ચંદ્ર બોઝઃ જોસેફ સ્તાલિન પણ આ અણુબોમ્બથી નારાજ છે... પણ શિદેઈ, હવે ખબર નથી કે મારું ગંતવ્ય શું હશે? સંભવ છે કે સ્તાલિન આ ‘ગુલાગ’માં કોઈ એક દિવસે મને ગોળીથી ઊડાવી દેવાનો આદેશ આપે, શક્ય છે કે એવું ન કરતાં શ્રામછાવણીમાં કાયમ રાખીને મને ક્ષીણ બનાવી દે. એ પણ શક્ય છે કે બ્રિટિશરોને સોંપી દે... પછી તો તું જાણે જ છે કે સૌથી કટ્ટર દુશ્મન ભારતીયને બ્રિટિશરો પળવાર પણ સહન કર્યા વિના -
ચંદ્ર બોઝે વાક્ય અધૂરું જ રાખ્યું. બન્ને તેનો અંત સમજતા હતા.
શિદેઈએ ધીમા સ્વરે કહ્યુંઃ ચંદ્ર બોઝ, એક વધુ સંભાવના પણ છે.
ચંદ્ર બોઝઃ કંઈ?
‘ભાગી છૂટીએ... અથવા રશિયનોને સમજાવીને, ચીનની સરહદમાં પ્રવેશ કરીએ...’
‘ઓહ!’ ચંદ્ર બોઝના ચહેરા પર સ્મિત હતું. યુ આર મોર ઓપ્ટિમિસ્ટીક ધેન મી એટ ધિસ મોમેન્ટ, શિદેઈ...’
- અને હું તમને હેમક્ષેમ પહોંચાડીને બૌદ્ધ સંન્યાસી થઈ જઈશ! તે હસીને બોલ્યો.
ચંદ્ર બોઝે એક સુભાષિત સંભળાવ્યું, જેનો અંત હતો-
‘પ્રભાતે કિમ્ ભવિષ્યતિ ।’
સુભાષ-યાત્રાનો એ પછીનો પડાવ શો હતો?
રહસ્યનાં ધુમ્મસમાં થીજી ગયેલા તે પ્રશ્નાર્થની યાત્રા પણ એટલી જ, વિરામ વિહોણી છે.
ત્યાં પૂર્ણ વિરામ નથી.
ત્યાં અલ્પવિરામો અનેક છે.
રશિયામાં સુભાષ, જોસેફ સ્તાલિનના કઠોર દંડ સાથે, ‘ગુલાગ’માં એકાંતિક ગૂમનામ મૃત્યુ પામ્યા હશે?
ચેર્નન્સી (Chernsty) નામનાં સાઇબીરિયન ગામડાંમાં મૃતદેહોની cementry છે. સુભાષચંદ્ર બોઝ અને સાથીદાર શિદેઈ બન્નેની ત્યાં કબર છે. આવું ઇકબાલ મલહોત્રાનું મંતવ્ય છે. (‘Stalin's Prioner’, open nagazine, December, 2016)
મેજર જનરલ જી. ડી. બક્ષીનું એક અનુમાન એવું છે કે રશિયાએ બ્રિટિશ સૈન્યને, સુભાષચંદ્ર બોઝની પૂછપરછ (ઇન્ટ્રોગેશન) માટે સોંપી દીધા ત્યાં તેમના પર ‘થર્ડ ડિગ્રી’ અજમાવવામાં આવી અને બોઝ મૃત્યુ પામ્યા.
ત્રીજો અભિપ્રાય એવો છે કે સ્તાલિનના ‘ગુલાગ’માં જ તેમનું સ્વાસ્થ્ય પ્રતિદિવસ બગડતું ગયું અને આખરી શ્વાસ લીધા.
ખરેખર?
ભારત સરકારે સુભાષ-મૃત્યુ વિશે તપાસ પંચ નિયુક્ત કર્યાં તેની યે ભીતરી કહાણી છે.
સરકાર અને પ્રધાનમંત્રી જવાહરલાલે તો સ્પષ્ટ જણાવી દીધું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૮, ઓગસ્ટ, ૧૯૪૫ની વિમાન-દુર્ઘટનામાં માર્યા ગયા હતા. ૧૯૪૬માં એક ગુજરાતી પત્રકાર હરિન શાહ તાઇપેઇ-નાનકિંગનો પ્રવાસ કરી આવ્યા અને સરદાર વલ્લભભાઈને જણાવ્યું કે વિમાની દુર્ઘટનાના સાક્ષીઓ સહિતનાં તમામ પ્રમાણો છે. (ત્રીજા તપાસ-પંચ જસ્ટિસ મનોજ કુમાર મુખર્જીની ઊંડી તપાસમાં જ એ તથ્ય આવ્યું કે હરિન શાહે ‘દુર્ઘટના સાથે જોડાયેલા’ નર્સ વગેરેનાં પ્રમાણ આપ્યાં તે નામનાં કોઈ પાત્રો જ ત્યાં નહોતા!) ૧૯૪૯માં સરદારે લોકસભામાં જણાવ્યું કે બધી તપાસથી સ્પષ્ટ થાય છે કે નેતાજી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
પણ હરિ વિષ્ણુ કામથ, ક્રાંતિકાર બંગ-નેતા ડો. અતીન્દ્રનાથ ચક્રવર્તી અને બંગાળ વિધાનસભામાં પ્રસ્તાવ પરની ચર્ચાએ સુભાષ-મૃત્યુની દુર્ઘટનામાં કપોળ કલ્પિત કહાણીને નિરસ્ત કરવા એક તપાસપંચ નિયુક્ત કરવાની માગણીએ જોર પકડ્યું. પ્રસ્તાવ પણ પારિત થયો. વિદેશ સચિવે જાપાનમાં ભારતીય રાજદૂત ડો. મોહમ્મદ રઉફને ય જણાવી દીધું કે વધુ તપાસની કોઈ જરૂર નથી. જવાહરલાલ પાસે એક શસ્ત્ર હતું - આ દુર્ઘટનાને વાસ્તવિક સમજાવવાનું - તે એસ. એ. અય્યરનો અહેવાલ. આઝાદ હિન્દ સરકારમાં માહિતી મંત્રી રહી ચૂકેલા અય્યરે જાપાનને પણ ‘અકસ્માત’ની થિયરી પર આગળ વધવા મદદ કરી. અય્યરની મૈત્રી ટોકિયોની ભારતીય આગેવાન મૂગા રામમૂર્તિએ કરી. (સિંગાપુરથી નીકળેલા નેતાજીની સાથે, નવા સંઘર્ષ માટે એકત્રિત ધનરાશિ - સુવર્ણ - ચાંદી વગેરેના બે બોક્સ આ રામમૂર્તિને સોંપવામાં આવ્યા હતાં, તેનો કોઈ હિસાબ પછીથી મળ્યો જ નહીં) અય્યરે નેતાજીની સાથે વિમાન દુર્ઘટનામાં હતા તે હબીબુર રહેમાનનું એક નિવેદન (જે ૧૯૪૫થી આટલાં વર્ષ સુધી બહાર જ નહોતું આવ્યું) શોધી કાઢ્યું, તેમાં તો એમ પણ કહ્યું હતું હબીબુર રહેમાને કે નેતાજીને જાપાની અફસરોએ મંચુરિયા પહોંચાડ્યા હતા. આનો અર્થ એ કે વિમાની - અકસ્માત તો એક ઉપજાવી કાઢેલી ઘટના હતી. અય્યરને જવાહરલાલે બોલાવ્યા. ‘અહેવાલ તૈયાર કરો.’ સૂચના મળી.
અને અહેવાલ તૈયાર થયો. તા. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૫૧.
અય્યરે ‘જાત તપાસ’ના આધારે તેમાં જણાવ્યું કે નેતાજી વિમાની-અકસ્માતમાં જ માર્યા ગયા હતા. જવાહરલાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને તે અહેવાલ મોકલ્યો અને જણાવ્યું કે આ અહેવાલની સચ્ચાઈ પર શક કરવાની જરૂર નથી. નેહરુએ સ્વયં લોકસભામાં તે રજૂ કર્યો, રેંકોજી દેવળમાં રાખવામાં આવેલાં અસ્થિ નેતાજીનાં છે, તેમાં અય્યરને અને મને કોઈ શંકા નથી.’
અય્યરના નેહરુ-સહયોગની સામે બીજા છેડે દેવનાથ દાસનો અહેવાલ હતો એ પણ નેતાજીના મંત્રીમંડળમાં હતા (પછીથી ‘રક્તરાગ’ નામે પુસ્તક પણ લખ્યું) તેમણે કહ્યું કે નેતાજી-મૃત્યુની તપાસ થવાના એ સમયે - ૧૯૪૫માં - વિશ્વ યુદ્ધને કારણે સંજોગો નહોતા. આઝાદ હિન્દ સરકારના કેટલાક અફસરો - એસ. એ. અય્યર, જે. કે. ભોંસલે, એ. એમ. સહાય વગેરે - ભારત સરકારમાં હોદ્દો ધરાવે છે તેથી તપાસને બાધા આવી છે. વિમાન-દુર્ઘટના તો બ્રિટિશ સરકારની આંખમાં ધૂળ નાખવા માટેની રણનીતિ હતી. આ ઘટના - ૧૮ ઓગસ્ટે બની - પછી ૨૬મીએ જાપાની સૈન્ય ઇન્ટેલિજન્સ વિભાગના વડા અફસરે મને જણાવ્યુંઃ ‘નેતાજીનો હિકોકી ઓચિરુ કોતાઉન શિજિઓ શિમાસન...’ અર્થાત ‘હવાઈ દુર્ઘટનાને ખરેખર ઘટના સમજશો નહીં.’ દેવનાથ દાસનું અનુમાન હતું કે નેતાજી જીવિત છે અને ન હોય તો તેમની સાથે વિમાનમાં ગયેલા અધિકારીઓની જવાબદારી છે. ઇતિહાસની કોઈ ક્ષણ કોઈ ઘૃણિત કૃત્યની દર્શક રહી છે.
તેમનો નિર્દેશ જનરલ ઇસોદા તરફ હતો. ‘પણ તપાસ જરૂર થવી જોઈએ.’ અય્યરને મળેલા કર્નલ ટાડાએ કરેલી વાતનું ભારે મહત્ત્વનું હતું ફીલ્ડ માર્શલ તેરાઉચીએ તો ટોકિયોમાં કોઈને પૂછયા વિના જ નેતાજીને ‘મંચુરિયા તરફ પ્રયાણ’ માટે મદદ કરી નેતાજી પ્રત્યે તેમને ભારે આદર હતો અને ઇચ્છતા હતા કે નેતાજી મંચુરિયા - રશિયા પહોંચીને તેનો સ્વાતંત્ર્ય જંગ ચાલુ રાખે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીનો આ પુત્ર પોતાની યે નિયતિ જાણતો હતો, તેને યુદ્ધ કેદી તરીકે પકડી લેવાયો અને જેલવાસમાં જ ૧૯૪૬માં મૃત્યુ પામ્યો. તેને સંતોષ એ વાતનો રહ્યો કે ક્રાંતિકાર મહાનાયક સુભાષને બ્રિટિશરોના હાથમાં પડવા ન દીધા... આ તમામ વાતો પછી બંગાળના પૂર્વમત્રી નિહારેન્દ્ર દત્ત મજમુદારે ‘વિશેષ તપાસ’ માટે જવાહરલાલને પત્ર લખ્યો. ભારતીય રાજદૂત રેંકોજીમાં ‘સ્વર્ગસ્થ’ નેતાજીના ‘અસ્થિ’ના કાર્યક્રમમાં હાજર રહ્યા પણ જાપાનમાં તો ‘નેતાજી મૃત્યુ પામ્યા છે કે જીવિત છે?’ અને તેમના ખજાનાનું શું થયું? આ બે સવાલોની અધિક ચર્ચા રહી. કેટલાક જાપાની અફસરોની ‘પ્રાયોજિત’ પત્રકાર પરિષદમાં વિમાની દુર્ઘટનાને વાસ્તવિક માનવા માટેનાં ‘પ્રમાણ’ અપાયાં પણ તેમાં કર્નલ મોરિયો તાકાકુરાએ એક વિસ્ફોટક વાત કરીઃ ‘નેતાજીએ રામામૂર્તિને ખજાનો સોંપ્યો હતો... તે ખજાનાનો કોઈ પત્તો નથી.’
નેતાજી-સમર્થકો હવે ખૂલ્લી રીતે, અસરકારક બનીને બહાર આવ્યા. તેમણે જસ્ટિસ રાધાવિનોદ પાલના અધ્યક્ષપદે ‘નાગરિક તપાસ સમિતિ’ બનાવવાની દરખાસ્ત પસાર કરી. રાધાવિનોદ પાલ ટોકિયો યુદ્ધ અપરાધીઓની સરતપાસ માટે બ્રિટિશરોએ બનાવેલી અદાલતમાં એકમાત્ર એશિયન જજ હતા. બ્રિટન-અમેરિકાને તે ‘જાપાન સમર્થક’ લાગ્યા. રાધાવિનોદ પાલની પાસે વિશ્વસનીય માહિતી હતી કે તાઇપેઇ વિમાન-દુર્ઘટના થઈ જ નહોતી.
અંતે તપાસ સમિતિ તો નિયુક્ત થઈ પણ તેમાં રાધા વિનોદ પાલ નહોતા, શાહનવાઝ ખાન હતા (જે પછીથી નેહરુ-મંત્રીમંડળમાં મંત્રી બન્યા અને ભૂવનેશ્વરના સ્વાંત્ર્યસેનાની ડો. બી. રામચંદ્ર રાવે બીજા તપાસપંચમાં તો એમ પણ જણાવ્યું હતું કે આઝાદ ફોજમાં હું કર્નલ હતો. શાહનવાઝખાં આઝાદ ફોજમાં બ્રિટિશ જાસૂસીનું કામ કરતા હતા. એટલે તેની તપાસ કરવાનું કર્નલ એચ. એમ. ચોપરાને સોંપાયું, તેમાં ચોપરાએ જણાવ્યું કે શાહનવાઝ બ્રિટિશ - જાસૂસ છે. કર્નલ ચોપરાની સીમા પરની ટૂકડી પર બ્રિટિશરો એ કરેલી બોંબવર્ષા તે આ માહિતી અપાયાને કારણે થઈ હતી.
સુભાષ-પત્ની એમિલી શેન્કલને ય આ તપાસ સમિતિ વિશે પૂછવાની દરકાર રાખવામાં ન આવી. જવાહરલાલના મંતવ્યના સમર્થક રહેલા વિદેશ ખાતાના અધિકારી એ. કે. ધરને આ ‘સમિતિને મદદ’ કરવા નિયુક્ત કરાયા. તે ‘સભ્ય’ નહોતા, પણ તેનાથી અધિક પડછાયાનું કામ કરી રહ્યા હતા! ત્રીજી ડિસેમ્બર, ૧૯૫૫ના સંસદમાં વડા પ્રધાન દ્વારા આ સમિતિની જાહેરાત સંસદમાં કરવામાં આવી. સુભાષબાબુના ભત્રીજા અમિય બોઝને સમિતિમાં રહેવા જણાવાયું પણ તેમણે ઘસીને ના પાડી દીધી. શાહનવાઝ તેમને ઇચ્છતા નહોતા, એટલે સુરેશ બોઝનું નામ આવ્યું પણ સમિતિનો દોરી સંચાર તો ટી. એન. કૌલ અને એ. કે. ધર જ કરી રહ્યા હતા.
પરિણામ તો તપાસની પૂર્વે જ નક્કી થઈ ગયું, સુરેશ બોઝે તો નિષ્કર્ષ નકાર્યો (બિધાનચંદ્ર રાયે તેમને ઊંચો હોદ્દો આપવાની - રાજ્યપાલ બનવાની લાલચ આપી હતી એમ પછીથી સુરેશ બોઝે જ જણાવ્યું! ત્રણ ઓગસ્ટ, ૧૯૬૬ના દિવસે - તદ્દન સપાટી પરની તપાસ પૂરી કરીને - શાહનવાઝ ખાને અહેવાલ વડા પ્રધાનને સુપરત કર્યો અને ૧૧ સપ્ટેમ્બરે પંડિત જવાહરલાલે સંસદમાં પ્રસ્તુત કર્યોઃ ‘૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના તાઇપેઇમાં વિમાની-દુર્ઘટના થઈ તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હતા.’
આ શાહનવાઝનું ‘સત્ય’ હતું, જે જવાહરલાલ ક્યારનાય ઘોષિત કરી રહ્યા હતા. તેમાં ૭૮ પાનાં, છ પ્રકરણ અને દૂર્ઘટનાગ્રસ્ત વિમાનની તસવીરો, રેંકોજી દેવળની તસવીર, હબીબુર રહેમાનનું નિવેદન આટલી સામગ્રી હતી. સાક્ષીઓ પણ પૂર્વયોજિત નાટકનાં પાત્રો જેવા રહ્યા. તેમાંયે એકબીજાથી વિરોધી માહિતી હતી, અભિપ્રાયો હતા. સુરેશ બોઝ તો તપાસ પૂર્વે જ નેહરુને મળ્યા કે શાહનવાઝખાંને સમિતિના પ્રમુખ બનાવવા અર્થહીન છે, આ પદ રાધાવિનોદ પાલ જેવા ઠરેલા, વિદ્વાન અને નિષ્ણાતને જ સોંપવું જોઈએ. આ જ વાત સુભાષ-મિત્ર મથુરાલિંગમ થેવરે પત્રકારોની વચ્ચે જણાવી.
પણ જવાહરલાલે કહ્યુંઃ ના. તે શક્ય નથી. ડો. પાલ તે પદ માટે અયોગ્ય છે. યુદ્ધ અપરાધીઓની સજામાં તેમણે બરાબર ભૂમિકા ભજવી નહોતી. નેતાજીનાં મૃત્યુની વિગતે તપાસ કરવા માટે જે સ્થાન સૌથી વધુ ઉપયુક્ત હતું, તે તાઇવાન સુધી તો શાહનવાઝખાને જવાની જ મંજુરી ના મળી. વિદેશખાતાના સચિવ, રાજદૂતો બધાએ તેમાં અવરોધ ઊભો કરી દીધો અને મુખ્ય કારણ જણાવવામાં આવ્યું કે તાઈવાનની સાથે આપણો રાજનયિક સંબંધ નથી. તેઓ તપાસમાં મદદ નહીં કરે.
બ્રિટિશ સૂચનાનુસાર જે અહેવાલ તાઇવાનથી આવ્યો તેમાં તો (૪ જુલાઈ, ૧૯૫૬) સુભાષ મૃત્યુના કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું. ગુજરાતી પત્રકાર હરીન શાહે નેહરુ-સરદારને જે માહિતી આપી તેમાં નેતાજીની ઘાયલ અવસ્થામાં સારવાર કરનારી પરિચારિકાનું નામ ‘ત્સાન પિ શા’ જણાવાયેલું, એવી કોઈ પરિચારિકા જ હયાત નહોતી! સ્મશાનગૃહના અધિકારી કાંગ-ફૂ-ચાયેંગે પણ જણાવ્યું કે કોઈ પ્રમાણ નથી...
તો પછી?
જેમણે મૃતદેહ પરમિટ આપી હતી તેમ કહેવાયું તે ચેન ચેહ ચિ અને લિ ચિન, બન્નેએ કહ્યુંઃ ‘અમે નેતાજીને જીવનમાં ક્યારેય જાણતા નહોતા તો સાફ છે કે મૃત્યુ પછી તેમની ઓળખ અમે કઈ રીતે આપી શકીએ?’
સંસદમાં કામથે પૂછયુંઃ જ્યાં કોઈની હત્યા થઈ હોય ત્યાં ગયા વિના કઈ રીતે હત્યા થઈના પ્રમાણો કહી શકો?
નેતાજીનાં ભત્રીજી, શીલા સેનગુપ્તાએ શાહનવાઝ ખાનને રૂબરૂ જ કહ્યુંઃ ‘ભાઈજાન, ડેપ્યુટી મિનિસ્ટર બનવા માટે તમે તો નેતાજીને જ મારી નાખ્યા!’
૧૯૮૦માં તેમને ઘેરો અફસોસ સતાવતો રહ્યો. કહ્યુંઃ ‘તપાસ સમિતિના ચેરમેન બનવાની મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.’
૧૯૮૯માં શાહનવાઝ ખાનનું અવસાન થયું. આ સમિતિના મદદગારોમાંના સચિન મિત્રાએ પછીનાં વર્ષો શાંતિનિકેતનમાં ગાળ્યાં, એ. કે. ધર રાજદૂત બન્યા, ટી. એન. કૌલે વિદેશ સચિવ અને રાજદૂતની બક્ષીસ મેળવી.
ત્યાં શોલમારી આશ્રમમાં ‘શારદાનંદ’ જ સુભાષ છે એવી હવા ચોતરફ પ્રસરી. આવું માનનારા સામાન્યજન નહીં, સ્વયં સુભાષબાબુ સાથે કામ કરી રહેલા મહત્ત્વના મહાનુભાવો હતા. કાબુલથી રશિયા થઈને જાપાન પહોંચનારા ગુપ્ત વેશધારી સુભાષબાબુને પોતાને ત્યાં છૂપાવનારા ઉત્તમચંદ મલ્હોત્રા પણ તેવું માનતા હતા! પશ્ચિમ બંગાળ સરકારે પણ તપાસ આદરી. ગુપ્તચર તંત્રના જણાવ્યા પ્રમાણે આ સાધુ નેતાજી નહીં પણ જતિન ચક્રવર્તી નામના રિવોલ્યુશનરી પાર્ટીના સભ્ય છે, કોમિલામાં તેમણે જિલ્લાધિકારી ડેવિસની હત્યા કરી તે પછી ફરાર હતા.
દરમિયાન સદા-વિપ્લવી સમર ગુહાએ નેતાજી વિષેનાં તથ્યોની સાચુકલી તપાસ કરવાની ઝુંબેશ જારી રાખી. ડો. સત્યનારાયણ સિંહા તો પોતાના ખર્ચે તાઇવાન જઈ આવ્યા. તેમણે પુસ્તક લખ્યુંઃ ‘નેતાજી મિસ્ટ્રી’ (૧૯૬૬).
તેમાં જણાવાયુંઃ ‘નેતાજી ૧૯૫૦-૫૧’માં રશિયન જેલમાં કેદી હતા.’
એચ. વી. કામથે પણ તાઈવાન-યાત્રા કરી. વિદેશમંત્રી ડો. સિંપસન પી.શાઈને તેમને આમંત્રિત કર્યા હતા. ડો. લિને તો સ્પષ્ટ કહ્યું કે ભારત સરકાર ઇચ્છે તો તપાસમાં મદદ કરવા માટે અમે તૈયાર છીએ!
સમર ગુહાએ અટલ બિહારી વાજપેયી, મધુ લિમયે જેવા રાજનેતાઓને મળી ‘રાષ્ટ્રીય સમિતિ’ બનાવી. બન્ને ગૃહોમાં - અને બહાર - માગણી થતી રહી કે નેતાજીનાં કથિત મૃત્યુની સાચી તપાસ થવી જ જોઈએ. ૩૦ ડિસેમ્બર, ૧૯૬૭ના તેમણે ૩૫૦ સંસદ સભ્યોના હસ્તાક્ષરો લઈને કેન્દ્ર સરકારને આવેદન આપ્યું.
એક પછી એક વિસ્ફોટક વિગતો બહાર આવતી ગઈ. નેતાજી સાઇબીરિયાની યાકુત્સ્ક જેલમાં છે. અમેરિકી પત્રકાર અલ્ફ્રેડ બેગે ૧૯૪૫માં જ ગાંધીજીને માહિતી આપી કે તાઇહોકુ વિમાની મથકની જે તસવીરો દેખાડવામાં આવી છે તે ખોટી છે, બનાવટી છે. પરિણામે ગાંધીજી પણ નેતાજીના અવસાનની ખબર માની શક્યા નહોતા...
આ ઉહાપોહ જ્વાલા બની જાય તો સૌથી અધિક નુકસાન કોંગ્રેસને હતું એટલે ‘જુલાઈ, ૧૯૭૦ના વળી પાછું એક ‘વન મેન ઇન્કવાયરી કમિશન’ નિયુક્ત કરવામાં આવ્યું. તેના ચેરમેન શોધવામાં બરાબર નવ મહિના લાગ્યા. છેવટે નિયુક્ત થયા ન્યાયમૂર્તિ જી. ડી.ખોસલા.’
સદા-વિવાદી ખોસલાને બધા ‘બ્રાઉન-સાહેબ’ કહેતા. ગાંધી-હત્યા કેસમાં તેમણે ચુકાદો આપ્યો હતો. સરકાર-નિયુક્ત ભારત-વિભાજનની સ્થિતિની તપાસ તેમણે કરેલી. ‘સ્ટર્ન રેકનિંગ’ નામે તે પુસ્તક પણ પ્રકાશિત થયું. ૧૯૬૧માં તેના એક લેખ સામે પોલીસ વડા એસ. એમ. સિકરી બદનક્ષી માટે અદાલતમાં પહોંચ્યા. ખોસલા આ કેસનો મુકાબલો ન કરવો પડે તે માટે લંડન ભાગી ગયા અને છેવટે જાહેરમાં માફી માગી. (ક્રમશઃ)