બીજા સદસ્યો હતા શાહનવાઝ ખાન, શરદચંદ્ર બોઝના પુત્ર અમિય બોઝ, આઈસીએસ અધિકારી શંકર મિત્રા... ૩ ડિસેમ્બર, ૧૯૫૫ના જાહેર કરાયેલી આ સમિતિને અમિય બોઝે કેવળ તરકટ ગણાવ્યું અને સભ્ય તરીકે રહેવાનો ઇનકાર કર્યો. શાહનવાઝ ખાન પણ ઇચ્છતા નહોતા કે શરદચંદ્ર કરતાં યે વધુ તર્કબદ્ધ અને નિર્ભિક અમિય નાથ આ સમિતિમાં રહે. આખી સમિતિ કઈ રીતે આગળ ચાલે તેનો નિર્દેશ કરવા બે ‘મોટા ભાઈ’ નિયુક્ત કરાયા હતા - ટી. એન. કૌલ અને એ. કે. ધર. બન્ને નેહરુ-પરિવારના અંગત સ્વજનો. તેઓએ સાફ નિર્દેશ આપ્યો કે અમે ‘માર્ગદર્શન’ કરીશું.
નેતાજી વિશેનો આ અહેવાલ કેવો રહ્યો?
તેનાં પીળાં પડી ગયેલાં પાનાં જ ગવાહી આપે છે કે પ્રથમ તપાસમાં જ કેવો સુભાષ-દ્રોહ સ્થાપિત કરી દેવાયો હતો!
૭૯ પાનાં.
૬ પ્રકરણ.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનની તસવીર. ‘ઘાયલ’ હબીબુર્રહેમાન, રેંકોજી દેવળ... પરિશિષ્ટ.
આટલું હોવા છતાં ‘ઇદમ્ તૃતિયમ્!’
તે તર્ક સ્થાપિત થઈ રહ્યો હતો તેનો છેદ એક જ વાક્યમાં કરી દેવાયો કે યુદ્ધનું વાતાવરણ જ એવું હતું કે મંચુરિયાનો વિકલ્પ વિચારવા સમય જ ક્યાં હતો?
સમય!
સમય - સુભાષનાં ચિત્તનો.
સમય - જાપાનીઝ રણનીતિનો.
સમય - જનરલ તોજોના સંકલ્પનો કે અમારો ખુદ્દાર ભારતીય નેતા બ્રિટિશરોના હાથમાં પડવો ન જોઈએ.
અને, સમય - આ તપાસ પંચના તર્કનો! જેમાં દરેક સાક્ષી અને તેના બયાનોમાં વિરોધાભાસ ખડકાયેલો હતો. વિમાન, તેનું ઊડવું, તેમાં વિસ્ફોટ થવો, આગ લાગવી, જમીન પર પટકાવું, યાંત્રિકોનાં મોત થવાં તેમના મૃતદેહોનાં સ્થાન, હોસ્પિટલોમાં સારવાર... બધું જ બધું એકથી બીજાનાં વિધાનથી વિપરિત! તેનો બચાવ ખુદ પંચે કર્યોઃ આટલો લાંબો સમય વીતી ગયો એટલે સાક્ષીઓ ભ્રમિત થાય તે સ્વાભિવક છે.
૧ એપ્રિલ, ૧૯૫૫ આ તપાસ શરૂ થતાં સુરેશ બોઝે નેહરુને પત્ર લખીને ‘એક પુખ્ત તપાસ પંચ’ની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે આ કામ ડો. રાધા વિનોદ પાલના અધ્યક્ષ બનવાથી શક્ય બનશે. નેહરુએ ના પાડી કારણ કે ‘ડો. પાલે યુદ્ધ-અપરાધીઓને સજામાં સાચી ભૂમિકા રાખી નહોતી...’ વર્તમાન પરિસ્થિતિમાં તેમને સમિતિમાં રાખવાથી અમેરિકા જેવા વિદેશી રાષ્ટ્રો નારાજ થશે.
૩ ઓગસ્ટ, ૧૯૫૬ તપાસ અહેવાલ વડા પ્રધાનને આપવામાં આવ્યો ત્યાં સુધીમાં તો સુરેશ બોઝ - શાહનવાઝ ખાન સામસામા આવી ગયા હતા. બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોયે સુભાષબાબુના સૌથી મોટા ભાઈ સતીશ બોઝના પુત્ર દ્વિજેન્દ્રને લાલચ આપીઃ ‘આવ, તને હું બિઝનેસ અપાવીશ...’ શરત એટલી જ કે શાહનવાઝ અહેવાલમાં સુરેશ બોઝની સહી લાવી આપે! ખુદ સુરેશ બોઝે પછીથી કહ્યું કે જો મેં આ અહેવાલમાં સહી કરી હોત તો રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યો હોત!
સુરેશ બોઝનાં વારંવાર બદલાતા વિધાનોનો પંચે બરાબરનો ઉપયોગ કીરને પોતાની વાતનો કક્કો ખરો કરવાનો ખેલ પણ રચ્યો. છેવટે પ્રધાનમંડળે પંચના અહેવાલને મંજૂર કર્યો અને ૧૧ સપ્ટેમ્બર, ૧૯૫૬ના સંસદ સમક્ષ પ્રસ્તુત કરાયો. દરમિયાન તપાસને વધુ સ-ઘન બનાવવા માટે તાઇવાન - બ્રિટિશ સંયુક્ત પ્રયાસો શરૂ થયા તો તેમાં કોથળામાંથી બિલાડાં નીકળ્યાં. જાપાન સરકારે ડો. યોશિમીના પેલા ભાવાત્મક બયાનને તદ્દન નકલી ગણાવ્યું, જેમણે નેતાજીનાં મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું.
આ વિસ્તારના તમામ સ્મશાનોની જવાબદારી સંભાળનારા કાંગ ફૂ ચાયેંગે ૪ જુલાઈ, ૧૯૫૬ના પૂરી તપાસના અંતે કહ્યું કે ભારતીય પત્રકાર હરીન શાહના અહેવાલની તમામ વાત કપોળ કલ્પિત હતી. હરીન શાહે વિમાન અકસ્માત વખતે બોઝની સારવાર કરનારી પરિચારિકાની સાથેની ‘મુલાકાત’ વર્ણવી હતી, એવી કોઈ પરિચારિકા હતી જ નહીં! હરીન શાહના અહેવાલને નેહરુ - સરદારે ભરોસાપાત્ર ગણ્યો હતો, પણ બ્રિટિશ કોન્સલ એ. ફ્રેકલિને લંડનમાં વિદેશ કાર્યાલયને જણાવ્યું કે ભારત સરકારે જે નામોની જાણકારી માગી છે તેઓ હયાત નથી. કાં તો તેઓ મૃત્યુ પામ્યા છે અથવા તેમની કોઈ ભાળ મળતી નથી. ૧૯૪૫માં શબદાહની મંજૂરી આપનારા ચેન ચિહ ચિ અને લિ ચેન - બન્નેએ કહ્યું કે સુભાષને તેમના જીવન દરમિયાન અમે જાણતા નહોતા પછી મૃત્યુ સમયે તેમનો જ મૃતદેહ છે એવું કઈ રીતે જાણી શકીએ?
ખરી વાત એ હતી કે જે મૃતદેહની તપાસ સમિતિઓમાં વારંવાર જિકર થઈ એ શબ જ સુભાષનું નહીં, કોઈ માર્યા ગયેલા અન્ય સૈનિકનું હતું.
નવેમ્બર, ૧૯૫૬માં સુરેશ બોઝનો ‘અ-સંમતિ અહેવાલ’ આવ્યો. સરકારે તેને છાપવાની ના પાડી... શાહનવાઝ અહેવાલ એટલો અધૂરો રહી ગયો.
સુભાષનાં ભત્રીજી શીલા સેનગુપ્તાએ એક વાર શાહનવાઝ ખાનને સંભળાવ્યું પણ ખરુંઃ ‘કયા ભાઈજાન, ડિપ્ટી મિનિસ્ટરશિપ કે લિયે આપને નેતાજી કો ભી માર દિયા?’
૧૯૮૦ના દશકના પ્રારંભે કર્નલ એસ. બી. સિંહની સાથે ખાણું લેતાં શાહનવાઝ રડી પડ્યા હતા અને કહ્યું હતુંઃ નેતાજી તપાસ સમિતિના ચેરમેનની હેસિયતથી મેં મારી જિંદગીની સૌથી મોટી ગલતી કરી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં શાહનવાઝે આંખો મીંચી લીધી...
નેહરુ અને પછીના રાજપુરુષોની સામે ટક્કર લેવામાં એ દિવસોમાં સૌથી સક્રિય રહ્યા સમર ગુહા. નવેમ્બર ૧૯૬૪ ડો. સત્યનારાયણ સિંહાએ પોતાના ખર્ચે તાઇવાનની મુલાકાત લીધી, વિમાન મથકે ગયા. વિમાની દુર્ઘટના પોતે જ એક કહાણી હતી! તે દિવસે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ તો આ વિમાની મથકે સામાન્ય સ્થિતિ હતી. તો પછી?
સત્યનારાયણ સિંહાએ પોતાનું પુસ્તક ‘નેતાજી મિસ્ટરી’ ૧૯૬૬માં લખી તેમાં ઘટસ્ફોટ કર્યોઃ
‘નેતાજી ૧૯૫૦-૫૧નાં વર્ષોમાં રશિયન જેલમાં હતા.’
રશિયન જેલમાં, નેતાજી?
હરિ વિષ્ણુ કામથ, નાયબ વિદેશપ્રધાન ડો. સેમ્પસન પી. શાઇનના આમંત્રણથી તાઇવાન પહોંચ્યા. તપાસનો નિષ્કર્ષ નેતાજીના વિમાની અકસ્માતમાં થયેલા મૃત્યુ પર ચોકડી લગાવતો નથી.
‘ભારત સરકાર ઇચ્છે તો અમે વધુ તપાસ કરવા તૈયાર છીએ.’
કામથે ભારત સરકારને આ વાત જણાવી. સ્વર્ણસિંહે કહ્યુંઃ તાઈવાનની સાથે રાજનૈતિક સંબંધ નથી.... અને આપણી સંસદે શાહનવાઝ અહેવાલને સંમતિ આપી દીધી છે. હવે નવી તપાસનો કોઈ અર્થ રહેતો નથી.
તેમ છતાં નવ સાંસદો તાઇવાન જરૂર પહોંચ્યા.
એ જ નિષ્કર્ષઃ આવું કોઈ મૃત્યુ કે આવી કોઈ દુર્ઘટના તે દિવસે થયાં જ નથી.
તો...
આ ‘તો’ ના જવાબ માટે સમર ગુહાએ કમર કસી. લોકસભાના પ્રથમ પ્રવચન (૩ એપ્રિલ, ૧૯૬૭)ના તેમણે માનનીય વડા પ્રધાન અને સાંસદો સમક્ષનાં પ્રવચનમાં સવાલ પૂછયોઃ અહીં ‘સેન્ટ્રલ હોલ’માં ભારતના રાષ્ટ્ર પુરુષોની તસવીરો છે. મને કોઈ એ તો બતાવો કે તેમાં સુભાષચંદ્ર બોઝ ક્યાં છે?’
એક રાષ્ટ્રીય સમિતિ - જેમાં અટલ બિહારી વાજપેયી અને બીજા નેતાઓ સામેલ હતા - બની. ૩૫૦ સાંસદોએ હસ્તાક્ષર કર્યાઃ શ્રીમતી ઇન્દિરાજી, દેશ ઇચ્છે છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં કથિત મૃત્યુની તપાસ કરતું તટસ્થ પંચ નિયુક્ત કરવામાં આવે.
સાડા ત્રણસો સાંસદો.
દેશ આખાનું પ્રતિનિધત્વ ધરાવનારા આ સભ્યો રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનને મળ્યા. પ્રધાનમંડળને કોઈ નવાં તથ્યો ન હોવાથી તપાસની જરૂરત નથી એમ લાગ્યું.
વળી પાછા. ૪૪ સંસદ સભ્યોએ વડા પ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો કે કોઈ નિવૃત્ત ન્યાયમૂર્તિને આ તપાસ સોંપવી જરૂરી છે.
૧૯૫૯ના સપ્ટેમ્બરના સચિવ એલ. પી. સિંહની નોંધમાં જણાવાયું કે ડો. એસ. એન. સિંહાના જણાવ્યા પ્રમાણે નેતાજી સાઇબીરિયાની યાકુતસ્ક જેલમાં, બેરેક નં. ૪૬માં કેદી તરીકે છે... પણ આનાં કોઈ પ્રમાણ મળતાં નથી.
પ્રમાણ ક્યાંથી મળે? તપાસ થાય તો ખબર મળે ને? સરકારી બાબુઓ તેમની નોંધમાં, પરિપત્રોમાં શુકપાઠ કરતા રહ્યા કે તપાસની કોઈ જરૂર જ નથી. સમર ગુહાને જેઓ તપાસ પંચની માગણીમાં સમર્થન કરી રહ્યા હતા. તેમાંના મુલ્કા ગોવિંદ રેડ્ડીએ પણ પત્ર લખ્યો હતો. પાંચ ડિસેમ્બરે બેઠક થઇ. ગોવિંદ રેડ્ડી, સમર ગુહા, એમ. એમ. દ્વિવેદી, બલરાજ મધોક, એસ. એમ. જોશી. અમિય નાથ બોઝ, કંવરલાલ ગુપ્તા, ત્રિદિબ ચૌધરી, ઇરા એઝિયન, શશિભૂષણ, રવિ રાય.
અમિય નાથે રાધા વિનોદ પાલના અભિપ્રાયોનું સ્મરણ કરાવીને એક પછી એક તર્ક પ્રસ્તુત કર્યા કે શા માટે નવેસરથી તપાસ કરવી જરૂરી છે.
ગૃહમંત્રી ખામોશ થઈ ગયા
છેવટે આ વિરોધ વધુ વિસ્ફોટક ના બને એ માટે ૧૧ જુલાઈ, ૧૯૭૦ના બીજું તપાસ પંચ નિયુક્ત કરાયું તે ‘વન-મેન કમિશન’ હતું. પંજાબ હાઇ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જી. ડી. ખોસલા પંચના અધ્યક્ષ બન્યાં.
એંસીના દશકમાં એક લોકપ્રિય ફિલ્મ આવી હતી, ‘ખોસલા કા ઘૌસલા’. બીજા તપાસ પંચની યે એવી જ દશા થઈ. ગાંધીહત્યા મુકદ્દમો અને હિજરતીઓની હાલત પરનો અહેવાલ - આ તેમની કારકિર્દીના બે પડાવ હતા. ‘સ્ટર્ન રેકનિંગ’ તેની જાણીતી કિતાબ. પણ સ્વભાવે ચર્ચાસ્પદ રહેવાની આદત. એક વાર તો એસ. એમ. સીકરીની ફરિયાદને લીધે ખોસલા બદનક્ષી કેસથી બચવા લંડન ભાગી છૂટ્યા હતા. સિકરી પછીથી મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા અને ખોસલાએ સંપૂર્ણ માફી માગી લીધી હતી.
ઇતિહાસકાર વી. એન. દત્તે એક ઘટના નોંધી છે. ૧૯૨૦માં સુભાષ આઈસીએસની તૈયારી કરી રહ્યા હતા. જી. ડી. ખોસલા પણ એવી જ તૈયારી માટે લંડનમાં હતા. એક વાર સુભાષ પોતાના મિત્રોની સાથે વાતચીત કરી રહ્યા હતા કે આઈસીએસ થઈને બ્રિટિશરોની ગુલામી જેવી નોકરી સ્વીકારવી જોઈએ નહીં. ખોસલા ત્યારે એ બેઠક પાસેથી નીકળ્યા. તેમણે આ વાત સાંભળીને કહ્યુંઃ એમાં દેશભક્તિનું અપમાન શું વળી? અંગ્રેજની જગ્યાએ આપણે અફસર બનીશું! સુભાષે તેમની સામે જ તિરસ્કૃત નજર કરી તે ખોસલાને આખી જિંદગી યાદ રહી ગઈ!
૧૨ જેટલા તપાસ પંચોના અધ્યક્ષ રહી ચૂકેલા ખોસલાએ જૂન ૧૯૭૪ સુધીમાં તો તપાસ અહેવાલ તૈયાર કરી નાખ્યો. સરકાર રાજીના રેડ. ૨૫ મુદ્દા એવા હતા કે જે સરકારી માન્યતાની તરફેણના હતા. શાહનવાઝ ખાન સમિતિની જેમ જ માન્યું કે વિમાની અકસ્માત થયો હતો, નેતાજી તેમાં મર્યા હતા. નેહરુએ કોઈ સચ્ચાઈને દબાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
ફરી એક વાર સંસદ-પટલ પર ‘બીજો’ અહેવાલ. સમર ગુહાએ ગુસ્સાથી લાલચોળ ચહેરે, અહેવાલને સંસદમાં જ ફાડી નાખ્યો. ચરણ ખોસલાએ એવો અભિપ્રાય આપ્યો હતો કે ‘નેતાજીની જાપાનની મદદથી ભારત આવવાની યોજના ખરેખર તો ભારતને જાપાનના હાથમાં વેચી દેવાની યોજના હતી’
ખોસલાના અહેવાલમાં જાપાનીઓની અધિક આલોચના હતી. તેઓ સુભાષનો કઠપુતળી તરીકે ઉપયોગ કરવા જ માગતા હતા. જે હાલત રાસબિહારી બોઝ અને કેપ્ટન મોહન સિંહની કરી, તેવી જ નેતાજીની થઈ.
ખોસલાના આ તારણો પૂર્વગ્રહની ટોપલીમાંથી કાઢવામાં આવેલા ખતરનાક સાપ જેવા જ હતા. ખોસલાએ ઇન્દિરાજીનું જીવનચરિત લખ્યું. તપાસ દરમિયાન જ એક પુસ્તક પણ લખ્યુંઃ ‘લાસ્ટ ડેઝ ઓફ નેતાજી’ આમાં જાપાન પ્રત્યેના તિરસ્કારની અત્યંત ઘૃણાજનક તસવીર સિવાય ખાસ કશું જ છે જ નહીં.
ખોસલાએ આમ શા માટે કર્યું હશે?
પૂરતા સાક્ષીઓને તપાસ્યા વિના આવો અહેવાલ કેમ આપ્યો હશે?
જાપાનીઝ સાક્ષીઓએ જે ચોંકાવનારી વિગતો પૂરી પાડી તેને નજરઅંદાજ કેમ કરી?
તપાસ-નિષ્ણાત ખોસલાએ ઘણી બધી ઉલટતપાસો કરાવી હતી. તેમાં જ બહાર આવ્યું કે સરદારને જે અહેવાલ પત્રકાર હરીન શાહે આપ્યો તે ટોકિયો-તાઇવાનની જાત-મુલાકાત પર આધારિત હતો એમ જણાવાયેલું. જો આ અહેવાલ સાચો હોત તો ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’નો ભાગ બન્યો હોત. પણ ખોસલા-તપાસમાં એક પછી એક ગપગોળા બહાર આવ્યા કે હરીન શાહે ઘટના-સાક્ષી ‘ત્સાન પી શા’નું નામ લખ્યું એ કાલ્પનિક ચરિત્ર હતું. સ્મશાનનો અધિકારી પણ સાચુકલો નહીં! ખુદ જેનું નામ અપાયુ હતું તેના દીકરાએ જ ઘસીને ના પાડી. વિમાની દુર્ઘટનાની તસવીર તો ઓક્ટોબર ૧૯૪૪ની હતી તેને ૧૮ ઓગસ્ટની ઘટના તરીકે વર્ણવવામાં આવી!
ખોસલા-અહેવાલ પર સંસદમાં અને બીજે ચર્ચા થાય તે પહેલાં તો દેશમાં આંતરિક કટોકટી લાદવામાં આવી. ૧,૧૦,૦૦૦ રાજકીય નેતાઓ ‘મીસા’ હેઠળ જેલવાસી હતા, તેમાંના એક સમર ગુહા પણ હતા. દિવાલોની વચ્ચે મીસા-બંધી ગુહાએ તેમનું નેતાજી અભિયાન છોડ્યું નહીં. દરમિયાન ‘ટ્રાનસફર ઓફ પાવર્સ’નો છઠ્ઠો ગ્રંથ પ્રજા માટે ખૂલ્લો મૂકાયો. તેનું શીર્ષક હતુંઃ યુદ્ધોત્તર અધ્યાયઃ લેબર સરકાર અને નવા કામઃ ૧૯૪૫ની ૧ ઓગસ્ટથી ૨૨ માર્ચ ૧૯૪૬.
કટોકટી પછી ચૂંટણીએ રાજકીય ઇતિહાસને બદલાવી નાખ્યો. સમર ગુહાએ ૩ ઓગસ્ટ, ૧૯૭૭ ખોસલા અહેવાલને અમાન્ય જાહેર કરવા પ્રસ્તાવ મૂક્યો. ‘વધુ સમય બરબાદ કર્યા વિના’ એક ખરેખર તપાસ પંચની નિયુક્ત થવી જોઈએ એવા ગુહાના વકતવ્યને સવર્ત્ર સમર્થન મળ્યું.
સંસદ ભવનના મધ્યસ્થ ખંડમાં નેતાજીનું તૈલચિત્ર રાષ્ટ્રપતિના વરદ હસ્તે ખૂલ્લું મૂકાયું. રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીએ કહ્યું ‘આજે નેતાજી આપણી વચ્ચે આવી ગયા છે. કેટલાક માને છે કે તેઓ જીવિત છે... કાશ, હું એ વાતમાં ભરોસો મૂકી શકું. જો તેઓ જીવિત છે તો ભલે એક દિવસ માટે ય – આપણી વચ્ચે તો આવે!’
(ક્રમશઃ)