પેન્ટાગોને પાઈલો તરાશવાનું શરૂ કર્યુંઃ વિદેશ વિભાગે જૂન, ૧૯૪૬માં અહેવાલ આપ્યોઃ ‘ના, બોઝના મોતના કોઈ સીધા સાક્ષી નથી. પણ તેમના જીવિત હોવાના કોઈ પુરાવા નથી.’
ડો. તોયોશી ત્સુરુતાની ગુપ્તચર તંત્રને ભારે જરૂર હતી. બોઝનું ‘ડેથ સર્ટીફિકેટ’ તેણે બનાવ્યું હતું.
બ્રિટિશ ઈન્ટેલિજન્સને સૂચના અપાઈ કે તોયોશીનો જ્યાં હોય ત્યાં સંપર્ક કરો. તોયોશી હોંગકોંગની જેલમાં હતો! અલ્ફ્રેડ ટર્નરે તેની મુલાકાત લીધી. તેણે કહ્યું કે દુર્ઘટનામાં પંદર ઘાયલોને સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. રાત્રે અગિયાર વાગ્યે બોઝે આંખો મીંચી લીધી. શિદેઈ અને બીજા બે પણ મૃત્યુ પામ્યા. તાકિઝાવા હોસ્પિટલમાં પહેલા રખાયા પછી તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવાયા, ત્યાં તેમનાં મોત નિપજ્યાં. બોઝના અંતિમ સંસ્કાર સ્થાનિક સ્મશાનગૃહમાં કરાયા. ઉતાવળે તાઈવાન સેનાના મુખ્ય કાર્યાલયે તેમને તાબૂતમાં રખાયા હતા. હું સ્મશાનગૃહે હાજર નહોતો, પણ મૃત્યુનું પ્રમાણપત્ર મેં તૈયાર કર્યું હતું.
સ્વતંત્રતા પૂર્વે તો આ રહસ્ય-શોધની મથામણ ચાલતી રહી.
સ્વતંત્રતા પછી?
હબીર્બુરહેમાન ભાગલા પછી પાકિસ્તાન ચાલ્યા ગયા. તે પહેલાં તે ગાંધીજીને મળ્યા હતા. ‘રહેમાને મને એક સૈનિક તરીકે બયાન કર્યું.’ અમેરિકન પત્રકાર લૂઈ ફિશર અને ગાંધીજી વચ્ચે મૈત્રી હતી. લૂઈ ફિશરે ગાંધીજીના તત્કાલિન કર્મચિંતનને શબ્દદેહ આપ્યો છે. ૨૦ જુલાઈ, ૧૯૪૬ના લૂઈ ફિશરે ગાંધીજીને એક પત્ર લખ્યો - નેતાજીનાં જીવિત હોવાની વાત તેમાં હતી.
દાદાભાઈ નવરોજીની પૌત્રી ખુરશીદ નવરોજી પ્રારંભે વીર સાવરકરની સાથે લંડનમાં સક્રિય હતી. ક્રાંતિપ્રવૃત્તિમાં સામેલ હતી અને મેડમ કામાના અંતિમ દિવસોની સુશ્રુષા ખુરશીદે કરી હતી. ગાંધીજીના અંતેવાસી તરીકે તેણે ૨૨ જુલાઈ, ૧૯૪૬ના લૂઈ ફિશરને લખ્યુંઃ ‘જો બોઝ રશિયન સહાયથી ભારત આવે તો સમગ્ર મામલો ગાંધીજી અને કોંગ્રેસના હાથમાંથી સરકી જશે. (નવેમ્બર, ૧૯૪૬).’
લૂઈ ફિશર મોસ્કો પહોંચ્યા.
ઈટાલિયન રાજદૂતને મળ્યા.
આ રાજદૂત પીતરો કુરોની, જેણે કોલકાતાથી નજરકેદમાંથી છટકીને કાબુલ પહોંચેલા સુભાષ બાબુને ૧૯૪૧માં સહયોગ આપ્યો અને અફઘાનિસ્તાનથી જર્મની જવા માટે પર્યાપ્ત મદદ કરી.
હોટેલ પ્લાઝામાં ફિશર કુરોની મળ્યા તો કુરોનીએ કહ્યુંઃ ‘બોઝ યોગ્ય સમયે ભારત પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.’
ગુજરાતી પત્રકાર અમૃતલાલ શેઠે તો બીજા વિશ્વયુદ્ધના પડછાયા જેવા દિવસોમાં રંગુન જઈને આઝાદ હિન્દ ફોજના દસ્તાવેજો એકત્રિત કર્યા અને ‘જન્મભૂમિ’માં પ્રકાશિત થતાં દેશને એ યાદગાર સંઘર્ષનો પરિચય થયો હતો.
પણ સુભાષ-મૃત્યુ વિશે એક બીજા પત્રકાર હરીન શાહે પ્રવાસ ખેડ્યો, સરદાર અને નેહરુને માહિતી આપી.
તેમજ ઘણા વર્ષો પછી પુસ્તક લખ્યું તે જસ્ટિસ મનોજકુમાર મુખરજી તપાસ પંચે (૧૯૯૯) પરિશ્રમપૂર્વક જે અહેવાલ તૈયાર કર્યો તેમાં - અગાઉના બે તપાસપંચોથી તદ્દન અલગ - નિષ્કર્ષ આપ્યો કે તાઈહોકુ વિમાનીમથકે વિમાની દુર્ઘટનામાં નેતાજીના અવસાનની વાત તથ્યવિહોણી છે.
તેમણે હરીન શાહને ય અહેવાલમાં નોંધ્યા કે કેટલીક કલ્પિત બાબતોના આધારે તેમણે નેતાજીનાં વિમાની દુર્ઘટનાના મૃત્યુને સાચું ઠેરવ્યું હતું. હરીન શાહ ૧૯૪૬માં તાઈપેઈ ગયા, ત્યાંથી નાનકિગ પહોંચ્યા. પછી દિલ્હી આવીને અન્યોને મળ્યા બાદ નેહરુ-સરદારને
સમગ્ર વિગતો પૂરી પાડી. તેમાં તેમણે જે સાક્ષી પરિચારિકા વગેરેનાં નામ આપ્યા તે પછીથી - મુખરજીની તપાસ દરમિયાન - તદ્દન પોકળ અને ખોટાં નીકળ્યા હતાં.
સરદારે ૧૯૪૬માં જણાવ્યું હતું કે નેતાજી જીવિત કે મૃત્યુ હોવા વિશે સરકાર પાસે કોઈ પ્રમાણો નથી.
‘શું એના વિશે કોઈ તપાસ કરાઈ હતી?’
‘ના. સરદાર આ વિશે અધિકારિક વક્તવ્ય આપી શકે તેવી સ્થિતિમાં નથી.’
૧૯૪૯માં સરદાર પટેલે જણાવ્યું કે કેટલીક તપાસ પછી એવું લાગે છે કે નેતાજી વિમાની અકસ્માતમાં માર્યા ગયા હતા. (ક્રમશઃ)
•••
સમાન્તર કથા
જ્યારે અમૃતલાલ શેઠ જીવના જોખમે બર્માથી દસ્તાવેજો લઈને આવ્યા!
નવલકથામાં સમાઈ ના શકે તેવી નોખી-અનોખી તવારિખથી નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન અને અદષ્ટવાસ પછીનો આજ સુધીનો કાલખંડ અનેક અદ્ભૂત વિસ્મયોથી વેરાયેલો છે.
પહેલું નામ અમૃતલાલ દલપતભાઈ શેઠનું સ્મરણમાં આવે, જેમણે બીજા વિશ્વયુદ્ધના વિઘાતક અને ભીષણ સમય બાદ તુરંત બર્માનો પ્રવાસ ખેડ્યો. રંગુન-સિંગાપુરમાં સંપર્કો કર્યા. યુદ્ધ-ખબરપત્રીનો વેશ ધારણ કરીને ય આઝાદ હિન્દ ફોજના દસ્તાવેજો મેળવ્યા. એ વિગતો એવી હતી કે જેને જાણ્યા પછી દેશને ખબર પડી કે ઇરાવતી નદીના કિનારે એન આરાકાનનાં જંગલોમાં નેતાજીના સેનાપતિપદે કેવો રક્તરંજિત સંગ્રામ ખેલાયો હતો! અમૃતલાલ શેઠમાં વિરાજિત દેશભક્તિ અને પત્રકારત્વના આત્માએ આ સાહસ ખેડ્યું. પકડાઈ ગયા હોત તો ‘શાસકીય ગુપ્તસામગ્રી’ જાહેર કરવાના અપરાધ સાથે મુકદમો ચાલ્યો હોત.
‘જન્મભૂમિ’નાં ૧૯૪૬નાં અંકોના પાનાં પર આ ખરા અર્થમાં ‘ખોજ ખબરી’ (ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમ) પત્રકારત્વ છવાયેલું છે. શેઠ આ બધી સામગ્રી લઈને ગાંધીજીની પાસે પહોંચ્યા હતા, ને તેમની આંખોનું તેજ ઝબકી ઊઠ્યું હતું. અમૃતલાલ શેઠની પત્રકારત્વનાં શિખર સરખી આ દાસ્તાન હતી. ‘જયહિન્દ!’ પુસ્તક તે સમયે સંપાદિત થયું, પછી સોપાનનું ‘ચલો દિલ્હી’ આવ્યું. ગુણવંતરાય આચાર્યે જીવની લખી. તમામ સંદર્ભ-સામગ્રીમાં અમૃતલાલ શેઠનાં મૂળ કાર્યનો પડછાયો છે. સ્વયં ઝવેરચંદ મેઘાણી જે મહા-નવલકથા લખવાના હતા તેમાં ઇમ્ફાલ-મોરચાની ઘટનાઓ સમાવવાની તેમની ઇચ્છા હતી. મેઘાણીનાં અવસાનથી એ નવલકથા પર વિરામ મુકાઈ ગયો.
શેઠ જનમ્યા હતા ‘આવળ, બાવળ બોરડી’ના દેશ ઝાલાવાડમાં, ૨૫ ઓગસ્ટ, ૧૯૮૧. લીંબડીના આ સંતાને વકીલાત અને ન્યાયાધીશી કરી, પણ અજંપાનો જીવ. ૧૯૨૧ બીજી ઓક્ટોબરે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ શરૂ કર્યું અને પત્રકારત્વમાં એક આખી ‘સૌરાષ્ટ્ર સ્કૂલ’ પ્રસ્થાપિત થઈ. અખિલ હિન્દ દેશી રાજ્ય પરિષદના તે મંત્રી હતા. ધોલેરા સત્યાગ્રહના મોવડી રહ્યા. બે વર્ષ જેલ ભોગવી. ‘સૌરાષ્ટ્ર’ તો પ્રતિબંધોના આઘાતો ઝીલતું રહ્યું. ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ તેમનું સંતાન હતું. ૧૯૩૨માં લંડનની ગોળમેજી પરિષદમાં, પાછા ફરતાં પકડાયા. વળી બે વર્ષ જેલવાસી! ૧૯૩૪થી મુંબઈમાં ‘જન્મભૂમિ’ ‘ડેઇલી સન’ના અખબારી પ્રયોગનો પ્રારંભ કર્યો. મરાઠી ‘લોકમાન્ય’ પણ ખરીદીને ચલાવ્યું. ઇલના (ઇન્ડિયન ન્યૂઝ પેપર્સ એસોસિએશન) તેમના લીધે સ્થપાયું.
ગાંધી-ઝીણા પત્રવ્યવહારથી આઝાદ હિન્દ ફોજની રણભૂમિ સુધીના તેમના ઐતિહાસિક કાર્યોમાં છેલ્લો ઉમેરો આરઝી હકુમતની રચનાનો થયો. જૂનાગઢ-મુક્તિની એક ભવ્ય ગાથા રચાઈ તેમાં શામળદાસ ગાંધી, નરેન્દ્ર નથવાણી, કનૈયાલાલ મુનશી, ઢેબરભાઈની સાથે અમૃતલાલ શેઠનું યશસ્વી નામ જોડાયેલું છે. ૧૯૫૪ની ૨૦ ઓગસ્ટે મુંબઈમાં તેમનું દેહાવસાન થયું. તેમની કર્મભૂમિ રાણપુરમાં તો ઉછરતા નવા પત્રકારો માટેની અકાદમી કે યુનિવર્સિટી થવી જોઈએ.
લાભુબહેન મહેતાનું ‘મારા જીકાકા’, જયમલ્લ પરમારનું રાજુલ દવે દ્વારા સંપાદિત ‘પત્રકાર સેનાપતિ’ અને મનુભાઈ મહેતા સંપાદિત ‘અંતરનાદ’ પુસ્તકો તેમના વિશે આપણને માહિતી પૂરી પાડે છે. પરંતુ શેઠનો સંગ્રામ - હજુ પૂરેપૂરો શબ્દસ્થ થયો નથી, થવો જોઈએ. તેમણે એક નાટક અને ૧૦૦ જેટલાં કાવ્યો પણ લખ્યાં હતાં! બળવંતરાય મહેતા, કકલભાઈ કોઠારી અને સોપાન - ત્રણે મળીને સંપૂર્ણ જીવનચરિત્ર લખવાના હતા, પણ તેનું પરિણામ આવ્યું નહીં. હવે?