નાનકડા કસબા જેવું નિઝામપુર ગામ. વર્ષોથી ગામના તમામ કોમના લોકો હળીમળીને પ્રેમ અને ભાઈચારાથી રહેતા એમાંય શેખ સલીમુદ્દીન માટે તો નાના-મોટા સૌ કોઈને ખૂબ આદર. ગામમાં સપ્તાહ બેસાડવાની હોય તો પંડિત હરપ્રસાદ સૌથી પહેલાં શેખસાહેબની હવેલીએ પહોંચતા.
‘આ ચૈત્ર મહિનામાં સપ્તાહ બેસાડવાનું વિચાર્યું છે શેખસાહેબ. દર વખતની જેમ તમારે ફાળાથી જ શરૂઆત કરવાની છે. તમે જે કંઈ રકમ આપો એ એટલી શુભ ભાવનાથી આપો છો કે, અમારું કાર્ય સફળ જ થાય.’
‘આપણા બધાની મંઝિલ તો એક જ છે, પંડિતજી... રસ્તા ભલે ને જુદા જુદા હોય! તમે ભગવાનની આંગળી પકડીને ત્યાં સુધી પહોંચો તો અમે અલ્લાહનાં નામનું રટણ કરતાં પહોંચીએ. વાત તો સરખી જ છે ને!’ અને શેખસાહેબ ઉદારતાથી ફાળો નોંધાવતા.
કિશન પાસે શાકભાજીની લારી કરવા માટે પૂરતા પૈસા ન હોય. વિધવા કાંતાબહેનને દીકરીના લગ્નના ખર્ચની મૂંઝવણ હોય કે ભોલાને દીકરાને શહેરમાં આગળ ભણાવવાની સગવડ ન હોય આવા દરેકે દરેક માટે શેખ સલીમુદ્દીન ભાંગ્યાના ભેરુ થઈને ઊભા રહેલા. આવા વખતે એમણે કદી પણ નાત-જાતનો વિચાર નથી કર્યો. તેથી જ હિન્દુ હોય કે મુસલમાન, ગરીબ હોય કે તવંગર દરેકને શેખસાહેબ પોતાના જ લાગતા.
ઘરમાં શેખસાહેબ, એમનાં બેગમ, મોટો દીકરો હૈદર, એની બીબી સકીના અને એમનાં બે બાળકો સુખચેનથી રહેતાં, પણ હમણાં હમણાં હૈદર કંઈક ગભરાયેલો - મુંઝાયેલો રહેતો હતો. એક દિવસ સાંજે કામ પરથી આવીને ખુરશી ખેંચીને અબ્બાના ખાટલા પાસે બેઠો.
‘અબ્બા હુઝૂર, આજકાલ ગામનો માહોલ કંઈ ઠીક નથી લાગતો. જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તંગદિલી વધતી જાય છે. તમારી બેઠકમાંય હમણાંથી ક્યાં વકીલસાહેબ અને ડોક્ટરકાકા આવે છે?’
‘વકીલ સાહેબના મા બહુ માંદા છે અને ડોક્ટરકાકાના ભાઈને ત્યાં લગ્ન આવે છે એની તૈયારીમાં પડ્યા છે. એ વાત છોડ... તારે કંઈક બીજું કહેવું હોય એવું લાગે છે.’
‘આજે જ નહીં, હું તો ક્યારનો કહું છું કે, તમે એક બંદૂક લઈ લો.’
‘શા માટે?’ શેખ સાહેબે આંખો ઝીણી કરીને કંઈક કડક અવાજે પૂછ્યું.
‘આપણા બધાની હિફાઝત માટે. ગામમાં લગભગ બધાએ પોતાના રક્ષણ માટે બંદૂક વસાવી છે. માજીદ અલીખાં તો બજારમાં પણ બંદૂક લઈને નીકળે છે. ખાસ તો લોકોને બતાવવા કે એમની પાસે બંદકૂ છે. અરે! સૂલેમાનચાચા તો રાતે સૂતી વખતે તકિયા નીચે બંદૂક રાખે છે. સૌ કોઈ બદલાતા જતા સમયના મિજાજને સમજે છે, ખબર છે?’ બોલતાં બોલતાં હૈદર ઉશ્કેરાઈ ગયો હતો.
‘મને તો એ નથી ખબર પણ તને ખબર છે કે, મારી પાસે પણ બંદૂક છે?’ શેખસાહેબ ભલે શાંતિથી સવાલ પૂછ્યો પણ હૈદર તો આ સાંભળીને આભો જ થઈ ગયો.
‘તમારી પાસે બંદૂક? ક્યાં છે? મેં તો કોઈ દિવસ નથી જોઈ?’ એણે ઉપરાઉપરી સવાલો પૂછ્યાં.
‘વખત આવ્યે બતાવીશ.’ હવે વાત પતી ગઈ છે એવો સંકેત આપતા શેખસાહેબે હુક્કો ગગડાવવા લાગ્યા.
એ પછીના દિવસોમાં ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ડર અને આતંકનું વાતાવરણ ફેલાતું ગયું. જેમની પાસે બંદૂકો હતી એવા બે-ત્રણને તો એમની જ બંદૂકથી ઠાર મારી દેવામાં આવ્યા. ભયના માર્યા કેટલાય પરિવારો હિજરત કરી ગયા. જ્યાં જુઓ ત્યાં મારો-કાપોની બુમરાણ મચી હતી.
એક દિવસ હૈદરે દબાયેલા અવાજે શેખસાહેબને કહ્યું.
‘હું કેટલા દિવસથી કહું છું અબ્બા કે, આપણી સલામતીની કોઈ ખાતરી નથી. બીજા ગામમાંથી અજાણ્યા માણસો આવીને તમારે વિશે કંઈક પૂછપરછ કરી જાય છે.’
‘અલ્લાહને જે મંજૂર હશે તે થશે.’ સલીમુદ્દીન ભલે આમ બોલ્યા પણ એમના અવાજમાં પહેલા જેવો રણકો નહોતો.
‘એમ હાથ પર હાથ રાખીને બેસી નહીં રહેવાય, અબ્બુ... મહોલ્લામાં આપણા સિવાય બધાનાં ઘર ખાલી થઈ ગયાં છે.’
‘તો પછી તેં શું વિચાર્યું છે?’
‘જેમ બને તેમ જલદી અહીંથી નીકળીને રાત સુધી રતનપુર પહોંચી જઈએ.’
મહામુશ્કેલીએ હૈદર એક ઊંટગાડાની વ્યવસ્થા કરી આવ્યો. જરૂરી અને કિંમતી સામાન સાથે લઈને શેખ કુટુંબ ચાલી નીકળ્યું.
આ ગામ સાથે સંકળાયેલા સંભારણાઓએ શેખ સલીમુદ્દીનને સૂનમૂન કરી દીધા હતા. હજી તો કલાકેક પણ નહીં થયો હોય ત્યાં પાછળની બાજુથી દૂરની ડમરી ઊડતી દેખાઈ. બે-ત્રણ ઊંટગાડી અને એકાદ બળદગાડું એમની તરફ આવતું હોય એવું લાગ્યું.
‘હવે શું થશે? ગામલોકો આપણો પીછો કરતા લાગે છે.’
‘મને વિશ્વાસ છે કશુંય નહીં થાય... અલ્લાહનું નામ લો. એનો જ આશરો છે.’ શેખસાહેબે જરાય વિચલિત થયા વિના કહ્યું.
સૌ નજીક આવ્યાં ત્યારે ઓળખાયાં.
પંડિતજી, વકીલસાહેબ, કાંતાબહેન, કિશન બધાં જ હતાં. વકીલસાહેબે બે હાથે ખેંચીને શેખસાહેબને ગાડામાંથી ઉતાર્યા. દીનદયાળજીએ ગાડાની લગામ પકડી લીધી. બે હાથ જોડીને પંડિતજીએ કહ્યું, ‘શેખસાહેબ, બસ, અમારી પર આટલો જ ભરોસો? આવા મુસીબતના સમયે અમે શું તમારા કુટુંબને નિરાધાર છોડી દેવાના હતા?’
વકીલસાહેબે વાતાવરણ હળવું બનાવતા કહ્યું, ‘હવે સીધેધીધા ચાલો પાછા ગામમાં... નહીં માનો તો કેસ ઠોકી દઈશ હં!’
પાછા ફરતાં હૈદરે લાગણીવશ થઈને શેખસાહેબનો હાથ પકડી લીધો અને કહ્યું, ‘અબ્બાજાન, આજે મેં જોઈ તમારી બંદૂક, જેણે ખરા સમયે પોતાની કરામત બતાવી આપણા સૌનો જાન બચાવ્યો.’
અસ્તાચળ તરફ જતા સૂર્ય સામે જોતાં સજળ આંખે શેખસાહેબે કહ્યું, ‘જાન બચાવવાવાળો તો અલ્લાહ છે, ઈશ્વર છે. જો એનામાં શ્રદ્ધા હોય તો.’ અને પછી રૂમાલથી આંખો લૂછીને હસી પડ્યાં. (લેખકની ઉર્દૂ વાર્તાને આધારે)