સુભાષ કહેઃ યસ, ઓછા અનિષ્ટને પસંદ કરવું એ જ રસ્તો છે. એટલે તો હું ઈચ્છું છું કે મને મંચુરિયા સુધી પહોંચાડી દો.
સુભાષ ચંદ્રની આ વાતનો આકાર કઈ રીતે આપી શકાય તે માટે જાપાની અફસરોની સર્વોચ્ચ ટીમ બેસી ગઈ. મંત્રણા ચાલી. ‘કર્નલ સકાઈ, મેજર તારાકોને, તેરાઉચી, ઇસોદા, હબીર્બુરહેમાન, આબિદ હસન...
બીજા દિવસે ઇમ્પિરિયલ જનરલ વડામથકથી સંદેશો મળી ગયોઃ ટોટલી ઇમ્પોસિબલ.
અસંભવ.
સંપૂર્ણ અસંભવ.
હવે ચંદ્ર બોઝની શી વ્યવસ્થા કરવી? કઈ રીતે? યુદ્ધ અપરાધીઓની શરણાગતિનો દોર શરૂ થઈ ગયો હતો.
તેરાઉચીને આ દેશગૌરવની સંપૂર્ણ પહેચાન હતી. નખથી શિખ સુધી આ માણસમાં શ્રેષ્ઠતમ ભારતભક્તિનું રક્ત જ વહેતું હતું. જાણે કે શરદબાબુની નવલકથા ‘પથેરદાબ’નો મહાનાયક સવ્યસાચી જ વસેલો. તેમનામાં સવ્યસાચીએ જ તેના પ્રત્યે અદભુત સ્નેહ ધરાવતી સુચિત્રાને કહ્યું હતુંઃ ‘સ્ત્રીઓની પ્રણય, માન-અભિમાનની વાતો હું સમજતો નથી. એટલો સમય પણ મારી પાસે ક્યાં? ભારતની સ્વાધિનતા સિવાય બીજું મારું કોઈ લક્ષ્ય નથી. સ્વતંત્રતાથી અધિક બીજું કંઈ મનુષ્યજીવનમાં ન હોય એમ હું માનતો નથી. ધર્મ-શાંતિ-કાવ્યનો આનંદ... બધું છે, પણ મને કહો કે તેના ચરમવિકાસ માટે સ્વાધિનતા જ ન હોય. તો તેનો શો અર્થ રહે?’
એકાદ ક્ષણ તેમને એમિલી શેન્કલનું સ્મરણ થઈ આવ્યું. સૌજન્યશીલ, તરવરાટ સાથે આનંદની વર્ષા સર્જતી એમિલી અને તેની નાનકડાં રમકડા જેવી બાળકી અનિતા...
બીજી ક્ષણે આ ક્રાંતિકારે એ યાદને પાછળ છોડીને, અસ્તિત્વનાં ભવિષ્યની યોજના તરફ મન વાળ્યું.
એક યુદ્ધ વિમાન; બોંબ વરસાવવાનાં કામમાં સજ્જ છે. બે એંજિન; ૨૨૫ મીટર પહોળું અને સોળ મીટર લાંબુ. બે બેઠકોની સગવડ થઈ. સુભાષ અને હબીબુર્રહેમાન. ૧૮ ઓગસ્ટે તાઇપેઇ પહોંચશે, તોરેનમાં શસ્ત્રાસ્ત્રો ઉતારવામાં આવશે. પાયલોટ મેજર તાકિજાવા રહેશે...
પણ આટલી જ વાત પર્યાપ્ત નહોતી. જાપાન-રશિયા વચ્ચે સુભાષ-સુરક્ષાની યોજનાનું અમલીકરણ કઈ રીતે કરવું?
બે મોરચે ગતિવિધિ શરૂ થઈ ગઈ.
પહેલી ઘટના - અઢારમી ઓગસ્ટે તાઇપેઈમાં વિમાનનો ‘અકસ્માત’ અને તેમાં બેઠેલા લોકો સહિત ‘નેતાજી’નું મૃત્યુ. સાથીદાર હબીબુર્રહેમાન ઘાયલ થાય પણ જીવિત રહે અને ટોકિયો જઈને નિવેદન કરે કે નેતાજી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે. હોસ્પિટલમાં સારવાર થઈ અને બચી શક્યાં નહીં. લશ્કરી હોસ્પિટલના ડોક્ટરે તેમનાં મૃત્યુનું પ્રમાણપત્ર લખ્યું અને સ્મશાનગૃહમાં તેમનો અગ્નિદાહ કરાયો... જાપાનની સમાચાર સંસ્થા આ અહેવાલ દુનિયાને જણાવશે.
પણ, નેતાજીનું શું?
તે યોજના અધિક ગંભીર હતી. પળેપળની સાવધાની અને રશિયા સાથેની એવી તડજોડ, જેનાથી ફ્રાંસ અમેરિકા કદાચ નારાજ થઈ જાય.
કેમ્પેઇતાઈ.
એક નવું પરિબળ યોજનામાં ઉમેરાયું. આ શબ્દથી જાપાની શાસનમાં પ્રાણવાયુ ઉમેરાઈ જતો. જેમ જર્મન સરકારની પાસે ‘ગેસ્ટાપો’ તેવી જ રીતે જાપાનનું કેમ્પેઇતાઈ Kempeitai.
જાપાનની લશ્કરી પાંખ, તેણે એકલું યુદ્ધ જ નહીં, ગુપ્તચરીમાં યે અંતિમ તર્ક સુધી પહોંચવાની જવાબદારી હતી. દુનિયાભરનાં ગુપ્તચર તંત્રોની સાથે તેનો જીવંત સંપર્ક હતો.
જર્મન Abwehr.
ઇટાલિયન Servizio Informationi Militare (SIM)
આ બંને સાથે સહિયારી પ્રવૃત્તિ રહેતી. ઇંગ્લેન્ડ-ફ્રાંસ-અમેરિકાનાં ગુપ્તચર તંત્રો પણ ઘણી વાર આ એજન્સીઓના કાર્યથી ગભરાઈ જતાં. ૩૬,૦૦૦ સજ્જતાપ્રાપ્ત સૈનિકો તેમાં સક્રિય હતા.
રશિયા - મંચુરિયામાં તેની પાંખના સર્વોચ્ચ પ્રિન્સ ત્સુનેયોશિ તાકેદા હતા. જાપાની રાજવી હિરોહિતોના ભત્રીજા તરીકે ય તેનું સન્માન જાળવવામાં આવતું. કેમ્પેઇતાઈનો સીધો સંપર્ક બ્લેક ડ્રેગન અને ગોલ્ડન લિલિ સાથે ય હતો. બંને અતિ રાષ્ટ્રવાદી સંગઠનો ગણાતાં.
આ બધાની વચ્ચે સંયોજકનું કામ કર્યું - લેફ્ટનંટ જનરલ ત્યુનામાસા શિદેઇએ. તે રશિયન ભાષાની જાણકારી ધરાવતો સૈનિકી અફસર હતો. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી જાપાનીઝ સ્વાર્ટુંગ આર્મીમાં મંચુરિયાના મોરચાને સંભાળ્યો હતો. રશિયન, અંગ્રેજી ઈને જાપાનિજ, એમ ત્રણેય ભાષા પર તેનું પ્રભુત્વ હતું.
૨૩ મે, ૧૯૪૫.
જર્મન શરણાગતિના એક સપ્તાહ પૂર્વનો દિવસ.
બર્મામાં પણ આઝાદ હિન્દુ ફોજ અને જપાનીઝ સેના પરાસ્ત થઈ ચૂકી હતી.
‘મિ. શિદેઈ... બર્મા મોરચે તમારી જરૂરત છે. કોઈ એક ખાસ મિશન પૂરું કરવાનું છે... ત્યાં પહોંચો.’ શિદેઈ તે જ દિવસે મંચુરિયાથી રંગુન પહોંચી ગયો.
ફિલ્ડ માર્શલ તેરાઉચીને મળ્યો. બંને વચ્ચે વાતચીત ચાલી. નેતાજીને મળવાનું થયું. કહેઃ આઈ એમ ઓલવેઝ વિથ યુ, ચન્દ્રા બોઝ!
પછી ઉમેર્યુંઃ ‘હું જાણું છું કે ચીનમાંથી એવો સંકેત આવ્યો છે કે તમે અહીંથી વિમાન માર્ગે જેવા નીકળો તેને બ્રિટિશ બોંબર વિમાન તોડી પાડશે. જો તમે પકડાયા તો...’
સુભાષ હસ્યાઃ નજર સામે ઠાર! એ જ ને?
શિદેઈએ નિહાળ્યું કે આ વ્યક્તિના ચહેરા પર ક્યાંય મૃત્યુભયની એકાદ રેખા પણ નહોતી!
શિદેઈ હિંદી-ઉર્દુ તો જાણતો હતો, પણ સંસ્કૃત નહીં. સુભાષે એક શ્લોક સંભળાવ્યો.
ન તસ્ય રોગો
ન જરા, ન મૃત્યુ
પ્રાપ્તસ્ય યોગાગ્નિમયં
શરીરમ્!
‘આદિ શંકર નામે અમારા શ્રેષ્ઠ ફિલસુફે આમ કહ્યું હતું. જે યોગ-અગ્નિમય દેહ ધારણ કરી લે છે તેને રોગ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સ્પર્શી શકતાં નથી.’
શિદેઈએ બૌદ્ધ મુદ્રાથી મસ્તક નીચું કરીને, બે હાથના નમસ્કારથી અભિવાદન કર્યું.
તખતો તૈયાર થઈ રહ્યો હતો!
આ કામ જરાકેય સહેલું નહોતું પણ જાપાન વિશે એક લોકોક્તિ હતી તે સાચી પાડવાને જાણે કે આ અફસરોએ, રાજદૂતોએ, સમ્રાટના સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિઓએ કસમ ખાધા હતા.
‘એક જાપાની જ્યારે તન-મનથી સંકલ્પિત બને ત્યારે શૈલ શિખરેથી સફળતા તેનું વરણ કરવા તત્પર થઈ જાય છે.’
કોઈ પણ ભોગે, ભારતના તેજનક્ષત્ર ચંદ્ર બોઝને બચાવવા હતા, તેના ભારત-મુક્તિ મિશનને આગળ ધપાવવા માટે રસ્તો બનાવવાનો હતો.
સાવ નવો રસ્તો.
મુશ્કેલ છતાં અનિવાર્ય રસ્તો.
પણ કઈ રીતે?
બીજા વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાન યુદ્ધનાં મેદાનમાં કંઈ બાળ-ખેલ માટે ઉતર્યા નહોતા.
સામે બળવાન શત્રુ હતા. એક નહીં, બે નહીં, અનેક. તમામની પાસે શસ્ત્રો હતાં, સેનાપતિઓ હતા, ભારતથી આફ્રિકા સુધીના ‘ગુલામ’ બનાવાયેલા દેશોના કુશળ સૈનિકો હતા જે મરણિયા થઈને વિજય હાંસલ કરવા ખ્યાત હતા. તેમની પાસે રણરચના હતી. અણુશસ્ત્રો હતાં, મિસાઈલ્સ હતાં, યુદ્ધ ટેન્કો હતી, ભરપૂર દારૂગોળો હતો.
ખતરનાક હિકમત ધરાવનારો ગુપ્તચર સંગઠનાઓ હતી અને દેશને સાહસ-હિંમત પૂરી પાડનારું નેતૃત્વ હતુંઃ ચર્ચિલથી માંડી રૂઝવેલ્ટ સુધીના અડીખમ મહારથીઓ! એમાં ઉમેરાયો હતો જોસેફ સ્તાલિન.
જાપાન-જર્મનીએ આ ‘તાકાત’ને પરાસ્ત કરવા માટે સજ્જ થવાનું હતું. છેલ્લા ઘણા વર્ષોથી તેની તૈયારી હતી. એડોલ્ફ હિટલરે જર્મનીમાં અરાજક્તાનો શિકાર બનેલી રાજનીતિને હડસેલીને નવી શક્તિ સર્જી હતી.
‘અમારી પ્રજા શ્રેષ્ઠ જ નથી, સર્વશ્રેષ્ઠ છે.’ એવો રણકાર કરીને તેમણે વિશ્વફલક પર પોતાનો ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી દીધી. જાપાન-સમ્રાટે પણ બ્રિટિશ-અમેરિકી સામ્રાજ્યવાદને પડકારવા માટેની તૈયારી કરી લીધી. તે પછી યુદ્ધનો આરંભ થયો... દુનિયા ખળભળી ઊઠી. બ્રિટિશ સત્તાના સામ્રાજ્યવાદી સૂર્યની આસપાસ કાળાં ડિબાંગ વાદળાં ઘેરાતાં થયાં. જાપાનના છેલ્લી ઘડી સુધી લડનારા સૈનિકની શક્તિની ઓળખ વધુ ઊજાગર થઈ.
ફ્રાંસ-ઈંગ્લેન્ડ-અમેરિકાને એક બીજો રસ હતો, જાપાનના યુદ્ધ-સાધનોની જાણકારીનો.
સિક્રેટ યુનિટ ૭૩૧.
આ એક અત્યંત મહત્ત્વની સિદ્ધિ જાપાની રણનીતિકારોની પાસે હતી. સમ્રાટ, જનરલ તોજો અને બીજા થોડાક સર્વોચ્ચ અફસરો પાસે જ તેની જાણકારી હતી. ફ્રાંસના રણસેના નાયકોને ‘ગમે તે ભોગે’ જાપાન પાસેથી તે મેળવી લેવાની ખ્વાહિશ હતી. તેને માટે ગુપ્તચર તંત્ર આખું કામ લાગ્યું, નાણા વેરાયા, નાગરિકો ખરીદવાનો પ્રયાસ થયો, માહિતગારોની યાદી તૈયાર કરાઈ.
સિક્રેટ યુનિટ ૭૩૧
‘બાયોલોજિકલ એન્ડ કેમિકલ વોર ફેર’ના સફળ સંશોધનનું આ રહસ્ય જાપાનની મુઠ્ઠીમાં હતું.
કેમ્પેઈતાઈનાં બંધ બારણામાં તે રહસ્ય સલામત હતું. દુનિયાને-મિત્ર દેશોને - વિશ્વયુદ્ધમાં ભારે જોખમી સાબિત થાય તેવું હતું.
અમેરિકાએ તો તેને મેળવી લેવા માટે એક સમર્થ વિભાગ ખોલ્યો હતો. તેમાં અફસરો- ગુપ્તચરો-વૈજ્ઞાનિકો-સંશોધકો રાતદિવસ તેની જહેમત કરતા હતા.
સોવિયેત દેશને ય તેની પ્રાપ્તિ કરવી હતી.
વિશ્વયુદ્ધ દરમિયાન તો તેમાં રશિયા-અમેરિકાને સફળતા મળી જ નહીં પણ જાપાનની શરણાગતિ સમયે આ યુનિટ-૭૩૧ મુખ્ય વિષય બની ગયો.
તેરાઊચી, જનરલ તોજો, શિદેઈ અને બીજા બંધબારણે મળ્યા. લેફ્ટનન્ટ જનરલ શિનોઈશિ આ યુનિટનો મુખ્ય અફસર હતો. શિનોને જ પકડી લઈ જઈને રહસ્ય મેળવવાને માટે કેવાકેવા પ્રયાસો થયા હતા!
જાપાની સૈનિકો વડાઓ અને લેફ્ટનન્ટ જનરલ શિનોની ગુપ્ત બેઠક લઈ. શરણાગતિના ગમગીન દિવસોમાં બ્રિટિશ સેનાપતિ મેક્ આર્થરનો સંદેશો પણ આવ્યો કે શિનો અને તેના સાથીદારોની મોટી ટીમ - આ સિક્રેટ સાથે - અમને મળે તો અમે તેમને ક્ષમાદાન આપવા તૈયાર છીએ.
દરખાસ્ત લોભામણી હતી.
મહત્ત્વના વૈજ્ઞાનિકો-સંશોધકો-સેનાપતિઓ જો સિક્રેટ ૭૩૧નું રહસ્ય બ્રિટિશરોને સુપરત કરી દે તો ઘણાની જિંદગી બચી જાય તેમ હતું.
ઓગસ્ટની સત્તરમીએ સુભાષને લઈ જતાં બોમ્બર ફ્લાઈટની સાઈગોનથી ટોકિયો જવાની ઘટનાએ સમગ્ર નક્શો ફેરવી નાંખ્યો. ટોકિયો જતાં પૂર્વે આ બોંબવર્ષક વિમાન ટોરેનમાં રોકાયું. સા-વ અચાનક આ વિરામ હતો. કોઈને ય ખબર નહોતી કે આ રોકાણ કેમ કરાયું?
પણ... તે પેલા સાહસિક અને નિર્ણાયક તખતાની તૈયારીનો પ્રથમ દાવ હતો!
આ તોરેન - વિયેતનામ યુદ્ધનું સૌથી જાણીતું સ્થાન, પછીથી તેને ‘દનાંગ’ કહેવાયું, ત્યાં વિમાનમાંથી કેટલોક વજનદાર વસ્તુઓને ખાલી કરાવાશે એમ જણાવાયું, કે કેમ્પેઈતાઈના કબજામાં હતો. બોઝની આઈએનએની તે સંપત્તિ હતી.
૧૮ ઓગસ્ટની સવારે તાઈહોઝ જવા માટે આ વિમાન ઊડ્યું. ત્યાં કેમ્પેઈતાઈના નૌસેના ગુપ્તચરનું વડું મથક હતું. બપોરે વિમાન ઊતર્યું.
બળતણ લીધું અને ઊડ્યું... અને દુનિયાને જણાવવામાં આવ્યું કે તેને અકસ્માત નડ્યો, ભસ્મીભૂત થયું તેમાં બોઝ અને બીજા જાપાની અફસરો હતા, બધા માર્યા ગયા.
આ ‘કહાણી’ના નેપથ્યે જહાજ અને વ્યૂહરચના બંનેની ગતિ સાવ અલગ જ હતી.
જાપાને નક્કી કર્યું કે રશિયાને એ શરતે યુનિટ-૭૩૧નું રહસ્ય સુપરત કરવું જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને રશિયન શરણાગતિ અપાય અને તેમનો ભારતીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મોરચો ચાલુ રાખવામાં દેવામાં આવે.
દારેન, મંચુરિયાનું મથક... ત્યાં પહોંચ્યું વિમાન.
દારેનમાં મંત્રણા અને નેતાજીનો સ્વીકાર એવી બેવડી ભૂમિકાનો તખતો રચાઈ ગયો હતો. ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના પ્રભાતે બોઝ-શિદેઈ દારેનના વિમાનીમથકે ઊતર્યા ત્યારે નગરના દરવાજે માર્શલ ઝુબેન હાજર હતા!
માત્ર ઝુકોવ નહીં,
‘સ્મેર્શ’ પણ ખરું!
આ SMERSH એટલે સોવિયેત સેનાની મિલિટ્રી સિક્રેટ સર્વિસ.
કેમ્પેતાઈ
અને સ્મેર્શ.
વિશ્વની બે મોટી જાસૂસી સંસ્થાઓની મુલાકાત થવાની ઘટના પોતે જ ઐતિહાસિક હતી...
ઐતિહાસિક એટલા માટે કે અહીં જાપાનીઝ શરણાગતિનો મંચ તૈયાર હતો. યુદ્ધમાં લડેલા સૈનિકોએ આશ્રયની સંમતિના ધ્વજને ફરકાવવાનો હતો. (ક્રમશઃ)