમાણેની યોજનાનું આંધળું અનુકરણ કર્યું. ત્રીજા પગથિયામાં કોલેજમાં રોઝ ડેના દિવસે નજીકથી પસાર થઈ રહેલી કામણને જોઈને હાથમાં રહેલું ગુલાબનું ફૂલ નીચે પડ્યાનો દેખાવ કર્યો. પછી કોમળતાથી એ ગુલાબી ગુલાબનું ફૂલ કામણને આપીને કહ્યું: “આમ તો આ ફૂલ લાલ રંગનું હતું, પણ તારું સૌંદર્ય જોઈને ફિક્કું પડી ગયું. લાલમાંથી ગુલાબી થઈ ગયું.” કહીને કામણને મંત્રમુગ્ધ કરી દઈને ચાલતી પકડી. ચોથા પગથિયામાં કામણના હાથમાંનું પુસ્તક છટકી જાય એવો પ્રપંચ કર્યો. પછી પુસ્તક ઉઠાવીને, કામણને પરત કરતાં જાણે દિલ પર કરવત ચાલતી હોવાનો અભિનય કરીને બોલ્યો: “કાશ! હું પણ પુસ્તક હોત. તારા સુંવાળા હાથના સ્પર્શનું સુખ તો મળ્યું હોત!” પાંચમા પગથિયામાં કામણની સતરંગી ફરફરતી ઓઢણી ઊડી જાય એવી ચાલાકી કરી. પછી એ ઓઢણી કામણને પાછી આપીને ફળફળતો નિ:સાસો નાખ્યો: “તારી ઓઢણીની ઈર્ષ્યા આવે છે. એ તારા દેહને વીંટળાઇ શકે છે. કાશ! હું તારી ઓઢણી હોત!” છઠ્ઠા પગથિયામાં જોગીએ ગોઠવેલા છટકામાં સપડાયેલી કામણને ઠોકર વાગી ને એ ગબડવા લાગી. તરત જ જોગીએ એના સુંવાળા દેહને પોતાના કસાયેલા હાથનો ટેકો આપીને ઝીલી લીધી. અને તરત જ કામણને અળગી કરી દીધી... આ છ સોપાન સર કરી લીધા પછી કામણનાં કાજળઘેરાં નયનોમાં દેખાતી લજ્જા, એના દેહમાંથી ઊઠતી તડપ, વાત કરવાનું બહાનું શોધતી કામણ, ફરફરતા ને કંઇક કહેવા માંગતા ને ન કહી શકતા અર્ધ ખૂલતા ને વળી બિડાઈ જતાં ફરકતા હોઠ….. આ લક્ષણો જોઈને શિકારના અનુભવી જોગીને હૈયાથી શૈયા સુધીનું અંતર હાથવેંતમાં જણાયું.
હવે સાતમું સોપાન સર કરવાનું હતું. સાતમી ચાલ. સાતમો કોઠો. અત્યાર સુધીમાં જોગીએ સજ્જનતાનો સંપૂર્ણ પરિચય કરાવી દીધેલો. કામણ હવે આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે એમ હતી! જોગીએ સાતમું પગથિયું સર કરતાં કામણને પોતાના જન્મદિન નિમિત્તે કોફી પીવાનું નિમંત્રણ આપ્યું. બીજું કોઈ હોત તો કામણે એક થપ્પડ ચોડી દીધી હોત, પણ આ તો જોગી હતો. ખાનદાની અને શાલીનતાનો અવતાર. કામણે તરત જ નિમંત્રણ સ્વીકારી લીધું. વિશ્વાસે વહાણ ડૂબે ને ભરોસાની ભેંસ પાડો જણે, એ બન્ને કહેવત એણે સાંભળી હતી, પણ જોગીના સંદર્ભમાં આ કહેણીઓનો વિચાર પણ થાય એમ નહોતો.
જોગીની ખરેખરી યોજના તો હવે શરૂ થતી હતી. જોગાનુજોગમાં લખેલું કે અંતિમ પગથિયામાં કોફીમાં ઘેનની દવા ભેળવી દેવાની. કન્યા બેહોશ થઈ જાય એટલે તમે મદહોશ બની જાવ. જલસા કરો. મોજથી કરો જે કરવું હોય એ.
ચક્રવ્યૂહનો સાતમો કોઠો વીંધવા જઈ રહેલા અભિમન્યુની અદાથી જોગી મોરપીંછ રંગના ડ્રેસમાં મોરની જેવી જ ખૂબસૂરત દેખાતી કામણને આલીશાન કોફી હાઉસમાં લઈ ગયો. વેઇટર કોફી મેજ પર મૂકી ગયો, એ દરમિયાન જોગીનો સેલફોન રણક્યો. જોગી ચમક્યો. અટાણે વળી કોણ ફોન કરીને હવનમાં હાડકાં નાખે છે? કહીને રોંગ નંબર એમ બબડતાં જોગીએ ફોન મૂકી દીધો. અને યોજના મુજબ હાથના ધીમા હડસેલાથી કામણે મેજ પર મૂકેલા ભરતગૂંથણવાળા રંગરંગી બટવાને હળવો ધક્કો માર્યો. બટવો નીચે પડ્યો. કામણ બટવો લેવા નીચે ઝૂકી, એટલે તરત જ જોગીએ યોજના અમલમાં મૂકી. પડીકીમાંથી ઘેનની દવા કામણની કોફીમાં ઠાલવવા માંડ્યો, ત્યાં તો વાંકી વળેલી કામણ સફાળી બેઠી થઈ ગઈ. કોફીમાં દવા ભેળવતા જોગીનો હાથ પકડી લીધો. ને એની આંખમાં આંખ પરોવીને બોલી:
“જોગી, મને તો ખબર જ છે કે તારા જોગી નામ પાછળનો ચહેરો ભોગીનો છે. તેં મને ફસાવવા માટે રચેલું સાત પગથિયાનું ષડયંત્ર પણ હું જાણું છું. હું માત્ર જોવા માંગતી હતી કે તું કેટલી હદે નીચો ઊતરી શકે છે. તેં જ્યારે તારી પેન નીચે પાડેલી, ત્યારે મેં એ બાબત પ્રત્યે બહુ ધ્યાન નહોતું આપ્યું. કદાચ પેન ખરેખર ભૂલથી જ પડી હશે એમ માની મેંતને બેનિફિટ ઓફ ડાઉટ આપેલો. પછી તેં મારા રસ્તામાં ખીલીઓ નાખી. ગુલાબી ગુલાબનું ફૂલ આપ્યું, ઓઢણી અને પુસ્તકની ગાંડીઘેલી વાતો કરી, મને ઠેસ વાગે ને તું મને ઝાલી લે ...મને ખરેખર તો હસવું આવતું હતું.
મારી મુગ્ધતા, મારું આકર્ષણ, એ તો મારો અભિનય જ હતો. પછી તેં મને કોફી પીવાનું આમંત્રણ આપ્યું ત્યારે મારી રહીસહી શંકા પણ ખાતરીમાં ફેરવાઇ ગઈ કે તું કોઈક ચોક્કસ સ્ક્રિપ્ટને અનુસરી રહ્યો છે... હં...તેં કોફી પી લીધી? સારું થયું! કારણ મારી કોફીમાં તુ જે ઘેનની દવા ભેળવી રહ્યો હતો, એ જ દવા મેં તારી કોફીમાં ભેળવી દીધી છે! ક્યારે એમ? તારો પેલો રોંગ નંબર આવેલોને ત્યારે...હા.. એ ફોન મેં જ કરાવેલો. બેપાંચ સેકન્ડ સુધી તારું ધ્યાન બીજે દોરવાય એ માટે. તારી કોફીમાં ઘેનની દવા ભેળવવા એટલો સમય પૂરતો હતો. હવે પડ્યો રહેજે ચાર કલાક સુધી.. આમ ડોળા ફાડીને શું જુએ છે? મને તારી યોજનાની કેવી રીતે ખબર પડી એમ! તો સાંભળ... જોગાનુજોગ મેં પણ વાંચી છે!”
જોગીની આંખે અંધારાં આવી ગયાં. એ ચક્કર ખાઈને ફસડાઈ પડ્યો: “આ તે કેવો જોગાનુજોગ!”